Get The App

અંજીરનું ઝાડ .

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
અંજીરનું ઝાડ                                                            . 1 - image


- ઈથિયોપિયાની બાળકથા

- જે લોકો અધૂરા હતા તેઓ એને 'ચમત્કાર ચમત્કાર' કહેતા. જાણનારા કહેતા કે મુરઝાવું, કરમાવું, અને ફરી ખીલવું, એ તો કુદરતનો નિયમ છે

- છીંક આવે તો કામ કેમ શરૂ ના કરાય?

- જમાનો છોકરીઓનો આવ્યો છે ભાઈ, છોકરીઓનો...

અ મુક દિવસે અમારું આખું કુટુંબ ભેગું થતું. દાદીમા બધાં બાળકોના હાથમાં થોડું થોડું ખાવાનું આપતાં. ખાવાનું ભાવે તેવું જ હોય પણ ખાવાનું નહીં. દાદીમા કહે : 'હવે ચાલો નદીએ આપણે વડવાઓને ખવડાવીએ.'

અમારું આખું સરઘસ શાંતિથી આગળ વધતું પણ દાદીમા કંઈક ગવડાવતાં અને અમે તે ગાતાં. પ્રાર્થનાગીત જેવું જ કંઈક. હું દાદીમાની સાથે જ ચાલતી. આજુબાજુ જોતી રહેતી કે, વડવાઓ કઈ બાજુથી આવે છે? એ તો બધાં મરી ગયાં હોય, ખાશે કેવી રીતે?

મને બધાં ઠપકો આપતાં : 'આ છોકરી બહુ બડબડ કરે છે. જાતજાતના સવાલો કરે છે, શંકાઓ ઊભી કરે છે. વડવાઓ જો નારાજ થશે ને તો આવી બનશે. એ છોકરીને કોઈ સખણી રાખે તો સારું!'

અમારા ઇથિયોપિયામાં હવા ગરમ, પણ પાણી ચોખ્ખું. ગામની ચારે બાજુ પહાડી તો હોય જ. અમારું ઘર ગામને પાદરે આવેલું હતું. ત્યાંથી જ પહાડ ઉપર જવાનો રસ્તો શરૂ થઈ જતો.

ઘણી વાર હું મારા ઘરનાં છાપરાં પર ચઢી જતી. મને ત્યાંથી દુનિયા જોવાની મઝા પડતી. એટલી ઊંચાઈએથી લોકો, પશુઓ, પંખીઓ, વૃક્ષો, નદી બધું જ જોઈ શકાતું. ઉનાળામાં નદી સુકાઈ જતી. ચોમાસામાં વાદળાં એટલાં નીચે આવી જતાં કે હું વાદળ-પરી બની જતી.

મારે સાત ભાઈ-બહેન હતાં. અમે મોટાં-નાનાં બધાં એક જ વર્ગમાં ભણતાં. અમારા સાહેબ બધાંને જુદું જુદું ભણાવતા. પણ બહુ કડક હતા. ચૂં કે ચાં કરી શકાય નહીં. ઘરકામ તો એટલું આપે કે રમવાનું રહે જ નહીં.

શાળા છૂટે કે છોકરાંઓ હુડુડુડુ કરતાં ઘેર ભાગી જતાં. હું બધાં સાથે દોડી જતી નહીં. મને ધીમે ધીમે, જોતાં જોતાં જવાનું ગમતું. એક દિવસ સાહેબે મને પાટિયાની સફાઈનું કામ સોંપી દીધું. ચાકના લખાણથી પાટિયું ચિક્કાર ભરાઈ ગયું હતું. સાહેબ સોંપે તે કામ કરવું મને ગમતું. સાંજે ઘરે જવા હું એકલી જ નીકળી પડી, જતાં જતાં હું વિચારતી હતી કે, કાચ ફૂટે તો અપશુકન કેમ? સાતનો અંક નસીબવંતો કેમ? છીંક આવે તો કામ કેમ શરૂ ના કરાય? દૂધ ઊભરાઈ જાય તો ખોટું થયું કેમ કહેવાય?

