Get The App

વાંસળીવાળો ઉંદર .

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
વાંસળીવાળો ઉંદર                                   . 1 - image


- ઉંદરે તો વાંસળી પડાવી લીધી વાંસળીવાળા પાસેથી, પણ ઉંદર પાસેથી વાંસળી કોણ પડાવશે? કોણ હિંમત કરશે?

- ગામના માણસો કૂદી કૂદીને આવતા હતા. બધું મૂકી મૂકીને આવતા હતા. અરે, દોડી દોડીને આવતા હતા. કોઈ બારીમાંથી આવતું, કોઈ બારણેથી, કોઈ છાપરેથી, કોઈ કૂવેથી, કોઈ ખેતરેથી, કોઈ ચીમનીમાંથી... 

- ઉંદર તો મોટો સંગીતકાર બની ગયો હતો

- લઈશ તો દશ હજાર લઈશ. નહીં તો એક પાઈ પણ નહીં... 

બા લમિત્રો, પેલી વાંસળાવાળાની વાર્તા તો તમે સાંભળી છેને? એના વાંસળીના સૂરમાં એવો જાદુ કે ગામના તમામ ઉંદરો એની પાછળ પાછળ ચાલી નીકળતા. એક ગામમાં ઉંદરનો ત્રાસ હતો. આ વાંસળીવાળાને બોલાવવામાં આવ્યો. એણે એવી વાંસળી વગાડી કે ગામના હજારો ઉંદરો પોતપોતાનાં દરમાંથી બહાર નીકળીને એની પાઠળ પાછળ ચાલી નીકળ્યા. વાંસળીવાળો તો કેડીસમાણી નદીમાં ઊભો રહીને વાંસળી વગાડતો રહ્યો. ઉંદરો અટકવાનું નામ જ ન લે. બધા ઉંદર તણાઈ ગયા. 

વાંસળીવાળો માનતો હતો કે બધાં ઉંદર ગયા, પાણીમાં ડૂબી ગયા.

પણ ઉંદરો હોંશિયાર હોય છે, હાં. ગણપતિદાદાએ અમથા એને વાહન બનાવી દીધાં હશે? એટલે કંઈક ઉંદર ડૂબી ગયા, એ વાત ખરી. પણ બધાં નહીં હોં!

તેમાંનો એક ઉંદર બચી ગયો. ચાલાક અને ચતુર હતો એ. આમેય ઉંદરો ચબરાક જ હોય છે. આસાનીથી કદી હાથમાં આવતાં નથી.

બચેલા ઉંદરે કાન બંધ કરી દીધા. વાંસળી સાંભળે તો વાંસળી જાદુ કરેને!

બસ એ ઉંદર જાદુથી પર થઈ ગયો. તે પાછો ગામમાં દાખલ થઈ ગયો. નગરવાસી બની ગયો.

પેલા વાંસળીવાળાને ખબર નહીં કે એક ઉંદર બાકી છે. તેને તો એમ કે ગયા. બધા ઉંદર ગયા.

ગામમાં આવીને કહે : ઉંદર ગયા. હવે લાવો પૈસા. એક ઉંદરના એક રૂપિયા મુજબ દશ હજાર ઉંદરના દશ હજાર રૂપિયા. ચાલો લાવો.

દશ હજાર રૂપિયા?

ગામનો મુખી કંઈ આપે?

તે કહે : જા જા. ઉંદર જ મારી દીધાં છ ને? ગામનું કામ કરી દીધું, એમાં શું? જોઈએ તો સો રૂપિયા લે. એ ય વધારે છે. વાંસળીવાળો કહે : ના. લઈશ તો દશ હજાર લઈશ. નહીં તો એક પાઈ નહીં લઉં.

વાત વધી ગઈ. વાંસળીવાળો દશ હજારથી ઓછું લેવા તૈયાર ન હતો. ગામના લોકો એક્સોથી વધારે આપવા રાજી ન હતા.

વાંસળીવાળો ચૂપ રહી ગયો. પછી તેણે વાંસળી ઉપાડી. વગાડી.વગાડતો વગાડતો ચાલતો થઈ ગયો.

આ વખતે ગામમાંથી છોકરાં પાછળ જતાં થઈ ગયા. એક બે નહીં, દશ વીસ નહીં, સેંકડો હજારો છોકરાં.

અગાઉ જેમ ઉંદરો જતા હતા તેમ હવે છોકરાં જતાં થઈ ગયા, વાંસળીનો જાદુ હતો. છોકરાઓ રહી જ શકતા 

ન હતા.

અગાઉ વાંસળીવાળો ઉંદરોને નદીમાં લઈ ગયો હતો. હવે છોકરાંઓને લઈ જતો હતો.

ગામના લોકોને થયું કે ઉંદર ડૂબી ગયા હતા. છોકરાંય ડૂબી જશે. જેમ ગામ ઉંદર વગરનું થયું હતું તેમ જ છોકરાં વગરનું થઈ જશે.

તેમણે વાંસળીવાળાને પૈસા આપી દીધા. પૂરા દશ હજાર રૂપિયા આપી દીધા.વાંસળીવાળો રાજી થઈ ગયો.

