સૂકું ઝાડ .
ઝા ડ વૃધ્ધ થઇ ગયું હતું અને સૂકાઇ ગયું હતું. જ્યારે ઝાડ લીલું છમ હતું ત્યારે તેના પર ફળ-ફૂલ આવતા હતા. પક્ષીઓ પણ આવતા અને ગીતો ગાતાં. પણ હવે કોઇ આવતું નથી. માત્ર સૂકુ ઠંઠું ઝાડ ઊભું છે.
કાગડો અને કાગડી બન્ને ચિંતામાં હતા. કાગડો કહે ચાલ આપણે બચ્ચાંને લઇને બીજે જતા રહીએ. કાગડી બોલી હજુ બચ્ચા નાના છે. આપણે આ ઝાડ પર જ રહીએ. સૂકા ઝાડને પણ ચિંતા થઇ. મારા આશ્રયે રહેલા કાગડી-કાગડા પણ હવે ઊડી જશે. બધા જ જતા રહ્યા. માત્ર બે જ બાકી છે. બચ્ચાને સાચવીને બેઠા છે.
ત્યાં કઠિયારો આવ્યો. સૂકા ઝાડને જોઇને રાજી થયો. પોતાની કુહાડીની ધાર જોઇને ખુશ થયો. હવે હું મારી કુહાડીથી આ ઝાડને કાપી નાખીશ. મને તેના લાકડાંના ખૂબ પૈસા મળશે. સૂકુ ઝાડ આ સાંભળીને ખૂબ દુઃખી થઇ ગયું. કાગડો અને કાગડી ચિંતા કરવા લાગ્યા. હવે શું થશે અમારા બચ્ચાનું ?
ત્યાં હીર, માન્યા, તનુજ, પ્રિયા, ક્રિષા, ઋત્વી, ઝીલ, મીલ, દીપ બધા ત્યાં રમતાં હતાં. કઠિયારાને જોઇને હીરે કહ્યું, ''કઠિયારાભાઇ તું આ ઝાડને ના કાપીશ.'' કઠિયારાએ કહ્યું: ''હું આ ઝાડ કાપીને લાકડાં વેચીને મારું ગુજરાન ચલાવીશ. હવે આ ઝાડ કશા કામનું નથી.''
હીરે કહ્યું: ''કઠિયારાભાઇ, તું અમને પાંચ દિવસની મુદત આપ. પાંચ દિવસ પછી આવીને તને લાગે કે આ ઝાડ કાપવું છે તો તું ખુશીથી કાપજે. ફક્ત પાંચ દિવસ થોભી જા.'' કઠિયારાએ કહ્યું, ''સારું છોકરાઓ હું તમારી વાત માનું છું. પાંચ દિવસ પછી હું આવીશ અને આ નકામું ઝાડ કાપી નાંખીશ.. મને રોકતા નહીં હો !'' એમ કહી કઠિયારો ચાલ્યો ગયો.
સુકુ ઝાડ રાજી થયું. કાગડો-કાગડીએ વિચાર કર્યો કે પાંચ દિવસમાં આપણા બચ્ચાં મોટા થઇ જશે. પછી આપણે આ સૂકુ ઝાડ છોડીને ઊડી જઇશું.
માન્યા બોલી, ''આપણે પાંચ દિવસમાં શું કરીશું ?'' તનુજ બોલ્યો, ''ઘણું બધું.'' પ્રિયા બોલી, ''હવે આપણે સમય નથી બગાડવો. કાંઇક વિચારો.'' દીપે કહ્યું: ''પાંચ દિવસ તો ચપટીમાં પૂરા થઇ જશે. પછી તો કઠિયારો આવશે જ ને ?''
માન્યા બોલી, ''આપણે એમ કરીએ તો ઝાડની આસપાસ કાંટા વાવી દઇએ તો ? શિકારીને કાંટા વાગશે એટલે તે આવશે નહીં. અને ઝાડ કપાશે નહીં.''
ક્રિષા બોલી, ''કાંટા વાવીએ તો આપણને જ વાગે. બીજું કાંઇ વિચારો.''
હીરે કહ્યું: ''આપણે વેલ લઇ આવો. પાંચ વેલ જાત જાતની લઇ આવો.'' ઝીલે કહ્યું: ''વેલ શા માટે ?''
હું કહું એટલું ફટાફટ કરો. વાદ ના વદો. ફટાફટ હું કહું તે પ્રમાણે કરો. પાંચ દિવસ તો ચપટીમાં પસાર થઇ જશે અને આ ઝાડ હતું ના હતું થઇ જશે.
છોકરાઓએ જરાય સમય ના બગાડયો. ફટાફટ પાંચ જાતની અલગ અલગ વેલ લઇ આવ્યા. તનુજે ખુરપીથી ક્યારી બનાવી અને સૂકા ઝાડની પાસે જ પાંચ પ્રકારની અલગ અલગ વેલ રોપી દીધી. ઋત્વી પાણી ભરેલી ડોલ લઇ આવી અને વેલ પર ફૂવારો છાંટયો. વેલ હરખાઇ ગઇ.
