Get The App

હાથીભાઈ અને ઉંદર .

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
હાથીભાઈ અને ઉંદર                                     . 1 - image


- ઉંદર તો હાથીભાઈના પગ પર ઉપરથી નીચે અને નીચેથી ઉપર દોડવા લાગ્યા. ઉંદરના વજનથી હાથીના પગ ક્યાંથી દબાય?

- 'ગાંડાભાઈ, તું ખાવામાં એટલો મસ્ત થઈ ગયો હતો કે તને પકડવા તારી પાછળ બિલાડો બેઠો હતો તેની તને ખબર જ ન પડી. એ બિલાડાને ભગાડવા જ મેં આટલી મોટી છીંક ખાધી!'

રોહિત ખીમચંદ કાપડિયા 

બિ ટુ અને કીટુ બંને જોડીયાં ભાઈ-બહેન. બંને મમ્મી-પપ્પાને ખૂબ વહાલાં. બંને સાથે રમે. સાથે જમે. સાથે ભણે અને 

સાથે તોફાન પણ કરે. કોઈ વાર એકબીજાની કિટ્ટા પાડે પણ બીજી જ મિનિટે બુચ્ચા કરી લે.  

એકવાર શિક્ષકે બધા સ્ટુડન્ટ્સને એક કાલ્પનિક વાર્તા લખીને બીજાં દિવસે લઈ આવવાનું કહ્યું. ટીચરે ખાસ તાકીદ કરી કે કોઈની પણ મદદ લેવાની નથી. 

કીટુ અને બિટુ ઘરે આવ્યાં ત્યારે એમનાં મામા અને એમનો દીકરો ગટુ આવેલા હતા. ત્રણેયે દૂધ અને નાસ્તો કર્યો અને પછી રમવામાં પડી ગયાં. જમ્યા પછી પણ પકડાપકડીની રમત ચાલુ જ રાખી. રાત્રે ગટુ ગયો પછી બંને સૂઈ ગયાં. કીટુના પગ બહુ જ દુ:ખતા હતા.  મહામહેનતે એને ઊંઘ આવી વહેલી સવારે એને સ્વપ્નમાં એક હાથીભાઈ આવ્યાં. એના પગ પણ બહુ જ દુ:ખતા હતા અને ઓ... ઓ... ઓ... કરતા હતા.  ત્યાં જ એક ઉંદરભાઈ આવ્યાં અને કહ્યું, 'હાથીભાઈ, શું થાય છે તમને?' 

હાથીએ કહ્યું, 'મારા પગ બહુ દુ:ખે છે. કાલે મારા માલિકે મારી પાસે વહેલી સવારથી ઠેઠ સાંજ સુધી ખૂબ મહેનત કરાવી. મારા તો પગ અક્કડ થઈ ગયાં છે. જોકે રાત્રે મને સારૃં ખાવાનું પણ આપ્યું અને મને પંપાળીને કહ્યું કે કાલે તને આરામ આપીશ.' ઉંદરે કહ્યું, 'કંઈ વાંધો નહીં. લાવો, હું તમારા પગ દબાવી આપું.' એમ કહીને એ તો હાથીભાઈના પગ પર ઉપરથી નીચે અને નીચેથી ઉપર એમ દોડવા લાગ્યા. ઉંદરના વજનથી હાથીના પગ ક્યાંથી દબાય? પણ એની સતત દોડાદોડથી એના પગમાં ગલીપચી થવા લાગી અને એ પગ ઊંચો નીચો કરવાં લાગ્યો. થોડી વારમાં તો પગમાં લોહી ફરવા લાગ્યું અને એને સારૃં લાગ્યું. એણે ઉંદરને કહ્યું, 'તારો આભાર. તને જ્યારે મારી જરૂર પડે ત્યારે મને બૂમ મારજે. હું તરત તને મદદ કરવા આવી જઈશ.' 

આ વાતને થોડાં દિવસ ગયા. હજુ એનું સપનું આગળ વધે તે પહેલાં તો બિટુએ જોરથી છીંક ખાધી અને એની ઉંઘ ઉડી ગઈ. કીટુનું સપનું અધૂરું રહી ગયું. બિટુ ઉઠી ગયો હતો.  

