પ્રકાશ પેદા કરતા આગિયા .
સજીવ સૃષ્ટિમાં ખોરાક અને રક્ષણ મેળવવા જાત જાતની અજાયબીભરી યુક્તિઓ જોવા મળે. જીવજંતુઓમાં શારીરિક શક્તિ ઓછી હોય છતાંય પોતાની જાતનું રક્ષણ કરી શકે અને ખોરાક મેળવી શકે તેવી વિવિધ શક્તિઓ હોય છે. આગિયા જીવડાં તેમાંના એક છે. રાત્રિના અંધકારમાં વાતાવરણમાં પ્રકાશ વેરતા ઝબકતાં નાનકડા સૂક્ષ્મ બલ્બ ઊડતાં હોય તેવું દ્રશ્ય કદાચ તમે જોયું હશે. આગિયા જીવડાની પૂંછડી પર પ્રકાશ પેદા કરતી અદ્ભૂત ગ્રંથિ હોય છે. આ ગ્રંથિ દર પાંચ સેકન્ડે નિયમિત લબુકઝબુક થઈ પ્રકાશ વેરે છે. જંતુ જગતમાં લગભગ ૨૦૦ જાતના આગિયા જીવડાં જોવા મળે છે. સામાન્ય માખી જેવી શરીર રચના ધરાવતા આ જીવડાંની પૂંછડીમાં લ્યુસિફેરિન નામનું દ્રવ્ય હોય છે. આ દ્રવ્ય આગિયાના શરીરમાં પેદા થાય છે અને રાત્રિના અંધકારમાં તેને પ્રકાશ મળી રહે છે. કેટલાક આગિયા પીળા, લાલ કે લીલા રંગના પ્રકાશ પેદા કરે છે.