કોલસાના કમળનું કર્તવ્ય કિર્તન
- એક પારસી ઇજનેરની સ્ટીમ એન્જિનને શ્રદ્ધાંજલિ
- મેરી હાઉસ આગળથી ગાડી પસાર થતી અને ઇજનેર કાચા પાકા કોલસા અવશ્ય ઠાલવી દેતા
ઘ ડપણ તો ઘડપણ છે. જમાનો બદલાય છે. ઘડપણ બદલાતું નથી. ઉંમર થતાં ઓછું દેખાય, ઓછું સંભળાય, ઓછું ચલાય, મોઢામાં દાંત નહીં, કેડ વળી જાય, શરીર ડગમગી જાય.
એવા ઘડપણમાં કોઈ ફેર પડતો નથી. કોઈક આવા માણસને જોઈને જ આપણે કહી શકીએ કે આ દાદાજી છે, ઘરડા છે.
એવી જ રીતે સ્ત્રીઓ પણ ઘરડી થાય જ. દાદીમા બની જાય!
તેમ છતાં જીવનનું કામ તો કરવું જ પડે! જીવન તો જીવવું જ પડે.
મેરીબેન આવા જ ઘરડાં દાદીમા હતાં. હવે બધા એમને મેરીબા કહેતા. મેરી દાદીય કહેતા.
મેરી દાદીનું જીવન બહુ વટથી પસાર થયું. નાનપણથી તેઓ છોકરાંઓને રાખતાં. પોતાના ઘરમાં નાની સરખી હોટલ કે હોસ્ટેલ જ ચલાવતાં.
છોકરાંઓ ભણવા આવે, રહે અને ભણે. મોટા થાય એટલે આગળ ભણવા જાય કે નોકરીધંધે લાગે.
મેરીબેનના 'મેરી હાઉસમાં બીજા વિદ્યાર્થીઓ આવે. આનંદગૃહમાં આનંદ માણે. ભણેગણે અને આગળ વધે.
આ ક્રમ ચાલતો હતો, ચાલતો રહ્યો.
દિવસો મહિના વર્ષો વીતી ગયાં.
એક ધ્યેય છે જીવન જેનું, એક છે જેની નિષ્ઠા. એ જ સમાજના સૃષ્ટા છે, ને એ જ સમાજના દૃષ્ટા.
કંઈ કેટલાય છોકરાંઓ ભણીગણીને દુનિયા દોડાવતાં થઈ ગયા.
એમાં એક હતો ઇજનેર આતશ.
પહેલાં તે સ્ટીમ એંજિન દોડાવતો. પાટા ઉપર ભકછક કરીને દોડી જતાં વરાળથી ચાલતાં એ એંજિનો. અવાજ વધુ, ધુમાડો વધુ, કોલસા વધુ.
જેવો ઇજનેર આતશ 'મેરી હાઉસ' આગળથી પસાર થાય કે અડધા બળેલા કોલસા નીચે નાખી દેતો. એંજિનની નીચેથી એ કોલસા પડી જતા. ઠંડા થતા.
મેરીબા આવીને તે ઉપાડી લેતા.
કોલસાઓ બે પ્રકારના હોય છે : પાકા અને કાચા. ઘરમાં સગડીમાં જે કોલસા બળે છે, એ બાવળના કોલસા છે. કાચા, પોચા, નરમ. ઝટ સળગીને ઝટ હોલવાઈ જાય તેવા. આવા કોલસા એંજિનના કામમાં આવતા નથી.
એંજિનમાં પાકા કોલસા જોઈએ. જે કોલસાની ખાણમાંથી નીકળે છે. જેને પથ્થરિયા કોલસા કહેવામાં આવે છે. આ કોલસાને પાકા કોલસા કહેવાય છે.
એક વખત બળી ગયા પછી પણ તે બળે છે. તેનો તાપ વધારે હોય છે.
સળગતા જરા વાર લાગે પણ સળગે એટલે સળગે. વધુ સમય આગ આંચ તાપ આપે. મોટી ભઠ્ઠીઓ, હોટલો, કારખાનાંઓ આવા પાકા કે પથ્થરિયા કોલસાનો જ ઉપયોગ કરતાં હોય છે.
જમાનો બદલાયો. એંજિનો બદલાયાં.
વરાળના એટલે કે કોલસાના એંજિનો બાદ પાટા પર ડિઝલના એંજિનો દોડવા લાગ્યાં. એંજિનો બદલાયાં, પણ આતશની ઇજનેરી ચાલુ રહી. હવે આતશ ડિઝલ એંજિન હાંકતો હતો, છતાં તે પથ્થરિયા કોંલસા રાખતો જ.
