SOCIAL સર્કલ .
પ્રિય પ્રિયન...
વિચાર કરો કે અક્ષયકુમારની કરીઅરમાં 'હેરાફેરી', 'ગરમ મસાલા', 'ભાગમભાગ', અને 'ભૂલભૂલૈયા' આ ચાર ફિલ્મો ન હોય તો એની ફિલ્મોગ્રાફી કેટલી ફિક્કીફસ્સ લાગત! એટલે જ અક્ષયકુમાર ફિલ્મમેકર પ્રિયદર્શનનો જેટલો પાડ માને એટલો ઓછો. આ ચારેય ધમ્માલ ફિલ્મો પ્રિયદર્શને ડિરેક્ટ કરી છે. હમણાં પ્રિયદર્શનનો બર્થડે ગયો ત્યારે અક્ષયે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને કેપ્શનમાં લખ્યુઃ 'ભૂતિયા સેટ પર પ્રેતાત્માઓની વચ્ચે (અસલી અને અનપેઇડ એક્સ્ટ્રાઝ બન્ને) ઘેરાયેલા હોવું બર્થ ડે ઉજવવા માટે આના કરતાં બહેતર જગ્યા બીજી કઈ હોવાની! થેન્ક્યુ મારા મેન્ટર બનવા માટે અને ગાંડાની જેમ થતી ભાગાદોડીને પણ માસ્ટરપીસની જેમ પેશ કરવા માટે...' સાચ્ચે, પાંચ-પંદર-પચ્ચીસ પાત્રો આમથી તેમ દોડાદોડ કરતા હોય ને એકબીજાનાં માથાં ભાંગતાં હોય એવાં દ્રશ્યો પ્રિયદર્શન (જેમને વહાલથી બધા પ્રિયન કહે છે) જેટલી રમૂજી રીતે શૂટ કરી શકે છે એવું બીજું કોઈ કરી શકતું નથી.
વીરો મારો ઝગમગ ઝગમગ થાય....
'સ્કાયફોર્સ' ફિલ્મથી અક્ષયકુમારની સાથે ડેબ્યુ કરનાર વીર પહાડિયાએ લોકોનું થોડું ઘણું ધ્યાન તો જરૂર ખેંચ્યું છે. કોણ છે વીર પહાડિયા? અત્યાર સુધી વીર પહાડિયાની બે ઓળખ હતી. એક, એ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર સુશીલકુમાર શિંદેની દીકરીનો દીકરો છે. મીન્સ કે શિંદેજી એમના સગા નાના થાય. બીજું, જ્હાન્વી કપૂર એ વીરના ભાઈ શિખર પહાડિયાની ગર્લફ્રેન્ડ છે. (હવે અહીં 'ગર્લફ્રેન્ડ છે' લખવું કે 'ગર્લફ્રેન્ડ હતી' લખવું તે મામલે કન્ફ્યુઝન છે.) તાજેતરમાં વીરે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટા શેર કરીને લખ્યું છેઃ 'નો રીઝ જસ્ટ બ્રાઉન આઇઝ એન્ડ પ્યોર હાર્ટ.' રીઝ ચાંપલી યંગ જનરેશનનો શબ્દ છે, જેનો અર્થ થાય છે, રોમેન્ટિક અપીલ યા તો ચાર્મ. ટૂંકમાં, અહીં વીર કદાચ એવું કહેવા માગે છે કે કન્યામાં રોમેન્ટિક અપીલ નહીં હોય તો ચાલશે, માત્ર જો એની આંખો ભૂરી હશે અને હૃદય ચોખ્ખું હશે એટલે ભયો ભયો. હા, ભાઈ, હા!
યમીઃ ધૂમ મચા દે...
ઓફ્ફો, કેટલી વાર કહેવું? યામી ગૌતમ પોતે ભલે ચાંપલી થઈ ને પોતાના નામનો ઉચ્ચાર યા...મી કહે, પણ ખરો શબ્દ, રાધર ખરું નામ છે, યમી. યમી એક પૌરાણિક પાત્ર છે. યમરાજની બહેનનું નામ યમી. યમીના નામ વિશે આટલું બધું પિષ્ટપિંજણ કરવાનું કારણ એ છે કે આ મહિને એની બ્રાન્ડન્યુ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એનું ટાઇટલ છે, 'ધૂમધામ'. હીરો છે, પ્રતીક ગાંધી. ફિલ્મ થિયેટરમાં નહીં પણ સીધી ઓટીટી પર જ સ્ટ્રીમ થવાની છે. સારૃં છે. ફિલ્મ મોટી સ્ક્રીન પર આવવાની હોય એટલે ટેન્શનનો પાર નહીં - પૂરતી સ્ક્રીન મળી કે નહીં? બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થયું? વગેરે. સ્ટ્રેઇટ-ટુ-ઓટીટી રિલીઝ હોય એટલે આવું કશું ટેન્શન નહીં. એટલેસ્તો યમીએ આ તસવીર સાથે ઈંધૂમધામ એટલું જ લખ્યું છે. એણે વ્યવસ્થિત કેપ્શન લખવાનું ટેન્શન પણ લીધું નથી!