ચાલતાં ચાલતાં હું થંભી ગઈ. અંજીરનું વિશાળ વૃક્ષ હતું. બટાકાના આકારનાં ઘણાં બધાં અંજીર લાગ્યાં હતાં. પાક્યાં હતાં, મારા મોઢામાં પાણી પાણી આવી જતું હતું. પણ મને મારી માની ધમકી યાદ આવી : 'ઉંમરમાં આવતી કોઈ કન્યાએ ઝાડ પર ચઢવું નહીં. જો એમ થાય તો ઝાડ મરી જ જાય.' આજ સુધી કોઈ છોકરી ઝાડ પર ચઢી ન હતી. 

આપણે તો આપણે હતાં. શુકન-અપશુકનની ઐસીતૈસી. આપણે તો જોવું હતું કે ઝાડ કેવી રીતે મરી જાય છે? છોકરીના પડછાયાથી તે કંઈ ઝાડ મરતું હશે? જો કે ઝાડ પર ચઢવું અઘરું હતું. હું તો હિંમત કરીને ઝાડની ઉપર ઉપર ચઢતી રહી. પાછળથી જાણે કે માના શબ્દો પડકારતા હતા : 'અમાઝ, ઝાડ પર ના ચઢીશ, ના ચઢીશ, ના ચઢીશ, નહીં તો...'

હું કંઈ માની બધી વાત માનતી નહીં. ચઢી ગઈ ઝાડ પર. હું તો ફળ ખાતી ગઈ અને ઉપર ને ઉપર ચઢતી ગઈ. ઝાડ પર ચઢવાની એવી મઝા હોય છે ને કે વાત ન પૂછો. લીલાંછમ પાંદડાંઓ, ફળ ઝૂલતી ડાળીઓ, પવનનું સંગીત, પક્ષીઓનો સાથ અને સાદ. દૂર સુધી જોવાની મઝા. છોકરાઓ ઝાડ પર સંતાકૂકડી, હૂલા-હુપ્પ અને ઝૂલા-ઝૂપ્પ રમતાં હોય છે. છોકરીઓ શા માટે ન રમે?

હું તો હું હતી. જેવી છું તેવી જ હતી. ઉપર ગઈ કે જતી જ રહી. પક્ષીઓને વાંધો ન હતો, પાંદડાંઓને વાંધો ન હતો, પવનને વાંધો ન હતો. ઉપર વળી ઘણાં પાકાં ફળ હતાં. જો કોઈ ન ખાય તો લચી પડે. ઓહોહો, કેટલાં બધાં ફળ, પશુ પંખીઓ, માણસો, જેને ખાવાં હોય તે ખાય. ખૂટે જ નહીં. ઉપરથી દૂર દૂરનાં ખેતરો, ખેડૂતો, ચરતાં પશુઓ, ડુંગરાઓ, વગડાઓ બધું જ દેખાતું હતું. જેમ ઉપરથી જોઈએ તેમ વધુ જોવા મળે. ખાતાં જાઓ, ઉપર ઉપર ચઢતાં જાઓ, દૂર દૂર જોતાં જાઓ.

'ચાલ અમાઝ, હવે બસ', મેં મારી જાતને કહ્યું. સાંજ પડી હતી. અંધારું થવા લાગ્યું હતું. પંખીઓ પણ ઊડીઊડીને જવા લાગ્યાં હતાં. આટલું એક ખાઈ લઉં, બસ, એક જ. પછી થોડાંક ફળ ઘરનાંઓ માટે લઈ લઉં કે બસ, ચાલો પણ... એમ કંઈ ચાલવું સહેલું ન હતું. હું કેટલે ઊંચે આવી ગઈ હતી. તેનો ખ્યાલ હવે જ મને આવ્યો. ચઢી જવું સહેલું છે પણ ઊતરવું? ચઢનારે ઊતરવાનો ખ્યાલ કરીને જ ચઢવું જોઈએ મેં એ ખ્યાલ નહોતો કર્યો.

