સોનાનો વરસાદ .
- વિઠ્ઠલાણી પલ્લવી હેમલકુમાર
- સોનાનાં સિક્કાનો વરસાદ પડે છે. તેની ઊંઘ ઊડી ગઈ. તેણે બધાંને વાત કરી. કલ્લુએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેણે તરત જ કહ્યું, 'અરે, ભોલુભાઈ! આપણા બધાં સપનાં કંઈ સાચાં પડતાં નથી. મને એકવાર સપનું આવ્યું હતું કે જમીનમાંથી સોનું ભરેલો ઘડો મળ્યો, પણ એ સપનું સાચું પડતું નથી.'
સોનાપુર નામના એક સુંદર મજાના ગામમાં ભોલુ નામે એક ગરીબ ખેડૂત પોતાની વિધવા માતા સાથે રહેતો હતો. ભોલુ પોતાનાં નામ પ્રમાણે ખૂબ ભોળો અને ભલો હતો. તેમની બાજુમાં કલ્લુ નામનો ખેડૂત રહેતો હતો, જે ખૂબ આળસુ, કામચોર અને કપટી હતો.
ચોમાસું નજીક આવતું હોવાથી ભોલુ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે કલ્લુએ તેને જોયો. તેના મનમાં એક કુટિલ વિચાર આવ્યો. તેણે ભોલુ પાસે જઈને કહ્યું, 'ભાઈ ભોલુ, આ વર્ષે તો મારે આખું વર્ષ ભૂખ્યાં રહીને જ વીતાવવું પડશે.'
ભોલુએ પૂછ્યું, 'કેમ ભાઈ?'
કલ્લુએ કહ્યું, 'ભાઈ, છેલ્લા થોડા સમયથી મારી તબિયત ખરાબ રહેવાને કારણે અશક્તિ લાગે છે. ખેતર ખેડવાનો સમય થઈ જવા છતાં મારાથી કામ થતું નથી. હવે હું શું કરીશ?' એમ કહીને તે રડવા લાગ્યો. ભોલુએ કહ્યું કે, 'અરે ભાઈ, તું ચિંતા શા માટે કરે છે? મારું બે-ત્રણ દિવસનું જ કામ બચ્યું છે. પછી હું તારંી ખેતર ખેડી આપીશ.'
કલ્લુ મનોમન પોતાની ચતુરાઈ પર ખુશ થયો. ભોલુએ કલ્લુનું આખું ખેતર ખેડી દીધું, અને કલ્લુએ આરામ કર્યો.
ભોલુની માએ ખિજાઈને કહ્યું, 'તારા ભોળપણનો બધા લાભ ઉઠાવે છે.' તેણે ગામની મીના નામની કન્યા સાથે ભોલુનાં લગ્ન કરાવી દીધાં. હવે મીના, ભોલુ સાથે ખેતરમાં કામ કરતી અને ભોલુનાં ભોળપણનો કોઈને ફાયદો ઉઠાવવા ન દેતી.
એક વખત ભોલુને સ્વપ્ન આવ્યું કે, તેનાં ઘરની છતમાંથી સોનાનાં સિક્કાનો વરસાદ પડે છે. તેની ઊંઘ ઊડી ગઈ. તેણે બધાંને વાત કરી.
કલ્લુએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેણે તરત જ કહ્યું, 'અરે, ભોલુભાઈ! આપણા બધાં સપનાં કંઈ સાચાં પડતાં નથી. મને એકવાર સપનું આવ્યું હતું કે જમીનમાંથી સોનું ભરેલો ઘડો મળ્યો, પણ એ સપનું સાચું પડતું નથી.'
એક દિવસ ભોલુ અને મીના ખેતરમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે મીનાએ કહ્યું, 'ખેતરમાં જો વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે નાનું તળાવ ખોદવામાં આવે તો પાકને નિયમિત પાણી રહે.' ભાલુને મીનાની વાત ગમી. બન્નેે ખેતરનાં એક ખૂણે તળાવ ખોદવા લાગ્યાં. થોડા ઊંડે જતાં ભોલુનાં પાવડા સાથે કશુંક ટકરાયું. જોયું તો એક ચરૂ હતો, જે સોનાનાં સિક્કાથી ભરેલો હતો.
ભોલુએ કહ્યું, 'અરે, કલ્લુભાઈનું સપનું સાચું પડયું. આ સોનાનાં સિક્કા પર તો કલ્લુભાઈનો અધિકાર છે.' એમ કહી તે કલ્લુ પાસે ગયો. આ તરફ મીનાએ ચરૂમાં તળિયે થોડા સિક્કા રહેવા દઈ. બાકીનાં કાઢી લીધા અને ચરૂમાં માટી ભરી દીધી. ભોલુ તો જોયા વગર તે ચરૂ કલ્લુને આપી આવ્યો.
કલ્લુએ ચરૂ ખોલીને જોયું તો માટી. તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે, ભોલુને સપનું આવ્યું હતું ને કે તેના ઘર પર સોનાનો વરસાદ થયો. લાવ, આ માટીનો વરસાદ કરું! તેણે ભોલુની છતનાં નળિયાં હટાડીને ચરૂ ઊંધો વાળી દીધો! ભોલુની ઊંઘ ઊડી ગઈ. ચરૂમાંથી માટી સાથે સોનાના સિક્કા પણ ભોલુનાં ઘરે વરસ્યા! ભોલુ તો ખુશ થઈને કલ્લુને કહેવા દોડયો કે મારું સપનું પણ સાચું પડયું! મારા ઘરમાં થોડી માટીની સાથે થોડા સોનાનાં સિક્કા પણ વરસ્યાં! કલ્લુ તો લમણે હાથ દઈને બેઠો, પણ હવે શું થાય?!
આમ, મીનાની ચતુરાઈ અને સમજદારીને લીધે બાકીના સિક્કા પણ ભોલુના ઘરમાં પાછા આવી ગયા. જોકે ભોલુએ પત્નીને સમજાવી કે ભલે આપણે જમીન ખોદવાની મહેનત કરી, પણ જ્યાંથી ચરુ મળ્યો છે તે જમીન તો કલ્લુની છે, તેથી સોનાના સિક્કા પર તેનો પણ અધિકાર છે જ. તેમણે કલ્લુને અડધોઅડધ સિક્કા આપ્યા. ભોલુની પ્રામાણિકતા કલ્લુને સ્પર્શી ગઈ. એણે પોતાની ભૂલ કબૂલી અને હવે પછી તે કોઈને સાથે ક્યારેય લુચ્ચાઈ નહીં કરે કે આળસ નહીં કરે એવું તેણે વચન આપ્યું.