બટન .
- દેવમને ફરી અવાજ સંભળાયો. તેણે અવાજની દિશામાં ધ્યાનથી જોયું. તેના આશ્ચર્યનો અંત આવ્યો. જે ઝાડ નીચે બેઠો હતો એ ઝાડ બોલતું હતું!
- મહેશ 'સ્પર્શ'
ડ ભાલી નામે ગામ. ગામથી થોડે જ દૂર વનરાવન નામે નાનકડું જંગલ. વનરાવનમાં જાતજાતનાં ને ભાતભાતનાં ઝાડવાં ને છોડવાં. એમનાં ફળ, ફૂલ અને બી પણ અનોખા હતાં. ત્યાં વાઘ, સિંહ જેવાં હિંસક પ્રાણીઓ નહોતાં, પણ અવનવાં પક્ષીઓ, સસલાં, હરણાં ને ઝરણાં તો ખરાં જ! વનરાવનની આવી અદભુત સુંદરતા જોવા દૂર દૂરથી લોકો અહીં આવતાં.
એક દિવસ એક ફેરિયો વનરાવનમાંથી પાસાર થતો હતો. તે બંગડી, કાંસકાં, બટન વગેરે વેચવા ડભાલી જતો હતો. ચાલતાં ચાલતાં વનરાવનમાં જ બપોર થઈ ગયા. એને થોડો આરામ કરવાનું મન થયું. એક ઘટાદાર ઝાડ નીચે એણે પોતાના સામાનનો થેલો મૂકયો. થેલામાંથી ટિફિન બહાર કાઢયું. થેપલાં ખાધાં. નજીકના ઝરણાનું પાણી પીધું. પછી એ ઝાડ નીચે જ આરામ કરવા આડા પડખે થયો. થોડી જ વારમાં એ ઘસઘસાટ ઊંઘી ગયો.
આરામ કરી જાગ્યો. પછી ગામમાં વેપાર કરવા ગયો.
'એ... આવ્યો હું મણિયારો તમારા મલકનો,
લાવ્યો હું બંગડી, બટન ને ચાંલ્લો ચમકતો.
બહેન, માડી ને દીકરીયુંનો ચહેરો મલકતો,
લઈ લ્યો, લઈ લ્યો શણગાર મનગમતો.'
ગામ અખામાં ગીત લલકારતો જાય ને સામાન વેચતો જાય.
'ભાઈ, મને બંગડી બતાવને.' એક બહેને સાદ પાડી ફેરિયાને બોલાવ્યો.
'લો, બહેન જોઈ લો. નવી જ ડિઝાઇનની બગડી છે. અત્યારે એની બહુ ફેશન છે હોં.' ફેરિયાએ થેલામાંથી બંગડીના દસ બાર સેટ બહાર કાઢયા.
એ બહેન વારાફરતી બધી બંગડીઓ જોવા લાગ્યા. એ જ વખતે એમનો દીકરો દેવમ ત્યાં આવી પહોંચ્યો. ફેરિયાનો થેલો ફંફોસવા લાગ્યો.
'મમ્મી... મમ્મી, જોને આ બટન કેટલું સરસ છે! મારા શર્ટનું એક બટન તૂટી ગયું છેને, એના જેવું જ છે આ. મને લઈ આપને?' દેવમે થેલામાંથી એક બટન લઈ તેની મમ્મીને બતાવ્યું.
'હા, ભલે!' એમ કહી દેવમની મમ્મીએ ફેરિયા સામે જોયું.
'ભાઈ, આ બટનના કેટલા?'
'અ... આ બટન..!' એટલું બોલી ફેરિયો અટકી ગયો.
'એ મારી પાસે ક્યાંથી આવ્યું એ તો મનેય ખબર નથી. એની કિંમત પણ હું જાણતો નથી. આપી દોને દીકરાને. એની શું કિંમત કરવાની! મારા તરફથી દીકરાને ભેટ સમજો.' એમ કહી તેણે દેવમને બટન ભેટમાં જ આપું દીધું.
મનગમતું બટન મેળવી દેવમ હરખાઈ ગયો. તેની મમ્મીએ બટન તેના શર્ટમાં લગાવી દીધું. શર્ટમાં પાંચ બટન તો પહેલેથી હતાં જ. આ છઠ્ઠું દેખાવે તો બાકીના જેવું જ હતું, પણ થોડું વધારે સુંદર દેખાતું હતું. તેનો રંગ બાકીના કરતાં સહેજ અલગ હતો. દેવમને તો એ બહુ ગમી ગયું. બટનના લીધે એ શર્ટ પણ દેવમનું પ્રિય શર્ટ બની ગયું. દરેક સારા પ્રસંગે દેવમ એ જ શર્ટ પહેરતો.
એક દિવસ દેવમનો દોસ્ત દિપુ તેના ઘરે આવ્યો.
'આવતીકાલે મારો બર્થડે છે. પાર્ટીમાં તું જરૂર આવજે.' દિપુએ તેની બર્થડે પાર્ટીનું આમંત્રણ આપ્યું.
બીજા દિવસે દેવમ દિપુના ઘરે જવા તૈયાર થયો. તેણે તેનું ફેવરિટ શર્ટ પહેર્યું હતું. દીપના ઘરે બર્થ ડે પાર્ટીની ખૂબ મજા માણી. પછી તે પોતાના ઘરે પરત જવા નીકળ્યો.