હું કંઈ ડરપોક નથી. પણ નીચે ઊતરતાં ખરેખર ડર લાગ્યો. હવે જો નહીં ઊતરાશે તો આવી જ બન્યું. લોકો જાતજાતની વાત કરશે. બધાં માને કહેશે : 'તારી છોકરી તો છે જ એવી?' થતું હતું કે ઝાડ જો મરી જશે તો શું થશે? અરે ઝાડ કદાચ ન મરે અને હું જ મરી જઉં તો? ડર સાથે ઊતરાય નહીં. પડી જ જઈએ. અંધારું થોભતું જ ન હતું.

હું ગડમથલમાં હતી. અને ઝાડ નીચેથી મેં અવાજ સાંભળ્યો. ગામની કોઈક મહિલા પસાર થતી હતી. ઓહ, એ તો ઝુબેદા માસી હતાં. મેં બૂમ પાડી : 'માસી, ઓ માસી, ઝુબેદામાસી...' ઝુબેદામાસી બાઘાની જેમ ઉપર નીચે આજુ બાજુ જોવા લાગ્યાં. ડરીને દોડી ગયાં મેં પાછી બૂમ પાડી : 'એ તો હું છું ઝુબેદામાસી, અમાઝ છું. ઝાડ પરથી મારાથી ઊતરાતું નથી.'

'મારાથીય નહીં ઉતારી શકાય, તને. માસીએ કહ્યું : ઊભી રહે, ગામમાંથી કોઈકને લઈને આવું છું.'

માસી ગયાં અને એટલો સમય થયો કે જાણે કોઈ આવશે જ નહીં. મારાં આંસુ અને ફળનો રસ ભેગાં થઈ મારું ફરાક બગાડવા લાગ્યાં. એટલામાં મેં મારા  કમલકાકાને આવતા જોયા. મારા જીવમાં જીવ આવ્યો. કાકાનેય મને ઉતારતાં મુશ્કેલી પડી. હું તેમને વળગી પડી. નીચે ઊતરીને મેં મારા દીદાર જોયા તો એવા લઘરવઘર હતા જે ગોરીલી વાંદરી જ લાગું. બધાં ભેગાં થઈ ગયાં હતાં. બધાંને કુતૂહલ હતું. મારી મા નારાજ હતી પણ તેણે મને ઠપકો આપ્યો નહીં. મા કહે : 'દીકરી, આટલું સાહસ સારું નહીં. કોણ જાણે હવે શું થશે?' ફળના જે કૂચા મારા હાથમાં હતા તે મેં માને આપ્યા. માએ લીધા ખરા પણ પ્રેમથી નહીં જ.

બધાં ઘર ભણી જતાં હતાં ત્યારે માને હું પૂછતી હતી : 'મા, હવે અંજીરનું ઝાડ મરી જશે?' મા ઘડીમાં ચૂપ રહે. ઘડીમાં જવાબ આપે, કહે : 'તેં ઝાડને કંઈ નુકસાન કર્યું નથી એટલે નહીં જ મરવું જોઈએ. પણ... કોને ખબર છે? આવું કદી થયું નથી. આપણે પ્રાર્થના કરીશું.'

ત્યાર પછી તો એ ઝાડ તો મારું ઝાડ બની ગયું. રોજ હું એ ઝાડને પાણી પાઉં, ખાતર નીરું, ગોડ કરું, સફાઈ કરું. ઝાડની પૂજા પ્રાર્થનાય કરું. ઝાડની સેવા કર્યા બાદ જોઉં પણ કોઈ ફરક પડતો ન હતો. જેવું હતું તેવું ને તેવું જ દેખાતું હતું. મારા મનમાં કૌતુક સદાય રહેતું : મેં મારી વૃક્ષ-સેવા ચાલુ રાખી. ધીમે ધીમે મોસમ બદલાતી ગઈ. અને... એક દિવસ...

