ભલાં બાળકો .
- બધા ખુશ પણ દિનેશ ઉદાસ હતો. સૃષ્ટિ બોલી,'અરે દિનેશ, તું કેમ રોવા જેવું મોઢું કરીને ઊભો છે? પ્રવાસની વાત સાંભળી તું ખુશ ન થયો?'
- દુર્ગેશ ઓઝા
નિશાળમાં સાતમા ધોરણના વર્ગમાં ગુરુજી અમરભાઈએ જાહેરાત કરી, 'જુઓ બાળકો, આપણી નિશાળ તરફથી સાતમાં ધોરણના વિદ્યાર્થીઓ માટે આવતા રવિવારે એક સરસ મજાનો પ્રવાસ ગોઠવ્યો છે.' અમરભાઈ હજી આગળ કાંઈ બોલે એ પહેલાં તો બધાં વિદ્યાર્થીઓ ખુશ થઈ ચિચિયારીઓ પાડવા લાગ્યાં. અમરભાઈ કહે, 'હજી આગળ તો સાંભળો. આપણે પોરબંદર શહેરથી બસમાં બિલેશ્વર અને કિલેશ્વર મહાદેવના મંદિરે જઈશું. બાજુમાં ફોદાળા ડેમ છે, એમાં પાણી ઘણું છે, આજુબાજુ જાતજાતનાં ઝાડપાન છે. આપણે એ બધું જોઈશું.'
નેહા કહે, 'ગુરુજી, તો તો બહુ મજા આવશે. સાથે ચાલશું, દોડશું, ફરશું, રમશું, જમશું ને ઘુમીશું.'
ઉજાલી બોલી, 'મારું નામ ઉજાલી. આપણે સૌ કરશું ઉજાણી.'
અમરભાઈએ પૂછયું, 'બાળકો, તમને ખબર છે બિલેશ્વર મહાદેવની સૌથી પહેલીવહેલી પૂજા કોણે કરી હતી?'
પૂજાએ જવાબ આપ્યો, 'હા ગુરુજી, મને ખબર છે. એની પૂજા સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણે કરી હતી.' ગુરુજીએ કહ્યું, 'સાચું. શાબાશ પૂજા.' અશ્વિને પૂજાને કહ્યું, 'તારું નામ પૂજા છે એટલે તને તો પૂજા કોણે કરી એની બધી ખબર જ હોય ને?' આ સાંભળી સૌ ખડખડાટ હસી પડયાં.
અમરભાઈ કહે, 'એક નવાઈની વાત સાંભળો. મહાદેવના લગભગ બધાં મંદિરોમાં નંદી મંદિરની અંદર હોય છે, પણ બિલેશ્વર મહાદેવના મંદિરમાં નંદી મંદિરની બહાર છે.'
નંદ બોલ્યો, 'ગુરુજી, મને આ વાતની ખબર છે. નંદીને ઘણાં લોકો પોઠિયો પણ કહે છે.'
નવાઝ કહે, 'સાહેબ, આનું નામ નંદ, એટલે એને તો નંદીની ખબર જ હોય ને?' વળી વર્ગમાં હસાહસ થઈ પડી. ગુરુજી કહે, 'હવે સાંભળો. પ્રવાસનો ખર્ચો તો ઘણો થાય, પણ અમુક રૂપિયા નિશાળવાળા આપશે, એટલે તમારે આવવા-જવાના માત્ર રૂપિયા બસ્સો જ આપવાના રહેશે, જે વહેલાં ભરી દેજો.'
નિશાળ છૂટી. બધા ખુશ પણ દિનેશ ઉદાસ હતો. સૃષ્ટિ બોલી, 'અરે દિનેશ, તું કેમ રોવા જેવું મોઢું કરીને ઊભો છે? પ્રવાસની વાત સાંભળી તું ખુશ ન થયો?'
'સૃષ્ટિ, મારેય પ્રવાસમાં આવવું છે, પણ મારી પાસે એટલા બધા પૈસા નથી એટલે હું પ્રવાસમાં નહીં આવી શકું.' એમ કહી દિનેશ ઘરે ચાલ્યો ગયો. બીજા વિદ્યાર્થીઓએ પણ આ વાત સાંભળી. નિશવ બોલ્યો, 'ખુશી, દસ ગુણ્યા વીસ કેટલા થાય?'
'બસ્સો. લે તને એટલીય ખબર નથી?'
'ખુશી, મને ખબર છે. મેં આમ એટલે કીધું કે આપણે અહીં દસ મિત્રો છીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને દસ. ટીપે ટીપે સરોવર ભરાય. અશ્વિન, સૃષ્ટિ, મુસકાન, ખુશી, નવાઝ, ઉજાલી, નંદ, કોમલ, નેહા ને હું નિશવ. જો આપણે દસ મિત્રો ૨૦-૨૦ રૂપિયા વધારે કાઢીએ તો બસ્સો રૂપિયા થાય, જે આપણે દિનેશ માટે આપીએ તો એય પ્રવાસમાં આવી શકે.'
કોમલ બોલી, 'નિશવ, આ તેં બહુ સરસ વાત કરી હો! આપણે દસ મિત્રો ખાલી વીસ-વીસ રૂપિયા કાઢીએ તોય રૂપિયા બસો થઈ જાય! કાંકરે કાંકરે પાળ બંધાય.'
મુસકાન બોલી, 'સાચું હો! ઝાઝા હાથ રળિયામણા. દિનેશ આવે, એ રાજી થાય તો આપણે પણ રાજી, બરાબર ને?' બધાં મિત્રો ખુશ થઈ તાળી પાડીને બોલ્યાં, 'બરાબર બરાબર...'
દસેય મિત્રોએ વીસ-વીસ રૂપિયા વધારે કાઢયા પછી તો આ અગિયારે-અગિયાર મિત્રો પ્રવાસમાં ગયાં, ત્યાં એણે મંદિરોમાં ભગવાનનાં દર્શન કર્યાં, ઝાડપાન, ડેમ વગેરે જોયું. ત્યાં સૌ પકડમપકડી, થપ્પો દા, લંગડી, અંતકડી વગેરે સાથે રમ્યાં, સાથે જમ્યા ને બહુ મજા કરી હો!