મેરી હાઉસથી પસાર થતી વખતે તે એ પાકા કોલસા નાખી દેતો.
આગળ ઉપર તો વળી વીજળીના એંજિનો દોડતાં થયાં. આતશની કામગીરી બદલાઈ. તે હવે વીજળીના એંજિનો દોડાવતો થયો. છતાં એંજિન ઉપડે તે પહેલા પથ્થરિયા પાકા કોલસા સાથે લઈ જ લેતો. મેરી હાઉસ આગળથી ગાડી પસાર થાય કે પાકા કોલસા નાખી દેતો.
તેનો સાથીદાર ફિરોઝ કહે : 'આતશ, તું આ પ્રમાણે વર્ષોથી કોલસા અહીં નાખે છે મેરી હાઉસ આવે કે તારા કોલસા પડયા જ સમજો. હવે તો દુનિયા બદલાઈ, એંજિનો બદલાયા, કોલસાઓની તો દુનિયા જ ન રહી..'
આતશ કહે : 'ફિરોઝ! એ કોલસા નથી, ફૂલ છે.'
'કોલસાનાં ફૂલ?'
'હા, એને કોલસાનાં કમળ કહે. એ મારી પૂજા છે. મેરી હાઉસ મારું દેવળ છે.'
એક વખત સિગ્નલ અપાયો ન હતો. ગાડી ઉભી રહી. આતશ કહે : 'જો પેલા દાદીમા નજરે પડે છે?'
'હા, કેટલા ઘરડાં થયાં છે?'
'આટલા ઘડપણમાંય મેરીદાદી છોકરાંઓને રાખે છે. ભણાવે છે. તેમને ખવડાવે પીવડાવે છે. તેમને લાયક બનાવી દુનિયામાં દાખલ કરે છે. ફિરોઝ! જમાનો બદલાયો, એંજિનો બદલાયા, પણ મેરીદાદી એના એ જ રહ્યાં છે. તેમનું કર્તવ્ય સતત ચાલુ જ રહ્યું છે. બેનમાંથી બા અને આજે દાદી થયાં પણ વિદ્યાર્થીઓ પ્રત્યેની તેમની ભક્તિ ચાલુ જ. એમણે ન ઘન એકઠું કર્યું, ન જાહોજલાલીની પરવા કરી. એમની તો એક જ પ્રાર્થના કે છોકરાઓ ભણીગણી ઠેકાણે પડે. માતાપિતાની સેવા કરે, દાદાદાદીનો ખ્યાલ રાખે, ફિરોઝ!'
આતશે આગળ કહ્યું : 'આ આતશ એટલે કે હું પણ 'મેરી હાઉસ'ના આ વિદ્યાગૃહમાં ભણીને જ ઇજનેર બન્યો છું. આ કોલસા દ્વારા હું મેરી દાદીની સગડી ચાલુ રાખવા માગું છું. જેમ દીવામાં ઘી પુરાય તેવી આ મારી સેવા છે. કોલસાના કમળથી હું દાદીની પૂજા કરું છું. તેમની ભક્તિ, તેમના ધ્યેય, તેમની નીતિ ચાલુ રાખું છું. અને...'
આતશે કહ્યું : 'આપણા કોઈ પણ જુવાનિયા કરતાં મેરી દાદીની સેવા ઘણી ઊંચી છે, ઘણી ચઢિયાતી છે. દાદીમા ઇશ્વરનું કાર્ય કરે છે, સમાજનું કાર્ય કરે છે. સમાજ અને ઇશ્વર કંઈ જુદા થોડા જ છે?'
સિગ્નલ મળ્યો. લીલી બત્તી થઈ. એંજિને સિસોટી મારી, ગાડી ઉપડી.
ઇજનેર આતશ કહે : 'મેરી દાદીની ઉષ્મા જોઈ? ગઇ કાલે કોલસાના એંજિન ચાલતાં હતાં, પછી ડિઝલ ચાલ્યા, હવે વીજળીનાં એંજિનો પણ એ જ આગથી ચાલે છે. ઘડપણ કોઈ જેવી તેવી આગ નથી.'
ફિરોઝ ઘરડા દાદીમાને કોલસા વીણતા જોઈ રહ્યો. ઇજનેર આતશની કોલસાની કમળપૂજા ચાલુ રહી અને ચાલુ રહ્યાં નયન વંદન નમસ્કાર.