સુખ સમૃદ્ધિની દેવી .
- ભરત અંજારિયા
બા લમિત્રો, આપણા ભારત દેશના દક્ષિણમાં આવેલા કેરળ રાજયની આ વાત છે. અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આ રાજયમાં ઘણાં વર્ષો પહેલાં એક રાજા થઈ ગયો. તે ક્યારેક વેશપલટો કરીને લોકોનાં સુખદુઃખ જોવા નીકળતો તે સમયે એક ઘટના બનેલી. એક સ્ત્રી બેઠી બેઠી રડી રહી હતી. રાજાએ એને પૂછ્યું કે માતા, તમે કેમ રડો છો? સ્ત્રી બોલી, 'હું બહુ દુઃખી છું, કારણ કે મારે આ જગ્યા છોડીને જવાનો સમય થઈ ગયો છે. હું જ્યાં પગ મૂકું છું ત્યાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે, પણ હવે મારે જવું પડે તેમ છે.' રાજાએ કહ્યું,'તમે શા માટે રાજય છોડી જવાનું કહો છો?'' સ્ત્રી બોલી, 'આવતી કાલથી આ રાજયની પડતી થવાની છે. મારી ઈચ્છા નથી પરંતુ છતાંય મારે જવું પડશે.' રાજાએ સ્ત્રીને અહીંથી ન જવાનો કોઈ ઉપાય શોધવા કહ્યું. સ્ત્રીએ જણાવ્યું, 'માત્ર અહીંના લોકો જ મને મદદ કરી શકશે.' રાજાએ કહ્યું, 'હું આ વાવમાં નહાવા જાઉં છું. હું પાછો ન આવું ત્યાં સુધી મારાં વસ્ત્રો તમે સાચવશો?' સ્ત્રી કહે, ભલે.
રાજા વાવમાં ઉતર્યો. એણે પાણીમાં ઉતરીને મનોમન પ્રાર્થના કરી, 'હે મા! તમે ભલે ઓળખાણ ન આપી, પણ હું તમને ઓળખી ગયો છું. તમે સાક્ષાત્ રાજ્યલક્ષ્મી છો! મારા રાજ્યમાંથી રાજ્યલક્ષ્મી જતાં રહે તે મને મંજુર નથી. મારા પ્રાણ ભલે જાય પણ રાજ્યલક્ષ્મી ન જવાં જોઈએ...'
સમય વીતતો ગયો. રાજા વાવમાંથી બહાર ન આવ્યા. સવાર થઈ ગઈ. રાજ્યલક્ષ્મી માતાએ જોયું કે રાજા તો વાવમાં સમાઈ ગયા છે. માએ વચન આપ્યું હતું કે જ્યાં સુધી રાજા પાછા ન આવે ત્યાં સુધી પોતે જશે નહીં. રાજ્યલક્ષ્મીએ પોતાનું વચન પાળ્યું. રાજા પાછા આવ્યા નહીં ને દેવી રાજ્યની બહાર ગયાં નહીં. આમ, એક આદર્શ રાજાએ પ્રજાને દુઃખમાંથી બચાવી લીધી. આજે પણ કેરળમાં વનસ્પતિ, બાગ, નદીઓ તથા કુદરતી સૌંદર્ય અફાટ છે. ધન્ય છે રાજાને!