Get The App

પીંછુ અને પવનની લહેરખી .

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
પીંછુ અને પવનની લહેરખી                            . 1 - image


- ડો. સિલાસ પટેલિયા

ઝા ડ પર એક પંખી બેઠું હતું. એની પાંખમાંથી એક પીછું ખર્યું. પંખી તો ઉડી ગયું. પવનની લહેરખી સાથે પીછું તો લહેરાતું લહેરાતું ઝાડ નીચે પડયું. પીંછાએ એ લહેરખીને કહ્યું : 'વાહ રે વાહ! બહુ મજા પડી. તારી સાથે લહેરાતું હું અહીં આવી તો ગયું! લહેરખી તું આજથી મારી દોસ્ત!' 

લહેરખી બોલી : 'તું જ્યાંથી ખર્યું એ પંખી કેટલું બધું સુંદર હતું. એના પીંછાના પણ ચાર રંગો હતાં.' પીંછુ આ સાંભળીને રડમસ અવાજે બોલ્યું : 'એ મારી મા! એ ઊડી ગઈ. હું ખરી પડયું. એનું જ તો દુ:ખ છે.' 

પીંછાની વાત સાંભળીને લહેરખીએ કહ્યું : 'આ તારી દોસ્ત મદદ કરવા તૈયાર છે.' લહેરખીના આવા શબ્દોથી પીંછાની ખુશીનો પાર ના રહ્યો. પીંછુ કહે : 'મારે મારી મા પાસે જવું છે. જે રીતે એને વળગીને એની સાથે હતું, એ રીતે પાછા રહેવું છે ખબર નહીં નહીં હું એનાથી કઈ રીતે છૂટું પડી ગયું!' લહેરખી કહે : 'સારું રડીશ નહીં. તને મદદ કરીશ. ચાલ મારી પર બેસી જા.' પીંછુ તો લહેરખી પર બેસી ગયું. લહેરખી કહે : 'અરે! તું તો કેટલું નાજુક છે! રંગે રૃપે મસ્ત મજાનું છે. એકદમ હલકું ફુલકું!' આ સાંભળીને પીંછુ ખુશ થતું થતું હસી પડયું.

હવે પવનની લહેરખી પીંછાને બધે ફેરવે છે. દરેક ઝાડ પર જાય છે. નદી, તળાવને ખેતરોમાં બંને ઊડે છે. બેસે છે. ચારેબાજુ જુએ છે. ક્યાંય પંખીતો દેખાતું નથી. એવામાં એક શાળાનું કમ્પાઉન્ડ નજરે ચઢ્યું. લહેરખી કહે : 'અરે જો જો ત્યાં જો! કેટલાં બધાં બાળકોના હાથમાં પીંછુ છે રે! તારા જ ભાઈબંધો છે એ પીંછા. ખરું કે નહીં! બધાં એકબીજાના ગાલે પીછું અડાડે છે. ગલીગલી થતાં હસે છે. પીછું લઈને દોડે છે.' પીંછુ તો ટગર ટગર જોઈ જ રહ્યું. 'આટલા બધાં પીછા! મારા સાથીઓ! એને બાળકોને મળવાનું મન થયું. બાળકોની પાસેના પીંછાને મળવાની ઇચ્છા થઈ.'

લહેરખીને પીંછાએ કહ્યું : 'દોસ્ત! મારે ય નીચે જવું છે. મારે બધાં સાથે રમવું છે. બધાં બાળકોને રમાડવા છે.' લહેરખીએ એને હળવેથી છોડી દીધું. ઊડતું ઉડતું એ નીચે જવા લાગ્યું. બાળકોએ એને નીચે આવતું જોયું. બધાં પકડવા દોડયા. એકના હાથમાં એ પકડાયું. બધાં આ નવા પીંછા જોડે રમવા લાગ્યા. ગાલે અડાડવા લાગ્યા. પીંછાને પણ બહુ મજા પડી. બધાં પાસે જે જાતજાતના રંગના પીંછા હતાં એ આ પીંછાએ જોયાં. પોતે આ પીંછાની સાથે જ છે, એનો એને આનંદ થયો. અપાર આનંદથી એ હલવા લાગ્યું.

પીંછાની ખુશી જોઈને લહેરખીએ કહ્યું : 'જો અહીં તને કેવી મજા પડે છે! તું તારી મા પાસેથી ખરી ગયું. આ આટલાં બધાં પીંછા પણ કોઈ પાંખોમાંથી જ ખરી ગયાં છે ને! આ દુનિયામાં કેટલાં બધાં પંખીઓ છે! એમાં તને તારી મા ક્યાંથી જડવાની?' 

આ બાળકોએ તને હાથમાં લીધું. રમ્યાં. 'તનેય રમાડયું. તને ય કેવી મજા પડી હૈ! તો આમ જ મજા કરને!' પવનની લહેરખી આટલું બોલી વહી ગઈ.

પીંછુ પવનની વાત સાંભળીને ખુશ ખુશ થઈ ગયું. 


Google NewsGoogle News