Get The App

રોજિંદા ઉપયોગમાં આવતો અરીસો

Updated: Oct 10th, 2020


Google NewsGoogle News
રોજિંદા ઉપયોગમાં આવતો અરીસો 1 - image


પુ રાણકાળમાં અરીસા નહોતાં ત્યારે પણ માણસ જળાશયમાં કે પાણી ભરેલાં પાત્રમાં પોતાના ચહેરાનું પ્રતિબિંબ જોઈને તાજ્જુબ થતો. પ્રાચીન વાર્તાઓમાં આવા પ્રતિબિંબની જાદુઈ વાતો પણ વાંચવા મળે છે.  લીસી 

સપાટીવાળી ધાતુઓનો અરીસા તરીકે ઉપયોગ પણ પ્રાચીનકાળથી શરૂ થયો છે. આજે આપણે આપણું પ્રતિબિંબ જોવા, કારમાં રીવરવ્યૂ મિરર અને સુશોભન માટે અરીસાનો ઉપયોગ કરીએ છીએ. પોષાક ઉપર આભલા ટાંકવાની ભાતીગળ કળા પણ જાણીતી છે.

અરીસા અને પાણીમાં દેખાતાં પ્રતિબિંબનો સિધ્ધાંત એ જ છે. તેના પર પડતો પ્રકાશ પરાવર્તન થઈને પાછો આવે છે. કાળા બેક્રગ્રાઉન્ડ પર ચમકતી સપાટીમાં પ્રતિબિંબ દેખાય છે.

કાચના અરીસા બનાવવાની શોધ ૧૬મી સદીમાં થઈ હતી.  કાચની પાછળના ભાગે અપારદર્શક તેજસ્વી ધાતુનું આવરણ ચઢાવી અરીસા બનાવાય છે. કાચની શુદ્ધતા જેટલી વધુ તેટલું સારુ પ્રતિબિંબ દેખાય. ચાંદી અને સોના જેવી ધાતુઓના આવરણ ચઢાવી અરીસા બનાવવામાં આવતાં. ત્યારબાદ પારાની રાખ ચઢાવી અરીસા બનવા લાગ્યા.

વિજ્ઞાાન જગતમાં જુદા જુદા સંશોધનો માટે ઉપયોગી  ટેલિસ્કોપ અને માઈક્રોસ્કોપમાં પણ અરીસાનો ઉપયોગ થાય છે. કેટલાક સંશોધનો માટે ચોક્કસ રંગના કિરણોનું જ પરાવર્તન થાય તેવા અરીસાની જરૂર હોય છે. અલ્ટ્રાવાયોલેટ અરીસા માટે એલ્યુમિનિયમનું આવરણ ઉપયોગી થાય છે.

અરીસા પણ સપાટ જ હોય તેવું નથી. વચ્ચેથી ઉપસેલા ગોળાકાર (બર્હિગોળ) અરીસામાં પ્રતિબિંબ નાનું દેખાય તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ મોટું દેખાય.

દરિયાના તળિયે ચાલતી સબમરીનમાં સપાટીના દ્રશ્યો જોવા માટે વપરાતા પેરિસ્કોપમાં અરીસાની જ કમાલ છે. મોટા ટેલિસ્કોપમાં વિશાળ કદના અંતર્ગોળ અરીસાજ વપરાય છે.

મેજિક શોમાં જાદુગરો અરીસાના ઘણા ઉપયોગ કરી દ્રષ્ટિભ્રમ ઉપજાવી મનોરંજન કરે છે. ફિલ્મોમાં પણ ટ્રીક સીન લેવા માટે અરીસાના જાત જાતના ઉપયોગ છે. છેલ્લે છેલ્લે ઓપ્ટિકલ કેબલમાં ડિજીટલ પ્રસારણ પણ અરીસાના સિધ્ધાંત પર જ થાય છે. ઓપ્ટિકલ કેબલના પાતળા વાયરની અંદરનું આવરણ અરીસાનું જ કામ કરે છે.


Google NewsGoogle News