એક પાંદડું ખર્યું. પછી બીજું. પછી ત્રીજું. ક્યારેક ઘણાં બધાં પીળાં પડેલાં પાંદડાં પવન સાથે ટકરાઈને પડી જતાં. ઝાડ ડોબું થતું ગયું. ખોખું બનતું ગયું અને હું ડરતી ગઈ. ખરેખર ઝાડ મરી રહ્યું છે. જતે દિવસે ઝાડ સાવ પાંદડાં વગરનું થઈ ગયું. પાંદડાં તો ઝાડનો જીવ. પાંદડાં જ ન રહે તો ઝાડ જીવે કેવી રીતે?

કોઈક કહેતું પણ ખરું, 'આ છોકરીએ જ ઝાડને મારી નાખ્યું છે.' હું ગભરાઈ જતી. પણ મોટેરાંઓ કહેતાં કે, 'એ તો નિયમ છે, કુદરતનો નિયમ. પાનખરમાં પાંદડાં ખરી જ પડે છે. વસંત આવે કે ઝાડ નવું બને છે. ઋતુ ઋતુના ખેલ છે બધાં!'

હું રોજ ઝાડ પાસેથી નિશાળે જતી. ઝાડને ખૂબ ધ્યાનથી જોઈ લેતી. થોડા દિવસો પસાર થયા હશે અને મને કૌતુક નિહાળવા મળ્યું. માટીની સુગંધ બદલાઈ હતી. ઠેરઠેર ઘાસ ઊગવા લાગ્યું હતું, પવન હળવો, રળિયામણો શાંત બન્યો હતો. કુદરત જાણે કે રંગ ધારણ કરતી હતી અને... મારું ઝાડ? હા, તેની પર ઝીણી ઝીણી ડાળખીઓ દેખાવા લાગી. નાની નાની, કુમળી કુમળી, પાંદડીઓ ફૂટવા લાગી.

પાંદડીઓ પાંદડામાં ફેરવાતી ગઈ. મહોર બેસવા લાગ્યો. ધીરે ધીરે ફળ દેખાવાં લાગ્યાં. એ બધું કેવી રીતે બન્યું, તેની ખબર પડી નહીં. અને ઝાડ અગાઉ હતું તેવું જ થઈ ગયું. મારે મારા સાથીઓને કહેવું પડયું નહીં. બધાં એમની મેળે જ ભેગાં થવા લાગ્યાં. 'ઝાડ નથી મર્યું, ઝાડ નથી મર્યું.'ની ખુશી મનાવવા લાગ્યાં. ઝાડ પર ચઢવા લાગ્યાં, ફળ ખાવા લાગ્યાં. ઝાડ પર ચઢી જવામાં હવે છોકરીઓ પણ સામેલ હતી.

જે લોકો અધૂરા હતા તેઓ એને 'ચમત્કાર ચમત્કાર' કહેતા. જાણનારા કહેતા કે મુરઝાવું, કરમાવું, અને ફરી ખીલવું, એ તો કુદરતનો નિયમ છે. એને કોઈ રોકી શકતું નથી. જે નવી તાજગી આવી હતી એનાથી અમે છોકરીઓ ખુશ હતી. અમે હવે મોકળેથી રમી, ભણી, જીવી શકતી હતી. અનુભવે માન્યતા બદલી નાખી હતી.

જૂનાંઓ ઘરડાંઓ, વડીલો કહેવા લાગ્યાં હતાં કે છોકરીઓ કમાલ કરે છે. આંખ ઉઘાડી નાખે છે. ધરમની કરમની વાત બદલી નાખે છે. અંધશ્રધ્ધા અને ભયને ભગાડી મૂકે છે. ભણે છે. અને... કેટલાક બોલી ઊઠયા : 'ભણાવે છે.' બધાં જ વડીલોની એક વાત હતી : 'જમાનો છોકરીઓનો આવ્યો છે ભાઈ, છોકરીઓનો.'

હવે જ્યારે દાદીમા બધાંને નદીએ લઈ જાય છે ત્યારે કહે છે : 'પેલી અમાઝને આગળ રાખો. એ મરેલાંઓને, ભૂતડાંઓને આત્માઓને પણ સીધા રાખે તેવી છે.' 


Google NewsGoogle News