સૂકુ ઝાડ આ બધો તમાશો જોતું હતું. વિચાર્યું કે છોકરાઓ સારું કામ કરી રહ્યા છે. કાગડો અને કાગડી વિચારવા લાગ્યા કે આપણે આપણા બચ્ચાને ઊડતા શીખવી દેવું પડશે. નહીંતર કઠિયારો આવશે અને આ ઝાડ કાપી નાખશે. આપણે સૌ દબાઇને મરી જઇશું.
છોકરાઓ ભગવાનને કહેવા લાગ્યા, ''હે ભગવાન તું આ વેલને ઝટ ઝટ મોટી કરી દે. આ અમારું ઝાડ ભલે સૂકુ હોય પણ તે કપાવું ન જોઇએ.''
હીર બોલી જ્યારે આ ઝાડ લીલુછમ ઘટાદાર હતું ત્યારે સૌ આવતા હતા. અત્યારે કોઇ નથી આવતું.
ભગવાને બાળકોની પ્રાર્થના સાંભળી. છોકરાઓ રોજ વેલને અને સૂકા ઝાડને પાણી પીવડાવે. આમને આમ ચાર દિવસ પુરા થઇ ગયા. ફક્ત એક જ દિવસ બાકી છે.. પછી શું થશે? છોકરાઓ ચિંતા કરવા લાગ્યા. કઠિયારો આવશે અને ઝાડ કાપી નાખશે અને આપણી બધી મહેનત નિષ્ફળ જશે.
હીરે કહ્યું, ''કરેલી મહેનત, સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય એળે જતી નથી.''
પાંચમા દિવસે બપોરે બાળકો પેલા સૂકા ઝાડને મળવા આવ્યા. તેઓ ઝાડને જોઇને નવાઇ પામ્યા. વેલો વધી ગઇ હતી. ઝાડની આસપાસ વિંટાય ગઇ હતી. વેલ પર જાત જાત અને ભાત ભાતના ફૂલો આવ્યા હતા. હવે સૂકુ ઝાડ ક્યાંય દેખાતું જ ન હતું. બધી વેલો ઝાડ ફરતી વીંટળાઇ ગઇ હતી. પશુઓ સુંદર સુંદર અવાજે ગાતા હતા. આમ પાંચમો દિવસ પૂરો થયો. કાલે કઠિયારો આવશે. તે શું કરશે ? ઝાડ કાપશે કે નહીં ? બાળકોને ચિંતા થવા લાગી.
પાંચ દિવસ પૂરા થયા અને છઠ્ઠા દિવસે કઠિયારો ખુશ થતો થતો સૂકા ઝાડ પાસે જવા લાગ્યો. છોકરાઓ પણ ત્યાં હતા. હવે શું થશે ? કઠિયારો શું કરશે. ''આપણે ઝાડની આસપાસ સંતાઇ જઇને જોઇએ કે તે શું કરે છે અને તે જો ઝાડ કાપશે તો આપણે સૌ ઓચિંતો તેના પર હુમલો કરીશું.'' હીરે કહ્યું. સારું હીર તારી વાત સાચી છે. ર્ંણ. રેડી રહીશું.
કઠિયારો આંટા મારવા લાગ્યો. પણ તેને તો ઝાડ દેખાયું નહીં. તે વિચારવા લાગ્યો. સૂકુ ઝાડ અહીં હતું કે બીજે ક્યાંય હતું ? કે હું કોઇ ખોટી જગ્યાએ તો નથી આવ્યો ને ?
છોકરાઓએ કહ્યું, ''કઠિયારાભાઇ તમે સાચી જગ્યાએ આવ્યા છો.'' ''તો સૂકુ ઝાડ ક્યાં ગયું.''
છોકરાઓએ બધી વિગતવાર વાત કરી. કઠિયારો બોલ્યો, ''હેં ખરેખર ! આવું બની ગયું ! સૂકુ ઝાડ તો વેલથી વીંટળાયેલું, ફૂલોથી ભરચક લીલુછમ થઇ ગયું છે ને. મેં જો તમારી ના માની હોત તો એક ઝાડનો નાશ થાત. તમે છોકરાઓ આ સૂકા ઝાડને નવું જીવન આપ્યું છે. તમે મારા હાથે પાપ થતું બચાવ્યું છે.''
ત્યાં પક્ષીઓ અવાજ કરીને ગીત ગાવવા લાગ્યા. ફૂલડાં ડોલવા લાગ્યા. સૂકુ ઝાડ હસવા લાગ્યું. બાળકો ગાવા લાગ્યા.
''સૂકુ ઝાડ થયું લીલું છમ્મ
વેલીઓ કેવી હરખાઇ
પક્ષીઓ કરે કલશોર
ફૂલડાં ભરે સલામ''
કઠિયારાએ કહ્યું, ''ધન્ય છે બાળકો તમને તમે સૂકા ઝાડને નવ જીવન બક્ષ્યું છે. હવે હું નવો કામ ધંધો શોધી લઇશ.'' એમ કહી કુહાડીનો ઘા કરી કઠિયારો ઘર તરફ જવા લાગ્યો. બાળકો સૌ રમવા લાગી ગયા. ઝાડ બોલ્યું, ''તમે પણ તમારા ઘરડાં મા-બાપની આમ જ સેવા કરજો.''
- ભરત પંચોલી