પાછળ પડેલાં સપનાઓ .
- સારાં કામ કરે જો બાળક, સારાં મળશે સપનાઓ
- કામ કરો જો અવળચંડું, પાછળ પડશે સપનાઓ
- માનવી જીવે છે બેવડું જીવન, બે-બે જીવન. એક તેનું છે સાચું જીવન, બીજું સપનાં કેરૂં જીવન. સીધા રહેજો, સખણાં રહેજો, એવું કહે છે સપનાઓ, નહીં તો સજા ઊંઘમાં મળશે, એવું ચેતવે સપનાઓ...
સપના લઈ લો, સપના વેચે, સપનાનો સોદાગર
ઝળહળ ઝળહળ સફળતા બક્ષે, સપનાનો સોદાગર
છોકરાંઓ તો તોફાની હોય જ. પણ દાદુની વાત ન પૂછો. એ તો ભારે અળવીતરો હતો. એના ટીખળની કોઈ સીમા જ નહીં, એની છેડછાડમાંથી કોઈ જ બચી શકે નહીં.
અરે એના ઘરમાં એક નાની બિલાડી હતી. ખૂબ રૂપાળી અને ઠાવકી. રમાડવી ગમે તેવી. બધાં પર ભરોસો તો એટલો કે સામે ચાલીને તમારી પાસે આવે. તમારા ખોળામાં પેસી જાય.
બધાં એને રમાડે. પણ આપણાં આ દાદુભાઈ શું કરે જાણો છો?
એના કાનમાં ફૂંક મારે. એની આંખો બંધ કરી દે. એની ગળચી દબાવે. કદીક તો એને ઊંચે ઊછાળે અને પછી જમીન પર પડવા દે. બિચારી મિયાઉં મિયાઉં કરી જાય તો પણ એને છોડે નહીં.
એના ઘર આગળ એક કાબરો કૂતરો બેસી રહેતો હતો. ઘરના માણસ જેવો જ હતો. દિવસના બાળકો સાથે રમે અને રાતના ઘરની ચોકી કરે.પણ દાદુભાઈ એને પજવીને પરેશાન કરી મૂકે. એની પૂંછડીએ ઇંટ બાંધી દે. એની આંખે પાટા બાંધી એને દોડાવી મૂકે. એના કાનમાં અણીદાર ધજા રોપવાની કોશીશ કરે. ખાવાનું તો એને પજવી પજવીને જ આપે.
ચકલીએ ઘરમાં માળો બાંધી દીધો હતો. તે આખો દિવસ ચીં-ચીં કરતી. દાદુની નજર ગઈ. જોયું તો માળામાં નાનકડાં બે બચુડીયાં હતાં. હજી પાંખ આવી નથી એવાં. એ બચારાં બચુડાંને તે માળામાંથી બહાર ખેંચી કાઢતો. ચકલી તો ચીં ચી કરી એવું રૂદન કરતી કે વાત ન પૂછો.
ઘરડાં દાદીમાનેય દાદુ છોડે નહીં. તેમની પોથી લઈ લે, તેમની થેલી લઈ લે. તેમની લાકડી લઈ એવો ભાગી જાય કે હાથમાં જ આવે નહીં. 'ઉભો રહે તો દાદુડા' કહીને એક વખત દાદીમાં તેની પાછળ દોડી ગયાં. લાકડી તો દાદુ લઈ ગયો હતો. દાદીમાને ઠોકર વાગી. તેઓ પડી ગયાં. દુ:ખનો પાર નહીં.
એક આંધળો ભિખારી આવતો હતો. દાદુ તેને ય છોડતો નહીં. તેના ડબલામાં પૈસા મૂકવાને બહાને પૈસા લઈ લેતો અને પછી એના એજ પૈસા ડબલામાં ખખડાવી દેતો. અરે કોઈક ખાડા તરફ કે ગધેડા તરફ પણ તે એને ધકેલી દેતો.