તે હાશ કરીને. બેઠો વાંસળી બાજુએ મૂકી અને રૂપિયા ગણતો થઈ ગયો.

રૂપિયા ગણવામાં તે એવો ગૂંથાઈ ગયો કે ખબર જ ન પડી. સમયનું ય ભાન ભૂલાઈ ગયું.

એવામાં તેને વાંસળી સંભળાઈ. તેણે મૂકી દીધા રૂપિયા બાજુએ. તે ઊભો થયો. વાંસળીના સૂરમાં તે ખેંચાતો થઈ ગયો. તે રહી જ શક્તો ન હતો. વાંસળીની પાછળ પાછળ તે 

જતો હતો.

પણ તે એકલો ન હતો. ગામના માણસો કૂદી કૂદીને આવતા હતા બધું મૂકી મૂકીને આવતા હતા. અરે, દોડી દોડીને આવતા હતા.

કોઈ બારીમાંથી આવતું, કોઈ બારણેથી, કોઈ છાપરેથી, કોઈ કૂવેથી, કોઈ ખેતરેથી, કોઈ ચીમનીમાંથી... કોઈ હળ છોડીને, કોઈ ઘંટી છોડીને, કોઈ દુકાન છોડીને, કોઈ મકાન છોડીને...

બધા દોડતાં થઈ ગયા. વાંસળીના સૂરની પાછળ પાછળ ખેંચાતા થઈ ગયા. એમાં સહુથી આગળ ખુદ વાંસળીવાળો હતો. તે ય ખેંચાતો હતો.

તો કહો જોઈએ, ભલા કોણ વગાડતું હતું આ વાંસળી? કોણ ગામના લોકોને લઈ જતું હતું ગામની બહાર?

ભૂલી ગયા પેલા ઉંદરડાને? જે બચી ગયો હતો?

હા, તેણે જ વાંસળી લઈ લીધી. વાંસળીવાળો રૂપિયા ગણતો રહી ગયો. ઉંદરે વાંસળી સેરવી લીધી. આગળ જઈને વગાડવી શરૂ કરી.

એ વાંસળીના જાદુની તેને ખબર પડી ગઈ હતી. વાંસળીના સૂરમાં જો ઉંદર ખેંચાય, છોકરાંઓ ખેંચાય, તો પછી બીજાઓ શેના બાકી રહે?

આગળ ઉંદરભાઈ વાંસળી વગાડતા હતા. પાછળ હતા માણસો, નાના મોટા માણસો, અભણ અને ભણેલાં માણસો, ભાન ભૂલેલા માણસો.

એયને મોટું સરઘસ હતું, માણસોનું સરઘસ. બધાની આગળ હતો ઉંદર. વાંસળીવાળો ઉંદર. અને માણસો ખેંચાતા હતા. ઘસડાતા હતા, ઢસડાતા હતા.

આ માણસોનું એવું. આગળ વાંસળી કોણ વગાડે છ તે જોવું જ નહીં. વાંસળી વાગી કે મૂકો દોટ. કંઈક વાંસળીવાળા આમ ટોળાને ખેંચતા ગયા છે. ખેંચે જાય છે.

પાછો ઉંદર હોંશિયાર હતો. તે એકલો વાંસળી વગાડતો ન હતો. તેણે ચાંચડોની ચિચિયારીનો સાથ લીધો. માખીઓનું ગૂનાગૂન ગૂંથી લીધું. મછરાંઓનું મૂંનમૂંન સમાવી લીધું.

એક નવી જાતનું સમૂહ સંગીત હતું. ઉંદર તો મોટો સંગીતકાર બની ગયો હતો. તે તો બસ આગળ જતો હતો, જતો હતો. શું નાળાને શું ગટર? શું ગંદવાડ ને શું ગંદકી? શું ખાડાને શું ખાળકૂવા? શું ઢગ અને શું ઢગલા? શું માંદાં પશુઓ અને શું મરેલાં? શું હોજ અને શું હાજત?

બસ વાંસળીઓ ઉંદર તો જાય છે અને જાય છે. તેની વાંસળી વાગે છે. અને વાગે છે. લોકો પાછળ જાય છે. અને ખેંચાય છે.

ઉંદરે તો વાંસળી પડાવી લીધી વાંસળીવાળા પાસેથી, પણ ઉંદર પાસેથી વાંસળી કોણ પડાવશે?

કોણ હિંમત કરશે?

કદાચ વાંસળી વગાડી વગાડી ઉંદર થાકશે. તો થોડે થોડે સમયે એ વગાડશે. પણ વગાડશે જરૂર.

એને વાંસળી વગાડતાં આવડી ગઈ છે. એને ચાંચડ માંકડ માખી મછરાનો સાથ મળી ગયો છે.

એ ઉંદર ચાલાક હતો. ઉંદરોની જાતને બચાવી લીધી. કોઈ એક માણસ ચાલાક નીકળશે?

અને નહીં તો ઉંદરની વાંસળી વાગી કે માણસો ખેંચાયા જ સમજો ઘસડાયા જ સમજો! ઢસડાયા જ સમજો! 


Google NewsGoogle News