'સાંજ પાડવામાં હજુ ઘણો સમય બાકી છે. વનરાવનમાં ગયે બહુ વખત થઈ ગયો છે. ત્યાં એક આંટો મારી આવું. ત્યાંના ઝાડવાંઓ સાથે રમવાની મને બહુ મજા આવે છે. વનરાવનની સુંદરતા અને શાંતિ મને બહુ ગમે છે. થોડીવાર ત્યાં રમીશ, આરામ કરીશ પછી ઘરે જઈશ.' એમ વિચારી દેવમ જંગલ ભણી ચાલવા લાગ્યો.
વનરાવનમાં જઈ દેવમે વડની વડવાઈઓનો હીંચકો ખાધો. ઝાડવાંઓ સાથે ખૂબ રમ્યો. ઝરણાનું પાણી પીધું. મીઠાં ફળ ખાધાં. પછી એક ઘટાદાર વૃક્ષ નીચે આરામ કરવા બેઠો.
'દેવમ તું બહુ સારો છોકરો છે. તે મારા દીકરાનો બહુ ખ્યાલ રાખ્યો છે.'
એ તેના પ્રિય બટન સાથે રમત કરી રહ્યો હતો. એ જ વખતે તેને કોઈનો અવાજ સંભળાયો.
'અહીં મારા સિવાય કોઈ દેખાતું નથી. આ કોણ બોલતું હશે?' દેવમને આશ્ચર્ય થયું.
'તારું બટન એ મારો દીકરો છે.'
દેવમને ફરી અવાજ સંભળાયો. તેણે અવાજની દિશામાં ધ્યાનથી જોયું. તેના આશ્ચર્યનો અંત આવ્યો. જે ઝાડ નીચે તે બેઠો હતો એ ઝાડ બોલતું હતું!
'મારું બટન એ જ તમારો દીકરો! કેવી રીતે?' દેવમને ઝાડની વાત સમજાતી નહોતી.
'હા, તારું બટન એ જ મારો દીકરો છે. એ બટન નથી. ખરેખર તો એ મારો દીકરો - મારા ફળનું બીજ છે. જે અસ્સલ બટન જેવું જ લાગે છે. ઘણાં દિવસો પહેલાંની વાત છે. એક ફેરિયો આરામ કરવા માટે અહીં સૂતો હતો. તેની પાસે એક થેલો હતો. થેલાનું મોં ખુલ્લું હતું. મારું એક ફળ ખૂબ પાકીને ફાટી ગયું હતું. એમાંથી એક બીજ બહાર નીકળી આવ્યું હતું. એ બીજ-મારો દીકરો મારી ડાળીઓ અને પાંદડાં સાથે રમતો હતો. રમતાં રમતાં લપસી ગયો. સીધો ફેરિયાના થેલામાં પડયો. હું કાંઇ કહું એ પહેલાં ફેરિયો નીકળી ગયો. થેલા સાથે મારો દીકરો પણ મારાથી દૂર થઈ ગયો. બટન જેવા દેખાવને કારણે તે એને ફેરિયા પાસેથી લીધું હશે. પણ હવે તું મારો દીકરો મને પાછો આપી દે.' ઝાડવાએ માંડીને બધી વાત કરી.
'પણ મને આ બટન બહુ ગમે છે. અને બટન વગર મારું શર્ટ નક્કામું થઈ જશે.' દેવમે પોતાના મનની વાત કહી.
'તું જરાય ચિંતા ના કરીશ. તેના બદલામાં હું તને મારું એક પાક્કું ફળ આપીશ. મારું ફળ બહું કિંમતી છે. તેને વેચી તું ઘણા પૈસા કમાઈ શકીશ. એમાંથી તું નવું બટન ખરીદી શકીશ. બીજી ઘણી તારી મનગમતી વસ્તુઓ પણ ખરીદી શકીશ.' વૃક્ષે તેને સમજાવ્યો.
'ભલે, પણ મને એના વગર તો નહીં જ ગમે.' દેવમે ઝાડની વાત માની લીધી. પણ તે પોતાનું દુ:ખ છુપાવી શક્યો નહીં.
દેવમને દુખી જોઈ ઝાડનેય દુ:ખ થયું.
'એક કામ કર. તું એ બીજને તારા ઘરે જ લઈ જા. ત્યાં જમીનમાં તેને વાવી દેજે. એ ઊગી નીકળશે. તેનું વૃક્ષ થશે. એના ફળમાંથી તને બીજરૂપે એક નહીં અનેક બટન મળશે. એ રીતે મારા દીકરાનેય નવજીવન મળશે... અને હા, અત્યારે તો હું તને મારું એક ફળ આપું જ છું. એને વેચીને તું નવું બટન ખરીદી લેજે.' વૃક્ષે દેવમને એક પાક્કું ફળ આપતા કહ્યું.
દેવમને ઝાડની આ વાત ખૂબ ગમી ગઈ. ફળ લઈ તેણે ઝાડનો આભાર માન્યો. ફળને બજારમાં વેચી દીધું. તેના બદલામાં તેને ઘણા રૂપિયા મળ્યા. તેમાંથી તેણે એક બટન ખરીદ્યું. બાકીના રૂપિયામાંથી એને ગમતાં રમકડાં ખરીદ્યા.
પછી દેવમ ઘરે ગયો. તેના પ્રિય બટન-ઝાડના બીજને આંગણામાં વાવી દીધું. તેને ખાતર પાણી આપ્યાં. દરરોજ તેની કાળજી રાખવા લાગ્યો.
દિવસો વીતતા ગયા. બીજમાંથી અંકુર ફૂટયો. ધીમે ધીમે તેનો વિકાસ થતો ગયો. સમય જતાં અંકુરમાંથી છોડ, ને છોડમાંથી વૃક્ષ બની ગયું. એને ફળ આવ્યાં. ફળમાંથી બટન જેવા બીજ નીકળ્યાં. એ જોઈને દેવમ રાજી રાજી થઈ ગયો.