સોનેરી પીંછું .
- 'તમારી વાત કદાચ સાચી હશે, પણ મને તો એ જમીન પરથી મળ્યું છે એટલ એ મારું જ કહેવાય. મને એ બહુ ગમે છે. હું એ નહીં જ આપું.' છોકરાએ પણ જીદ પકડી.
- મહેશ 'સ્પર્શ'
એ ક હતું ગામ. ગામને પાદરે એક મસમોટો ઘટાદાર વડલો હતો. એની કેટલીક વડવાઈઓ તો છેક જમીન સુધી પકહોંચી ગઈ હતી.
એક દિવસની વાત છે. એક છોકરો રમવા માટે ગામના પાદરે આવ્યો. વડલાની વડવાઈઓ જોઈને એને હીંચકો ખાવાનું મન થયું. એણે તો એક મજબૂત વડવાઈનો હીંચકો બનાવ્યો. પછી મજાથી ઝૂલવા લાગ્યો. એ હીંચકો ખાતો હતો એટલામાં જ તેની નજર એક પીંછા પર પડી.
પીંછું હતું સોનેરી. એની વચોવચ એક હીરો જડયો હોય એમ ચળકતું હતું. આટલું સુંદર પીંછું એ છોકરાએ પહેલાં ક્યારેય જોયું નહોતું. એણે હીંચકો ખાવનું પડતું મૂકી દીધું. ફટ દઈને પીંછું હાથમાં લઈ લીધું.
'અરે વાહ! કેટલું મુલાયમ છે. રંગ તો બહુ સુંદર છે.' ગાલ પર પીંછું ફેરવી છોકરાએ કહ્યું.
પછી પીંછું લઈ એણે ચાલવા માંડયું. એટલામાં જ કોઈએ એનો હાથ પકડી એને રોક્યો. એણે જોયું તો વડવાઈ હતી. વડવાઈએ તેના હાથે વીંટળાઈ જઇ એને આગળ જતાં રોકી લીધો હતો.
'દોસ્ત! આ પીંછું મારું છે.લાવ, મને આપી દે.' વડવાઈએ એને પ્રેમથી કહ્યું.
'પણ એ મને જમીન પરથી મળ્યું છે. મને બહુ ગમે છે. હું તને નહીં આપું.' છોકરાએ પીંછું આપવાની ના પાડી દીધી.
એ જ વખતે એના માથા પર જોરથી કોઈએ ટપલી મારી હોય એવું એને લાગ્યું. 'ઓ બાપ રે!' પીડાથી એના મોમાંથી ચીસ પણ નીકળી ગઈ. એણે જોયું તો વડ પરથી એક ટેટો તેના માથા પર પડયો હતો.
'વડવાઈ સાચું કહે છે. આ પીંછું એનું છે. એક સોનેરી પક્ષીએ એને આપ્યું હતું. એક દિવસ એ સ્વર્ગથી અહીં આવી ચડયું હતું. થાક ઉતારવા વડલાની ડાળે બેઠું હતું. આ વડવાઈએ તેને પોતાની ઉપર બેસાડી ઝુલાવ્યું હતું. એની સાથે મજાની વાતો કરી એને આનંદ આપ્યો હતો.
એટલે ખુશ થઈ એ પક્ષીએ જ એને પોતાનું એક પીંછું ભેટમાં આપ્યું હતું. વડવાઈએ તેને સાચવીને પોતાના માથે રાખ્યું હતું, પણ તે વડવાઈને ખૂબ ઝુલાવી એટલે આમ થયું. એના માથા પરથી આ પીંછું ક્યારે નીચે જમીન પર પડી ગયું એની કોઈને ખબર પણ ના પાડી.' માથા પરથી ખભા પર સરકતા સરકતા ટેટાએ છોકરાને માંડીને વાત કરી.
'જોયુંને? હવે તો વાત સાચી લાગીને? લાવ હવે મારું પીંછું મને આપી દે.' વડવાઈએ કહ્યું.
'તમારી વાત કદાચ સાચી હશે, પણ મને તો એ જમીન પરથી મળ્યું છે એટલ એ મારું જ કહેવાય. મને એ બહુ ગમે છે. હું એ નહીં જ આપું.' છોકરાએ પણ જીદ પકડી.
'સીધી રીતે મારું પીંછું મને આપી દે નહીં તો હું પોલીસમાં તારી ફરીયાદ કરીશ.' વડવાઈએ ધમકી આપી.
'તારાથી થાય એ કરી લે. તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર, પણ હું તને આ પીંછું નહીં જ આપું તે નહીં જ આપું.' એમ કહી છોકરાએ ત્યાંથી ડગ ભરવા માંડયા.
આખરે વડવાઈએ પોલીસને ફરીયાદ કરી.
