કેનેડાનું શિંગડાવાળું ઘુવડ .
ઘુવડ તેના બિહામણા દેખાવથી અલગ તરી આવે છે. ઘુવડની ઘણી જાત હોય છે પરંતુ કેનેડા અને મધ્ય અમેરિકાના શિંગડાવાળા ઘુવડ તો રાક્ષસ જેવા લાગે. વળી રાત્રે વિચિત્ર અવાજો કરીને વાતાવરણને પણ ભૂતિયું કરી નાખે. શિંગડાવાળા ઘુવડ કદમાં પણ મોટા હોય છે. ૧૮ થી ૨૫ ઇંચ ઊંચાઈ અને ૩ ફૂટના ઘેરાવવાળી પાંખ ધરાવે છે. બદામી રંગના શરીર પર કાળાં ટપકા અને ગળામાં સફેદ કાંઠલો તેને વધુ બિહામણા બનાવે છે. બે આંખ વચ્ચે અંગ્રેજી 'વી'ના આકારની સફેદ નિશાન હોય છે. માથાની બંને તરફ સખત શિંગડા હોય છે. આ શિંગડા નહીં પણ તેના કાન છે.
તે જંગલ અને પહાડી પ્રદેશોમાં વૃક્ષ ઉપર માળો બાંધીને રહે છે. તે ઉંદર, ખિસકોલી અને કયારેક સસલાં જેવા મોટા પ્રાણીનો પણ શિકાર કરે છે. આ ઘુવડ આંખની કીકી ફેરવી શક્તાં નથી. તેના ગળામાં એક વિશેષ હાડકું હોય છે. એટલે તેની ડોક ૩૬૦ અંશને ખૂણે ચારે તરફ ફેરવી શકે છે અને ચારે દિશામાં જોઈ શકે છે. ઘુવડ રાત્રિના અંધકારમાં પણ જોઈ શકે છે.