લક્ષ્ય પ્રાપ્તિ .
- બીજા દિવસથી શિક્ષક નેન્સીને દોડ માટે મહેનત કરાવવા લાગ્યા. દરરોજ નેન્સી સર સાથે દોડવાની તૈયારી કરે. ઘણી મહેનત કરે. હવે તે નિયમિત શાળામાં આવતી અને વધારે મસ્તી પણ ન કરતી.
જ્હાન્વી પ્રવીણભાઈ હળપતિ
એક ગામ હતું. ગામનું નામ સુંદરપુર હતુ. નામની જેમ જ તે ગામ સુંદર અને હરિયાળું હતું. તે ગામમાં સુંદર મજાની એક શાળા આવેલી હતી. તે શાળાનું નામ સ્મિત વિદ્યાલય હતું. તે શાળામાં ઘણાં બાળકો અભ્યાસ કરતાં હતાં. શિક્ષકો બાળકોને પ્રેમથી અને સરસ રીતે અભ્યાસ કરાવતા હતા.
આ શાળામાં ધોરણ આઠમાં નેન્સી નામની છોકરી ભણતી હતી. તે આખો દિવસ તોફાન મસ્તી કર્યા કરે અને અનિયમિત શાળાએ આવે. બધા શિક્ષકો પણ એના તોફાનથી પરેશાન હતા, પણ નેન્સીને કશો ફરક ન પડતો. એક દિવસ શાળામાં નવા રમતના સાહેબની નિમણૂક થઈ. એમની પાસે બધા બાળકો ખૂબ જ સરસ અભ્યાસ કરતા હતાં, જ્યારે નેન્સી તો આરામથી માથું નીચું કરી રમત રમતી હતી. નવા શિક્ષકે બધા બાળકોને પૂછ્યું: તમારે મોટા થઈને શું બનવું છે? બધાં બાળકોએ ડોક્ટર, વકીલ, શિક્ષક વગેરે બનવાની વાત કરી. પછી સાહેબે નેન્સીને પૂછયું, 'તારે શું બનવું છે?'
નેન્સીએ નવા સાહેબને કહી દીધું, 'મને ભણવાનું ગમતું નથી, સાહેબ. મારે શું બનવું છે એના વિશે મેં વિચાર્યું નથી.'
સાહેબે કહ્યું, 'નેન્સી બેટા, જીવનમાં આગળ વધવા માટે કંઈક લક્ષ્ય તો નક્કી કરવું જ પડેને!'
નેન્સી બોલી, 'સાહેબ, મને ભણવા કરતા રમતો રમવી ગમે છે.'
'તો પછી તેમાં મહેનત કર અને આગળ વધ,' સાહેબે કહ્યું.
બીજા દિવસથી શિક્ષક નેન્સીને દોડ માટે મહેનત કરાવવા લાગ્યા. દરરોજ નેન્સી સર સાથે દોડવાની તૈયારી કરે. ઘણી મહેનત કરે. હવે તે નિયમિત શાળામાં આવતી અને વધારે મસ્તી પણ ન કરતી. જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો એમાં એણે દોડની સ્પર્ધામાં ભાગ લીધો અને પ્રથમ ક્રમ મેળવ્યો. પછી રાજ્ય કક્ષાએ ભાગ લેવા ગઈ. ત્યાં પણ તે પ્રથમ ક્રમે વિજેતા બની.
શાળામાં આચાર્યશ્રી અને શિક્ષકોએ નેન્સીનું ભવ્ય સ્વાગત કર્યું. નેન્સીએ વિજેતા બનવાનો શ્રેય શાળાના સ્પોર્ટ્સ ટીચરને આપ્યો. સ્પોર્ટ્સ ટીચરે શાબાશી આપતા કહ્યું, 'નેન્સી બેટા, આ તારા કઠોર પરિશ્રમનું જ પરિણામ છે.'
નેન્સીને જોઈ શાળાનાં બીજા વિદ્યાર્થીઓએ પણ જીવનમાં મહેનત કરી કંઇક બનવાનું અને સફળતા પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો.