ધરતી : પર્યાવરણનું મહત્ત્વનું અંગ
પૃ થ્વી પર સજીવ સૃષ્ટિ વિકસી શકે તેવા અનેક પરિબળો હોવાથી તે વિશિષ્ટ ગ્રહ બને છે. પૃથ્વી પરના પ્રાણી-પક્ષીઓ અને વનસ્પતિના જીવનનો આધાર ધરતી છે. પૃથ્વીની સપાટી પરના આ ભાગને ધરતીમાતા પણ કહેવાય છે.
ધરતી કે જમીન એટલે પૃથ્વીની ઉપલી સપાટીનો ૩૩ કિલોમીટર સુધીની ઊંડાઈનો વિસ્તાર. આ પોપડો સજીવોને પોષણ પુરુ પાડે છે. જો કે સપાટી પર ૭૦ ટકા ભાગમાં સમુદ્રો આવેલા છે. બાકીની ૩૦ ટકા ભૂમિ વિસ્તારમાં સજીવ સૃષ્ટિ વિકસી છે. જમીન પર પર્વતો, ઊંચા નીચા મેદાનો, જંગલો, ભૌગોલિક વિસ્તાર છે. પૃથ્વીના વાયુમંડળ, પવન અને વરસાદને કારણે સપાટી પર વિવિધતા જોવા મળે છે.
જમીન પર માણસો અને અન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. તે જ રીતે જમીનના પોપડામાં જાતજાતના જંતુઓ અને બેક્ટેરિયાની સૃષ્ટિ છે. વરસાદનું પાણી જમીનમાં ઉતરી આ સૃષ્ટિનું જીવન સરળ બનાવે છે. વનસ્પતિને જમીનમાંથી પોષણ મળે છે. વનસ્પતિના ખરી ગયેલાં પાન, પ્રાણી પક્ષીઓના મૃતદેહના અવશેષો વિગેરે જમીનમાં ઉતરી ફરીથી સેન્દ્રીય ખાતર બનાવે છે અને ઇયળો, અળસિયાં, કીડી, ઉધઇ વિગેરે દેહક્રિયા દ્વારા જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે. વિવિધ પ્રકારની વનસ્પતિ જમીન પર વસતા પ્રાણી પક્ષીઓને ખોરાક બને છે. આમ પૃથ્વીનો આ પોપડો સજીવ સૃષ્ટિના જીવનચક્રનું મહત્ત્વનું અંગ છે.