મોંઘામૂલી માટી .
- 'માટી મારી મા સમાન છે. જો તમે ના હોય તો અમે માટલાં, માટલી, કોડિયાં, કુલડી, કલાડું, કુંજો અને બીજા માટીનાં વાસણો કેવી રીતે બનાવીએ?'
- બિરેન પટેલ
એક હતો કુંભાર. કુંભારભાઈનું નામ હતું ચૈતરભાઈ. ચૈતરભાઈ તો ગજબના ઘડવૈયા. એ અમારા ગામની પાદરમાં આવીને વસ્યા. માટીના ઢેફાંને એવો આકાર આપે કે તેની કિંમત વધી જાય. ચૈતરભાઈ સીમમાંથી માટી લાવે. માટીનાં ઢેફાં ભાંગે તેમાં પ્રમાણસરનું પાણી રેડે. પાછા માટીને ગૂંદે. માટીના લોચા તૈયાર કરી ચાકડે ચડાવે. ૫છી તો પૂછવું જ શું? ચૈતરભાઈની આવડતની કોઈ જોડ મળે ખરી?
પાદરમાં આવ્યો એક ચૈતર કુંભાર,
માટીના લોચા ને આપે આકાર.
માટલાં ઘડે ને ઘડે કોડિયાં અપાર,
પાદરમાં આવ્યો એક ચૈતર કુંભાર.
એક દિવસ ચૈતરભાઈ નિત્યક્રમ મુજબ માટી લેવા ખાણ પાસે ગયા. ત્યાં ગધેડાને ઝાડના છાંયડે બાંધી માટી ખોદવા લાગ્યા. એટલામાં ભેખડ પરથી એક માટીનું ઢેફું પડયું. પડયું તે ચૈતરભાઈના પગ પાસે આવ્યું. આવીને કહે,
ચૈતર કુંભાર... ઓ ચૈતર કુંભાર
અમારા તારા પર શાં શાં ઉપકાર?
ચૈતરભાઈ તો વિચારમાં પડી ગયા! માટીનું ઢેફું બોલે છે? એતો ચોક્યાં! ત્યાં જ પાછું ઢેફું બોલ્યું,
ચૈતર કુંભાર.. ઓ ચૈતર કુંભાર
ચોંકશો મા, ચોંકશો મા... કરો વિચાર!
ચૈતરભાઈ કહે, 'માટી મારી મા સમાન છે. જો તમે ના હોય તો અમે માટલાં, માટલી, કોડિયાં, કુલડી, કલાડું, કુંજો અને બીજા માટીનાં વાસણો કેવી રીતે બનાવીએ?'
ઢેકું કહે, 'બસ, આટલું જ?'
ચૈતરભાઈ કહે, 'ના રે ના... માટી વગર તો મારું તો જીવન જ નષ્ટ થઈ જાય.'
ઢેફું કાંઈ બોલે તે પહેલાં બળદ લઈને પસાર થતાં ખેડૂતે આ વાત સાંભાળી.
ખેડૂતે માંડી માટીની વાર્તા,
માટી જ છે સર્વ કર્તાહર્તા.
ખેડૂતે કહ્યું, 'એટલું તો થોડું હોય? જો માટી જ ન હોય તો અમે ખેતી ક્યાં કરીએ? અનાજ કેવી રીતે પકવીએ? અનાજ ના પાકે તો પશુ-પંખી અને માણસો પોતાનું પેટ કેવી રીતે ભરે? એમનું જીવન કેવી રીતે ટકે? માટે ઓ માટીનાં ઢેફાં... તમે તો અમારા માટે સોનાના ટુકડા સમાન છો!'
ઢેફું તો મલકાવા લાગ્યું. ત્યાં જ એક કડિયો આવી ચડયો. આ બધી વાત સાંભળીને કડિયાભાઈ તો તરત જ બોલ્યાંઃ
'ભાઈ માટી મોંઘામૂલી,
ભાઈ માટી મોંઘામૂલી.
ભાઈ એની કરજો કદર,
આપણને સૌને આપે ઘર.
...ભાઈ જો માટી ન હોય તો અમે ઈંટ કેવી રીતે બનાવીએ? ઈંટો ન બને તો મકાન કેવી રીતે બનાવીએ? માટે અમારા માટે પણ તમે ખૂબ જ ઉપયોગી છો. અમારી સાથે માટી આપ ઘણાં બધા માટે પણ કિંમતી છો.'
માટીનું ઢેફું તો રાજી રાજી થઈ ગયું. એ ગીતડું ગણગણવાં લાગ્યું કે-
'મોંઘામૂલી માટી અમે,
મૂલ અમારું સૌને ગમે.
કણથી યાત્રા શરૂ કરી,
મદદ સામે ચાલી ધરી...'