એક વખત નાની રૂપા ઝાડ પર ચઢી હતી. દાદુ કહે: 'ઉપર જા હું આવું છું.' રૂપા ઉપર ગઈ. દાદુ કહે: 'હજી ઉપર જા,' રૂપા વધુ ઉપર ગઈ. હજી ઉપર... હજી ઉપર મોકલી. પછી તે જાતે ઝાડને જોરજોરથી હલાવવા લાગી ગયો. રૂપા ચીસ પાડતી જ રહી. દાદુએ પરવા કરી નહીં. છેવટે રૂપાની સમતુલા ડગી ગઈ. તે ધપાક કરતી હેઠી પડી. દાદુ તાળી પાડતો ભાગી ગયો.
તેના હાથમાં છરી કે કાતર આવે એટલે તો થઈ રહ્યું. બાજુના ફૂલોને પજવે. અને ઝાડને તો કાપવા જ મંડી પડે. ઝાડ પર તેણે ઘણી રેખાઓ પાડી હતી. છરી અને કાતરની તેની કોતરણીથી બિચારૂં ઝાડ તો રડતું
જ હતું.
પતંગિયાનો તે ભારે શોખીન હતો. રંગબેરંગી પતંગિયાઓને તે પકડવા દોડતો. પતંગિયું હાથમાં આવે તો તેને દોરીએ બાંધી દેતો.
આવા દાદુને સમજાવવું અઘરૂં હતું. તે બાને ગાંઠતો નહતો. બાપાને સમય ન હતો. કાકા દયાળુ હતા અને દાદા તો માંદા જ રહેતા.
હા, બા ઘણીવાર તેને દયામાયા જેવી બે વાત કહેતી પણ સાંભળે એ બીજા.
આવા દાદુને એકવાર સપનું આવી ગયું. સપનામાં તેને થયું કે તે જાતે જ બિલાડી બની ગયો છે. અને સપનામાં બિલાડી દાદુ બની ગઈ હતી.
હવે તેની ખરી મજા થઈ. દાદુ તેના કાન ખેંચતો હતો. મિયાઉં.. તેણે દાદુને વિનંતી કરી.
દાદુએ તેના નાકમાં છીંકણી ભરી દીધી. ઓ..આકછી! કેટલી પરેશાની! ભગવાને શા માટે તેને બિલાડી બનાવી? એવામાં દાદુ તેની ગળચી દબાવવા લાગી ગયો. મિયાઉં મિયાઉં જેવા અવાજ પણ નીકળતા ન હતા અને લો, દાદુએ તેને ઉંચે ઊછાળી.
દાદુએ હાથ તો ઉંચા કરી જોયા પણ તેને ઝીલી લીધી નહીં.
તેની કાયા જમીન પર પટકાઈ. મિયાઉં મિયાઉં મિયાઉં મિયાઉં...
તેના હાડકાં જ ખોખરા થઈ ગયા..
સવારે તે જાગી ગયો, તે વખતે તેની દશા ગજબની હતી. એક તો તે મિયાઉં મિયાઉં બોલતો હતો અને બીજું તે ઝટ ઉભો થઈ શક્તો ન હતો. તેને થતું હતું કે હજી તે બિલાડી જ છે અને તેનાં હાકડાં ભાગી ગયા છે.
પોતાના સપનાથી તે ભાગી ન ગયો, હા ભાંગી જરૂર ગયો. તેને એમજ થતું કે તેનાં હાડકાં દુ:ખે છે અને તેને ચાલવામાં તકલીફ થાય છે.
સપના પછી તે એટલી હદે બિલાડી બની ગયો હતો કે બિલાડી મિયાઉં બોલતી તો તે પણ મિયાંઉ બોલી દેતો. તેનાથી બોલી જ જવાતું. સાથમાં 'ઉઇ' પણ થઇ જતું અને કેડે હાથનો ટેકો દેવાઈ જતો.
દાદુભાઈની બીજી રાતના ભારે કફોડી દશા થઈ. તેમની પુંછડીએ કોઈએ ઇંટ બાંધી હતી. ઉપરથી તેમને કોઈક ફટકારતું હતું. તે ભાગે કેવી રીતે. હાઉં કરી તે દયાની ભીખ માગી દેતો પણ સામેનો જીવ દયામાં તો સમજતો જ ન હતો.