કીટુએ કહ્યું, 'ભાઈલુ, આપણે કાલે વાર્તા લખવાનું તો ભૂલી જ ગયાં, પણ સાંભળ મને રાત્રે સપનું આવ્યું. એની જ હું વાર્તા લખીશ.' એમ કહીને એણે ભાઈલુને આખી વાત કહી. બિટુએ કહ્યું, 'મોટી દીદી, મને એક આઈડિયા આવ્યો છે. હું તારા સપનાની વાત પૂરી કરતી વાર્તા લખું.' 

...અને એ થોડી વાર વિચારમાં ખોવાઈ ગયો. પછી અચાનક જ કહ્યું, 'સાંભળ. એ વાતને થોડાં દિવસ વીતી ગયા. ઉંદર અને હાથીભાઈ રોજ દિવસમાં એક વખત તો મળે જ અને જાતજાતનાં ગપ્પાં મારે. ઉંદર તો હાથીભાઈના શરીર પર બધે ફરીને લસરપટ્ટી પર રમતો હોય એવો આનંદ લે અને હાથીભાઈને પણ માલિશ થતું હોય એવું લાગે એટલે એ પણ ખુશ થાય. કોઈક વાર તો ઉંદર એની પીઠ ઉપર ઊભો થઈને નાચે, તો કોઈ વાર એ હાથીભાઈના વિશાળ શરીર નીચે છૂપાઈ જઈને એને હેરાન કરે. એક સાંજે ઉંદરને કોઈનાં લગ્નમાંથી ફેંકેલો સ્વાદિષ્ટ એંઠવાડ જમવા મળી ગયો. એ તો ખુશ થઈને પ્રેમથી ખાવા લાગ્યો. ખાવાનું એટલું બધું સરસ હતું કે એ તો આસપાસનું ભાન ભૂલીને ખાવામાં મસ્ત બની ગયો હતો. ત્યાં જ એને મળવા આવેલા હાથીભાઈએ જોયું કે એક મોટો બિલાડો એના મિત્ર ઉંદરને ખાઈ જવા માટે ટાંપીને બેઠો હતો. એ ધીમા પગલે ત્યાં પહોંચે તે પહેલાં તો બિલાડો તરાપ મારીને મિત્રને શિકાર બનાવીને લઈ જાય એમ? 

'હાથીભાઈએ વિચાર કર્યો કે હવે શું કરવું? એકદમ જ એને એક વિચાર આવ્યો અને એણે જોરથી છીંક ખાધી. એ મોટા અવાજથી બિલાડો ગભરાઈને ભાગી ગયો અને ઉંદર પણ દરમાં છુપાઈ ગયો. ઉંદરને ખબર તો પડી ગઈ કે હાથીભાઈ જ આવ્યા છે, પણ તો પછી આટલી મોટી છીંક કેમ ખાધી? એણે બહાર આવીને હાથીભાઈને કહ્યું, 'કેમ મને ડરાવી દીધો?' હાથીભાઈએ કહ્યું, 'ગાંડાભાઈ, તું ખાવામાં એટલો મસ્ત થઈ ગયો હતો કે તને પકડવા તારી પાછળ બિલાડો બેઠો હતો તેની તને ખબર જ ન પડી. એ બિલાડાને ભગાડવા જ મેં આટલી મોટી છીંક ખાધી!' ઉંદરે કહ્યું, 'હું દરમાં ગયો ત્યારે મને લાગ્યું તો ખરૃં કે સામી બાજુથી કોઈ જનાવર ભાગી ગયું છે.  હાથીભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર.' હાથીએ કહ્યું, 'આપણે તો મિત્ર છીએ. આપણે આભાર માનવાનો ન હોય. એક બીજાના સુખદુ:ખમાં સાથે રહેવાનું હોય.' 

મોટી દીદી તો કિટુની વાર્તા સાંભળીને તાળી પાડવા લાગી. એણે ભાઈલુને પૂછયું, 'તને આવો સરસ વિચાર કેવી રીતે આવ્યો?'બિટુએ હસીને કહ્યું, 'મારી છીંકથી તું જાગી ગઈને એટલે...' 

પછી તો બંને જણાંએ ફટાફટ વાર્તા લખી નાખી! 


Google NewsGoogle News