હાથી શિખવે ધૂળિયા પાઠ
હરીશ નાયક
પાંડવો તથા કૌરવો.
ગુરૂ દ્રોણના આશ્રમમાં સાથે જ ભણે.
ગુરૂ એકતાની અને સંપની ઘણી ઘણી વાતો શીખવે છે. વર્ગમાં હોય ત્યારે એ એકસો પાંચ ભાઈઓ હકારમાં માથા હલાવે પણ વર્ગની બહાર નીકળતાં જ એક સો તથા પાંચ છૂટા પડી જાય.
એક વાર પાંડવ કૌરવમાં જબરો વિવાદ જાગ્યો.
પાંચ પાંડવ કહે : 'અમે મોટા. અમે ઝડપથી વિદ્યા ગ્રહણ કરીએ છીએ. અમે શીઘ્રતાથી જ્ઞાાન પ્રાપ્ત કરીએ છીએ, તમારે ખાતર જ અમારે ખેંચાવું ઘસડાવું પડે છે.'
સો કૌરવ કહે : 'મોટા તો અમે જ. સંખ્યામાં આટલા હોવા છતાં બધાં એક સાથે રહીએ છીએ. એક સાથે જ્ઞાાન પ્રાપ્ત કરીએ છીએ પછી જ આગળ વધીએ છીએ. તમારી જેમ એકલપેટા નથી કે આપણને આવડતાં જ દોટ મૂકીએ.'
'અમે મોટા...'
'નહીં અમે મોટા...'
એવો વિવાદ વારંવાર ચાલ્યા જ કરે. એક વાર તો ગુરૂ દ્રોણે પણ આ વાત જોઈ. ત્યારે નદી કિનારે કેટલાક હાથી સ્નાન કરતા હતા.
હાથીઓ પાણીમાં ખૂબ ન્હાયા. સૂંઢ વડે પાણીની છાલક મારી મારીને ચોખ્ખા બન્યા. પછી બહાર આવી એ ચોખ્ખા દેહ ઉપર ધુળ ઉડાડવા લાગ્યા. જેવી રીતે પાણી છાંટતા હતા તેવી જ રીતે ધૂળ અને રેતી ઉડાડવા લાગ્યા.
ગુરૂ દ્રોણ કહે : 'તમે બધાં આ હાથી જેવા છો.' શિષ્યો વિચારમાં પડયા, ગુરૂજીએ આપણને હાથી કેમ કહ્યા?
અંતમાં કોઈને ન સમજાયું ત્યારે ગુરૂ કહે : 'મારા શિષ્ય મિત્રો! હાથી પાણીમાં ન્હાય છે, શીતળતા તથા આહ્લાદ અનુભવે છે, પણ બહાર આવી પાછા ચોખ્ખા દેહ પર ધુળ માટી ઉડાડે છે. તમે પણ એમ જ કરો છો. વર્ગના વારિમાં તો સ્નાનની શીતળતા માણો છો. જ્ઞાાન સરિતામાં હો છો ત્યારે તમારી ચોખ્ખાઈ અને શ્રદ્ધાનો પાર હોતો નથી, પણ બહાર આવતાં જ ધૂળ ઉડાડવા મંડી પડો છો. અજ્ઞાાનની અને ઈર્ષાની ધૂળ.'
ગુરુજી આગળ કહે : 'અરે હાથીઓ તો સારા કે તેઓ પોતાના દેહ ઉપર ધૂળ ઊડાડે છે, જ્યારે તમે તો એક બીજાના દેહ ઉપર ધુળ ઉડાડો છો.'
શિષ્યો શાંત રહ્યા ત્યારે ગુરુજી કહે : 'સંપનો અર્થ અંદરો અંદર સંપ રાખવાનો જ નથી, એક બીજા સાથે પણ સંપ રાખવાનો છે. તો જ એ સંપ સાચો સંપ કહેવાય છે.'
કૌરવો તથા પાંડવો એ વાત સાંભળી રહ્યાં. સામે હાથીઓ પાણીની બહાર આવી પોતાના દેહ ઉપર રેતી છાંટતા રહ્યા! ય