હા, દાદુભાઈને પાછું સપનું આવી ગયું હતું. સપનામાં તે જાતેજ કાબરો કૂતરો બની ગયો હતો અને કાબરો હવે દાદુમાં ફેરવાયો હતો.
તેની દશા કફોડી હતી. પૂંછડે ઇંટ, આંખે પાટા અને ઉપરથી લાકડીનો માર.
હાઉ હાઉ.. છોડ ભાઈ છોડ..! પણ દાદુ તેને શેનો છોડે? તેણે તો ઇંટ દૂર ફેંકી સાથે તે પણ દુર ફેંકાઈ ગયો.
સવારે દાદુભાઈની આંખ ઊઘડી ત્યારે તેમની પૂંછડી દુ:ખતી હતી. વાંસા પર લાકડીના સોળ પડી ગયા હતા. આંખ તો ઉઘડતી જ ન હતી. અને તેઓ હાઉ હાઉ કરતા હતા.
તેમની દશા દયા ખાવા જેવી હતી. ન તેમનાથી ઊઠાતું હતું, ન દોડાતું હતું.
એ દિવસ તો ગયો પણ વળી વધુ વેદના થવા લાગી.
દાદુ એકદમ નાનો બની ગયો હતો. ન મળે પાખ ને ન મળે પીંછા. બોલાય પણ ચીં-ચીં જેવું, અને તેય અવાજ બહાર આવે નહીં. ચકલી મા દાણાબાણા લઈ આવે તે ખાવા ચાંચ પહોળી થઈ શકે.
એવામાં દાદુડો આવ્યો. મોટો પહાડ જોઈ લો. તેણે તો તેને ઉપાડી લીધું. ઓ મૂકી દે. પડી જઈશ તો મારા રામ રમી જશે. ચીં-ચીં-મા-મા પણ દાદુ તો તેને હથેલીમાં લઈને ગબડાવતો હતો. ભઈસાબ, નહીં, મરી જઈશ. ઓ..ઓ...! તેની ચકલી મા ઉડા ઉડ કરી મૂકતી.
હા ભાઈ. આજે રાતના દાદુ ચકલીનું બચોડીયું બની ગયો હતો. અને નાનકડી ચકલી દાદુ બની હતી. સવારે આંખ ખૂલી તે વખતે તો મોઢામાંથી ચું કે ચા નીકળે નહીં. ચું કરવા જાય તો પણ ચીં નીકળે અને ચાં કરવા જતાં પણ ચીં નીકળે. તે પણ હવા નીકળી જતી હોય તેવી જ રીતે. પછી તો દાદુ ડરી જ ગયો. હવે સપના તેની પાછળ પડી ગયા હતા. તે દિવસ તો બીકમાં અને ગભરાટમાં પસાર કરતો પણ રાતના ઊંઘવાનું નામ લેતો નહીં. ઊંઘમાં પડતો કે સપનામાં ખેંચાઈ જતો. અને સપનામાં બધું ઊલટા સુલટું થઈ જતું.
પણ ઊંઘ વગર કોઈ કેટલું રહી શકે?
પછી રાતે સપનામાં દાદુ દાદી બની ગયો. ઘરડો દેહ, ચામડી કરચલીવાળી. મોઢામાં દાંત નહીં. શરીરના હાડકાં દુ:ખે. ચલાય નહીં અને ઉઠાય નહીં. દેખાય નહીં અને સંભળાય નહીં.
પણ આ કોણ?
અરે આ તો દાદી દાદુ બની ગયા લાગે છે: ચલ જા મૂઆ આઘો રહે. અહીં તારૂં કંઈ કામ નથી.
અરે! શું લઈ ગયો? મારી પોથી? મારા ભગવાન? એલા લાવે છે કે નહીં? આ મારી લાકડી કોણ લઈ ગયું. એજ લઈ ગયો કે? ઉભો રહે તને સીધો કરું છું.
