Get The App

જિરાફમામુની બારાત .

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
જિરાફમામુની બારાત                                      . 1 - image


- આગળ ઉંદરભૈયાની બેન્ડ પાર્ટી. એની પાછળ સિંહ-વાઘનું ટોળંુ, વચ્ચે હાથી- હાથણી અને વચ્ચોવચ્ચ જિરાફમામુ સોળે શણગાર સજી ગળામાં ફુલોનો હાર પહેરી મલકાતા મલકાતા નીકળ્યા.

- યુસુફ  મીર

એ ક જગંલ હતું. જંગલમાં તમામ પ્રકારનાં પ્રાણીઓ રહેતા હતા. સિંહ, વાઘ, દિપડો, શિયાળ, હાથી, ઊંટ અને જિરાફ. રીંછ ને સસલા તો ખરા જ. સૌ સંપીને રહેતા હતાં. એકબીજા સાથે ભાઈચારાથી જંગલ આખું મંગલમય બની ગયું હતું. કારણ વગર એકબીજાને કનડવાનું અને શિકાર કરવાનું કોઈ શીખ્યું જ નહોતું. જંગલના શિકારી જાનવર પણ પેટ ભરવા માટે બાજુના જંગલે ગુપચુપ જઈ આવતા.

આ જંગલમાં એક જિરાફ કુટુંબ રહે. જિરાફરાણી, જિરાફઅંકલ અને એમનો એકનો એક કુંવર જિરાફરાજા. આ જિરાફરાજા દરેક પ્રાણીને હળતો મળતો અને વિનોદ કરાવતો. જિરાફરાજા એના માયાળુ સ્વભાવથી દરેકનો લાડકો બની ગયો હતો. એમાંય નાના ભૂલકાનો તો ખાસ માનીતો બની ગયો હતો. એટલે જંગલનાં સૌ નાનાં-મોટાં પ્રાણી એને જિરાફમામુ કહેતા. આ જંગલમાં એક સસલાનું કુટુંબ પણ રહે. એમની લાડકી દીકરી સસ્સીકુમારી જિરાફમામુની ઉંમરની જ હતી. બંનેના સ્વભાવ એક સમાન હોવાથી એકબીજા પ્રત્યે ખેંચાણ વધ્યું.  સસલું દીકરીનું માગું લઈ જિરાફરાજાના ઘેર પહોંચ્યા. સસ્સીકુમારી અને જિરાફમામુની એકબીજા પ્રત્યેના ખેંચાણની વાત કરી. બન્નેનાં લગ્ન થાય એવી ઈચ્છા વ્યક્ત કરી.

જિરાફરાજા અને રાણીએ વિચાર કર્યો કે પોતાના જ જંગલના રહેવાસી જોડે દીકરાનાં લગ્ન થાય એનાથી રૂડું બીજું શું? એટલે જિરાફરાજા-રાણીએ તુરંત હા પાડી દીધી. જંગલનું દરેક પ્રાણી હરખાયું કે ચાલો, આનંદનો અવસર આપણા જંગલમાં આવ્યો. સૌ  જિરાફમામુની જાનમાં ભાગ લેવા ઉત્સાહભેર તૈયાર થયા. 

આખરે જિરાફમામુની જાન સાસરીયે જવા નીકળી. આગળ ઉંદરભૈયાની બેન્ડ પાર્ટી. એની પાછળ સિંહ-વાઘનું ટોળંુ, વચ્ચે હાથી- હાથણી અને વચ્ચોવચ્ચ જિરાફમામુ સોળે શણગાર સજી ગળામાં ફુલોનો હાર પહેરી મલકાતા મલકાતા નીકળ્યા. પાછળ રીંછ, શિયાળ, સસલાનું ટોળું જોડાયું. ઉંદરની બેન્ડવાજા પાર્ટીએ લગ્નગીત ઉપાડયું - 

'જિરાફમામુ પરણવા ચાલ્યા,

જાડી જોડી જાન,

જાનૈયા સો મસ્તીમાં ઝૂમતા,

ભૂલી ભાન ને સાન,

ઘેર ઘેર તોરણ બાંધ્યા છે

લીલાં એનાં પાન,

ગામ વચ્ચે જાનૈયા નાચ્યા,

સૌ થયા ગુલતાન,

આખરે સૌ નશામાં ઝૂમતા

આવ્યા સસ્સાના મકાન,

જિરાફમામુ પરણવા ચાલ્યા

જાડી જોડી જાન.'

સસ્સીરાણીએ કંકુ, ચોખા, ગુલાલ ઉડાડી ઓવારણા લીધા ભાલુ ગોર મહારાજે મંગળફેરા ફેરવ્યા. પછી કહે 'જમાઈરાજ, જરાક ડોક નીચું કરે તો કન્યા હાર પહેરાવે.' 

જિરાફમામુના પિતાએ કહ્યુ, 'મારા દિકરાએ શું હીણુ કામ કર્યું છે કે નીચે નમે? ડોક નીચી કરે?'

ભાલુ ગોર મહારાજે સમજાવ્યું, 'જિરાફરાજા, કન્યા હાર પહેરાવી શકે તે માટે ગરદન ઝુકાવવી એનો અર્થ એવો નહીં કે વરરાજાએ કોઈ હીણું કામ કર્યું છે. આ તો મંગળ વિધિનો એક ભાગ છે. અહીં ગરદન નીચી કરવી એ તો નમ્રતાની વાત થઈ, હીણપતની નહીં.'

જિરાફરાફને પોતાની ભૂલ સમજાઈ. એણ દીકરાને ગરદન નીચે કરવા કહ્યું. જિરાફમામુએ હળવેકથી ગરદન ઝુકાવી ને સસ્સીકુમારીએ કૂદકો મારીને વરમાળા જિરાફમામુના ગળે પહેરાવી દીધી. 

સૌએ તાળીઓનો ગડગડાટ કર્યો. 

આમ, જિરાફમામુ અને સસ્સીકુમારીના વિવાહ સંપન્ન થયા.   


Google NewsGoogle News