Get The App

ઘરર... ઘરર... .

Updated: Apr 28th, 2023


Google NewsGoogle News
ઘરર... ઘરર...                                    . 1 - image


- રમી રમીને  ટીલ્લીબેન થાકી ગયાં હતાં. મોડું પણ ઘણું થઈ ગયું હતું. ટીલ્લીબેનને બરાબરની ઊંઘ પણ આવતી હતી, પણ લેસન કર્યા વગર કેમ ચાલે? છેવટે ટીલ્લીબેન લેસન કરવા બેઠાં, પણ... 

 મહેશ 'સ્પર્શ'

એ ક હતી બિલ્લી. નામ એનું ટીલ્લી. કામ કશું નહીં, બસ આરામ જ આરામ. 

હોમવર્ક હતું બાકી, પણ આખો દિવસ એ તો ટીવી સામે રહી તાકી. 

ટીલ્લી ટીવી જોઈ જોઈને થાકી તો દૂધ પીવા બેઠી. ધરાઈ ધરાઈને દૂધ પીધું. 

'હાશ.. મજા પડી ગઈ. પેટપૂજા થઈ ગઈ. ચાલો હવે રમવા જઈએ.' એમ કહી એ રમવા ચાલી. 

રસ્તામાં ટીચર મળ્યાં. 

'ટીચરજી, નમસ્તે!' ટીલ્લીએ ઝૂકીને નમસ્તે કર્યા.  

'ટીલ્લી, હોમવર્ક કર્યું કે બાકી?' ટીચરે સોટી બતાવી કહ્યું. 

'ટીચરજી, હમણાં તો વાલીબોલ સ્પર્ધામાં રમવા જાઉં છું, પણ હોમવર્ક જરૃર પૂરું કરીશ.'  ઠાવકુ મોં રાખી ટીલ્લીબેન બોલ્યાં. 

'ભલે, પણ ભૂલી ના જતી.' એમ કહી ટીચર ચાલ્યા.    

'હાશ, બચી ગયા...' કહી ટીલ્લી વોલીબોલ રમવા દોડી. 

હરીફાઈ શરૃ થઈ. દોસ્તો સાથે ટીલ્લી ખૂબ સરસ રમી. તેની ટીમ વિજેતા બની. બધાંએ ટીલ્લીના ખૂબ વખાણ કર્યા. 

છેલ્લે ઇનામ વિતરણનો કાર્યક્રમ ગોઠવાયો. મુખ્ય મહેમાન તરીકે ટીચરને બોલાવ્યા હતા. એમના હાથે ટીલ્લીબેન અને તેમની ટીમને શિલ્ડ આપવામાં આવ્યો. શિલ્ડ મેળવીને ટીલ્લી રાજી થઈ ગઈ. તેનાં મમ્મી-પપ્પા, ટીચર અને આખું ગામ ટીલ્લીબેનની ટીમની પ્રસંશા કરવા લાગ્યા.  

'સ્માઈલ પ્લીઝ!'

ફોટોગ્રાફરે વિજેતા ટીમનો ફોટો લેવા બધાને બાંકડા પર બેસાડતા કહ્યું.  

ફોટો પડાવ્યા પછી, બધા પોતપોતાના ઘરે ગયા. 

'અરે બાપ રે! હોમવર્ક તો બાકી જ રહી ગયું...' ઘરે જતાં જ ટીલ્લીબેનને હોમવર્ક યાદ આવ્યું. 

રમી રમીને  ટીલ્લીબેન થાકી ગયાં હતાં. મોડું પણ ઘણું થઈ ગયું હતું. ટીલ્લીબેનને બરાબરની ઊંઘ પણ આવતી હતી, પણ લેસન કર્યા વગર કેમ ચાલે? છેવટે ટીલ્લીબેન લેસન કરવા બેઠાં, પણ... થાકને લીધે ઊંઘી જ જવાયું.    

થોડી જ વારમાં 'ઘરર... ઘરર...'  નસકોરા બોલાવવા લાગ્યાં. પછી તો, હોમવર્કમાં ખાલી  'ઘરર... ઘરર...' જ થયું. 

બીજે દિવસે ટીલ્લી નિશાળે ગઈ. ટીચરે કલાસરૃમમાં બધાની વચ્ચે ટીલ્લીબેનને ઊભાં કર્યાં. વાલીબોલ સ્પર્ધામાં વિજેતા બનવા બદલ ટીલ્લીબેનને શાબાશી આપી. 

પછી, ટીચર બધાનું હોમવર્ક ચેક કરવા લાગ્યાં. ટીલ્લીબેનનો વારો આવ્યો તો એમણે લેસનની કોરી નોટબુક બતાવી કહ્યું, 'ઘરર... ઘરર...'  

ટીચર સમજી ગયાં. સજા કરવાને બદલે ટીલ્લીબેનની પીઠ થાબડી. પછી 'ઘરર... ઘરર...'  કહી હસવા લાગ્યાં.' 

'ઘરર... ઘરર...' કહી આખો કલાસરૃમ પણ હસી પડયો. બધાંની સાથે ટીલ્લીબેન પણ હસીને કહેવા લાગ્યા, 'ઘરર... ઘરર...' 


Google NewsGoogle News