પણ તેની તો આંખ ન હતી. અને આ પગથિયા કોણ ઉપાડી ગયું. ચુકાયા પગથિયા. એક બે...ઓ..!
ઘરડું શરીર પડતાં જ ઢગલો થઈ ગયું. ઘરડાં હાડકાં, પીડાનો પાર નહીં. સામે પેલો દાદુ મજાક કરતો હતો. એલા મારી લાકડી તો લાવ.
સવારે દાદુની આંખ ખૂલી તો ઘુંટણ વળતાં ન હતાં. ઘરડાં ઘુંટણ કંઈ વળે કે? કહોણી છોલાઈ હતી. લાકડી વગર બેઠા હાડકાંની ઘરડી વેદના! ઓય બાપ.. ઓ ભગવાન!
એ રીતે સપના તો પાછળ પડી ગયા. તે જેમ દૂર ભાગતો તેમ સપના તેનો પીછો કરતાં.
આગળ ઉપર સપનામાં તે આંધળો ભિખારી બની ગયો. કોઈક તેને ખાડામાં ધકેલી ગયું. તેની તકલીફો બિચારો તે જ જાણતો હતો.
એક રાતના તે ઝાડ પર ચઢી ગયો. રૂપા મોટી બની ગઈ હતી, તે નાનો. રૂપાએ તેને ઉપર ચઢાવ્યો. ઝાડને જોર જોરથી હલાવી દીધું. ધબાક કરતો તે નીચે પડી ગયો. તેના હાડકાંની તો જાણે કચુંબર થઈ ગઈ.
અને આ કોણ છે? અરે! આ તો ઝાડ છે. પણ ઝાડ માણસ બની ગયું હતું. તેની ડાળીઓ તેના હાથ બની ગયા હતા. એ બધા હાથમાં છરી હતી, કાતરો હતી.
છરી અને કાતરો વડે ઝાડે હુમલો શરૂ કરી દીધો. તેના દેહમાં અણીદાર છરી ભોંકાવા લાગી. તેના શરીરમાં કાતર ખૂંપી જવા લાગી. ઓ બચાવો! ઝાડના દેહમાંથી જેમ રસ નીકળતો હતો તેમ તેના દેહમાંથી લોહી નીકળતું થઈ ગયું. અને આંસુ? વાત ન પૂછો. આંસુ તથા લોહી ભેગા થઈ જતાં હતાં. ખળખળ વહેતાં હતા. કેવું સપનું?
અને કાંતર કંઈ ચાલી ગઈ નહીં. તે તો મોટી બની ગઈ તે નાનો બની ગયો. તે હવે પતંગિયું બનેલો હતો.
માણસ બનીને પતંગિયું તેને પકડતું હતું. પતંગિયાને માણસે દોરી બાંધી.
પાંખોનો ફડફડાટ છુટવા માટેનો તરફડાટ.
અને લો, માણસે કાતર ચલાવી. તેની પાંખ કપાઈ ગઈ. સહેજ કપાઈ પણ ઉડવાનું બંધ થઈ ગયું. જિંદગી અપંગ બની ગઈ. અને પીડા તો એવી થતી હતી કે સહેવાય નહીં, કહેવાય નહીં. રહેવાય નહીં.
આ પીડાનો ઉપાય શો હતો? આ તો બધી સપનાઓની પીડા હતી. તે સપનાઓથી કેવી રીતે દૂર ભાગે?
તેણે ઘરડા દાદાજીને વાત કરી, દાદાજી માંદા હતા. પથારીમાં પડીને ભગવાનને યાદ કરતા હતા. તેઓ કહે: 'બેટા આપણે જેવાં કામ કરીએ તેવાં સપના આપણને આવે છે. આપણાં પાપને આપણે થાપ આપી શક્તા નથી. આપણાં ગુનાની સજા આપણને મળીને જ રહે છે. સપનાનું એવું છે કે સારા કામ કરે છે તેને સારા સપના આવે છે, ખોટા કામ કરે છે તેને ખરાબ સપના આવે છે. જાગતામાં તમે બીજાને પીડો એટલે સપનામાં તમને પીડા જ મળવાની.'