પોલીસે છોકરાને અદાલતમાં બોલાવ્યો.
'કેમ તે આ વડવાઈનું પીંછું લઈ લીધું?' ન્યાયાધીશે છોકરાને પૂછયું.
'મેં પીંછું નથી લીધું. મને તો છેને એ જમીન પર પડી રહેલું મળ્યું છે.' જરાય ગભરાયા વગર છોકરાએ જવાબ આપ્યો.
'તો શું આ વડવાઈ અને આ ટેટો ખોટું બોલે છે?' ન્યાયાધીશ અકળાઈ ગયા.
'જી, ના હું એમ કહેવા નથી માગતો. એ બંને કદાચ સાચા હોઈ શકે, પણ મને તો આ પીંછું જમીન પરથી મળ્યું છે. હું તો બસ એટલું જાણું.' છોકરાએ ફટ દઈને કહી દીધું.
ન્યાયાધીશ કહે, 'તારી વાતમાં પણ દમ છે.'
એટલું કહી તેમણે નાકની દાંડી પરથી ચશ્માં સરખા કર્યાં. પછી વાત ઉમેરતા કહ્યું,
'પણ મને લાગે છે કે વડવાઈ તો વડનું જ એક અંગ છે એટલે પીંછા પર ખરેખરો હક તો વડનો જ કહેવાય.' એમ કહી એમણે વડ સામે નજર કરી.
'મારે પીંછું જોઈતું નથી. ખરેખર પીંછું તો એ પક્ષીનું છે.' મીઠું મીઠું મરકતાં વડદાદા બોલ્યા.
આ સાંભળી ન્યાયાધીશને વડદાદા માટે માન થઈ આવ્યું. એમણે આદેશ કર્યોર્યો કે, 'ચાલો, હવે આપણે એ પક્ષી પાસે જ જઈએ. એ જ નક્કી કરશે કે પીંછું કોની પાસે રહેશે.'
પક્ષી તો સ્વર્ગમાં જતું રહ્યું હતું. એની પાસે જવું કંઈ રીતે? એટલે બધાં મૂંઝાયા.
'મારા ગામમાં એક સુથાર છે. એની પાસે લાકડાનું એક જાદુઈ વિમાન છે. એ આપણને સ્વર્ગમાં લઈ જઈ શકશે.' છોકરાએ કહ્યું.
'તો, જાદુઈ વિમાન લઈને બોલાવો એ સુથારને.' ન્યાયાધીશે આદેશ આપ્યો.
સુથાર વિમાન લઈને આવ્યો એટલે બધાં એમાં ગોઠવાઈ ગયા. સુથારે વિમાનને સ્વર્ગ ભણી હંકાર્યું.
ખાસ્સીવાર પછી બધાં પહોંચી ગયા સ્વર્ગમાં.
'અરે વડદાદા તમે! આવો, પધારો.' પક્ષી વડદાદાને તરત જ ઓળખી ગયું.
વડદાદાએ પક્ષીને બધાંનો પરિચય આપ્યો. પક્ષીએ બધાંને આવકાર્યાં. બધાંને સ્વર્ગની સહેલ કરાવી. જાતભાતનું ખવડાવી પીવડાવી સૌની સરભરા કરી. પછી તેણે પૂછયું, 'કહો બીજી શું સેવા કરું તમારી?'
'અમારી એક સમસ્યા છે. તું જ એનો ઉકેલ આપી શકે એમ છે.' ન્યાયાધીશે કહ્યું.
'અરે! એવી તે શું સમસ્યા છે કે જેનો ઉકેલ ફક્ત મારી પાસે જ છે?' પક્ષીને નવાઈ લાગી.
'તેં જે પીંછું આપ્યું હતું એ વડવાઈથી જમીન પર સરકી ગયું હતું. પછી આ છોકરો મારી પાસે રમવા આવ્યો. તારું એ પીંછું એને મળ્યું. હવે સમસ્યા એ છે કે વડવાઈ અને આ છોકરો બંનેને એ પીંછું જોઈએ છે.' વડદાદાએ માંડીને વાત કરી.
એ સાંભળી પક્ષી ખડખડાટ હસી પડયું.
'બસ, આટલી જ સમસ્યા છે? લો, આ મારું બીજું એક પીંછું આપું. તમે બંને એક-એક રાખી લો.'
એમ કહી પક્ષીએ પોતાનું બીજું એક પીંછું કાઢી આપ્યું. અને એ સાથે જ સમસ્યાનો અંત આવી ગયો. પીંછું મેળવી છોકરો અને વડવાઈ બંને રાજી થઈ ગયાં. બધાએ પક્ષીનો આભાર માન્યો. પછી બધાં પૃથ્વી પર પાછા આવી ગયાં.