ગંગુરામની હોશિયારી .
- લોકોમાં તો ભારે કુતૂહલ થવા લાગ્યું, પણ જવાબ કોઈ પાસે ન હતો. ત્યાં સહસા એક માણસ ઊભો થયો અને કહેવા લાગ્યો, 'મહારાજ, હું આ સવાલનો જવાબ આપીશ.'
માધવી આશરા
એ ક હતો ગંગુરામ. રાજાના દરબારમાં તે મંત્રી. મંત્રી પણ એવો કે તેની બુદ્ધિ ચાતુરીથી લોકો અંજાઈ જાય. કોઈપણ મુશ્કેલીને એકદમ સરળ રીતે સમાધાન કરી આપે.
તેથી રાજાના દરબારમાં અનેક લોકો પોતાની નિતનવી સમસ્યાઓ લઈને આવે. રાજા હંમેશા સમસ્યાનું સમાધાન ગંગુરામ પાસે જ માગે. ગંગુરામ પણ એવું સમાધાન આપે કે લોકોને સાચો ન્યાય મળી રહે. તેથી જ આખા નગરમાં ગંગુરામની બોલબાલા હતી.
હવે એક સમયની વાત છે. રાજાનો દરબાર ભરેલો હતો. અનેક પંડિતો અને નાના-મોટા પ્રધાનો દરબારમાં હાજર હતા. પ્રજાજનો પણ પોતાની અનેક સમસ્યાઓ લઈને દરબારમાં પહોંચી ગયા હતા. એક પછી એક માણસ પોતાની ફરિયાદ કહે ને રાજા ગંગુરામને પૂછી સમસ્યાનો ઉકેલ કરે.
પણ આજનો દિવસ ગંગુરામ માટે બહુ સારો ન હતો. ગંગુરામથી એક માણસને ન્યાય આપવામાં ચૂક થઈ ગઈ. પેલો માણસ ખૂબ રડયો. રાજાથી આ ન જોવાયું. રાજા ગંગુરામ પર ગુસ્સે થઈ ગયા.
રાજા કહે, 'તું કાલથી દરબારમાં આવતો નહીં. મારે તારું મોઢું પણ જોવું નથી.'
ગંગુરામ કહે, 'ભલે ત્યારે.'
એટલું કહી ગંગુરામ દરબારમાંથી બહાર નીકળી ગયો. પછી તો એક આખો દિવસ પસાર થયો. ગંગુરામ દરબારમાં ન આવ્યો. બીજા દિવસે પણ દરબારમાં ન આવ્યો. ત્રીજે દિવસે પણ તેણે દરબારમાં પગ ન મૂક્યો. ગંગુરામ વગર લોકોને સાચો ન્યાય આપવો રાજા માટે તો અઘરો હતો. જેમતેમ કરીને રાજા સમસ્યાનું સમાધાન કરી લે. પણ રાજાને સંતોષ ન થાય.
આમ ને આમ અઠવાડિયું નીકળી ગયું.
હવે ભરદરબારમાં એક પંડિત જેવો દેખાતો માણસ પ્રવેશ કરે છે. હાથમાં મોટાં મોટાં પુસ્તકોનો એક થપ્પો છે. લાલ રંગની ધોતી અને ઉપર લાલ રંગનું ઉપરણું પહેરેલું છે. માથામાં ફરતે ટાલ છે પણ બરાબર વચ્ચે મોટી ચોટલી લટકે છે.
ચોટલીને આગળ કરી તેના પર હાથ ફેરવતા પંડિત કહે, 'નમસ્તે મહારાજ, હું મહાપંડિત છું, મેં અનેક શાો અને પુરાણોનું જ્ઞાાન મેળવ્યું છે. મને આપના દરબારમાં મંત્રી પદ આપો.'
રાજા તો પંડિતની વાણીથી પ્રભાવિત થયો. રાજા કહે, 'ઠીક છે ત્યારે. આજથી તમે મારા મંત્રી છો.'
પછી તો તે પંડિત પોતાની ચોટલી પર હાથ ફેરવતો મંત્રીના સિંહાસન પર બેસી ગયો. લોકોપોતાની ફરિયાદો કરતા ગયા. પંડિત તો તોછડાઈ ભરેલો જવાબ આપી પોતાના જ્ઞાાનનું અભિમાન કરે. બરાબર એ સમયે એક માણસે આવીને કહ્યું, 'મહારાજ, મારો એક સવાલ છે. જો આપ તેનો જવાબ આપો તો મારી સમસ્યાનું સમાધાન થાય.'
રાજા કહે, 'બોલ તારો સવાલ.'
માણસ કહે, 'વાડ વગર વેલો ચડે કે ન ચડે?'
આ સાંભળીને રાજા તો મૂંઝાયો. રાજાએ પેલા મહાપંડિતને કહ્યું, 'આ સમસ્યાનું સમાધાન આપો.'
પંડિત કહે, 'હું અહીં આવા સવાલોના જવાબ દેવા નથી આવ્યો.'
રાજાને ગુસ્સો આવ્યો. પણ કરે શું? સવાલનો જવાબ આપવો જરૃરી હતો. એટલે રાજાએ દરબારમાં ઘોષણા કરી, 'જે કોઈ આ સવાલનો જવાબ આપશે તેને મંત્રી પદ મળશે.'
લોકોમાં તો ભારે કુતૂહલ થવા લાગ્યું. પણ જવાબ કોઈ પાસે ન હતો. ત્યાં સહસા એક માણસ ઊભો થયો અને કહેવા લાગ્યો, 'મહારાજ, હું આ સવાલનો જવાબ આપીશ.'
મહારાજ કહે, 'જે જવાબ સાચો નહીં આપે એને તો સજા થશે.'
માણસ કહે, 'હા મહારાજ. મારો જવાબ છે વાડ વગર વેલો ન ચડે.'
રાજા કહે, 'કઈ રીતે?'
માણસ કહે, 'મહારાજ, આપે જવાબ માંગ્યો હતો, પણ તેનું કારણ માંગ્યું ન હતું.'
રાજા તે માણસની હોશિયારીથી પ્રભાવિત થયો. રાજા કહે, 'હવે હું કારણ માંગું છું.'
માણસ કહે, 'જેમ રાજાનો દરબાર મંત્રી વગર પડી ભાંગે તેમ વાડ વગર વેલો પણ છુંદાઈ જાય.'
રાજા તે માણસની ચતુરાઈથી ખુશ થયો અને તેને મંત્રી પદ આપ્યું. ત્યાં તો વેશ બદલીને આવેલો ગંગુરામ ફરી પોતાના અસલી વેશમાં આવી ગયો. તેથી રાજા આશ્ચર્ય પામ્યો. તે કહે, 'અરે ગંગુરામ, તું?'
ગંગુરામ કહે, 'હા, મહારાજ.'
રાજા કહે, 'પણ આમ વેશ બદલીને?'
ગંગુરામ કહે, 'આપે જ કહ્યું હતું કે તારું મોઢું ન દેખાડતો. એટલે વેશ બદલીને દરબારમાં આવ્યો છું.'
આ સાંભળીને રાજા સહિત પ્રજાજનો પણ ખડખડાટ હસવા લાગ્યા.