દાદુએ દાદાજીને વિનંતી કરી: 'પણ હવે હું સપનાઓથી કેવી રીતે બચું?'
દાદાજી કહે: 'સહેલી વાત છે. જનું ભૂંડું થયું હોય તેનું ભલું કર. તેની સેવા કર. જીવ જંતુ પર દયા કરવી માનવનો ધરમ છે. અપંગ અને ઘરડાંને મદદ કરવી જોઈએ. ઝાડમાં જીવ છે દાદુ! ઝાડ જીવે છે તો જ આપણને ફળફૂલ આપે છે. આપણને અનાજ શાકભાજી બધું નાના મોટા ઝાડ છોડ વેલાઓ આપે છે. પતંગિયું પોતાની પાંખથી ઊડે છે. એની પાંખ કાપી એને ઉડતું બંધ કરવું એ તો પાપ છે. બિલાડી, કૂતરા, ચકલી વગેરે માણસના સાથીદારો છે. તેમની સાથે રમો તો આનંદ મળે,તેમને પજવો તો પીડા મળે.'
દાદાજીએ એક કવિતા ગાઈ બતાવી. તેઓ કહે: 'પથરો ફેકતાં ફેંકી દેવાય છે. પણ તેની વેદના ફેંકનાર કદી ભૂલી શકતા નથી. આપણા અમર કવિ કલાપીએ ગાયું છે તેમ:'
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો
છૂટયો તેને અરરર! પડી ફાળ હૈયા મહીં તો
દાદાજી કહેતા હતા: 'પશુ પંખી તો આપણાં સાથીઓ છે. કુદરતે આપણને સોંપેલા બંધુઓ છે. તેમના મીઠાં ગીતથી આપણું જીવન સંગીતમય બને છે. કૂતરો રાતના આપણી ચોકી કરે છે. બિલાડી અનાજ ખાઈ જતા ઊંદરો દૂર કરે છે. ઝાડનાં લાડ તો એના રાજ છે. એ તો ફળ ફલ પાંદડાં રેસા છાંયો લાકડાં બધું જ આપે છે. કુદરતે પેદા કરેલી દરેક ચીજનો કોઈક ઉપયોગ છે. માણસે તેનો સાર શોધી તેની સાથે કામ લેવું જોઈએ.'
દાદુની સાન ઠેકાણે આવી. તેને ભાન થયું. તેને ખબર પડી ગઈ કે જે બીજાને પીડે છે, તેના સપનાઓ તેને પીડે છે. તેણે પીડાઓ ઊંચી મૂકી, પરોપરકાર શરૂ કરી દીધો.
હવે તે બિલાડીને રમાડે છે, કૂતરાને પંપાળે છે અને તેને રમતાં શીખવે છે. ચકલીને તે માળો ગોઠવી આપે છે. ઝાડને પાણી પાય છે. પતંગિયાને ઉડવા દે છે. અપંગને આશરો આપે છે. દાદીને તે દોરીને લઈ જાય છે. માંદા દાદાની સેવા ચાકરી કરે છે.
દાદુ ભલો થયો. તેની ભલાઈથી બધા ખુશ થયા. ભલા અને દયાળુ છોકરાં સહુને ગમે છે. દાદુ સહુને ગમે છે.
અને હવે તો દાદુને સપનાઓ પણ ગમે છે, કેમકે હવે તેને મીઠાં મજાનાં સપનાં આવે છે. એ સપનામાં આનંદ વિનોદ ખાણીપીણી અને મોજમજા હોય છે. ઊંઘમાય હવે તો તે હસતો હોય છે. જે ભલા હોય તેના સપનાય ભલા જ હોય! જે દિવસના ખુશ રહેતા હોય તે સપનામાંય ખુશ જ રહેતા હોય!
તેને કદી સપના ડરાવતાં નથી. તેને તો જાગતા ઊંઘતામાં બસ આનંદ જ આનંદ હોય છે. વારતા વાંચી? આ વારતમાં કેટલા જોડિયા અક્ષરો છે, શોધી કાઢો જોઈએ! ય