શિવ, પાર્વતી અને ઘુવડનું સપનું! .
- હરીશ નાયક
ન દીને કિનારે વૃક્ષ. વૃક્ષ પર એક ઘુવડ રહે. ઘુવડને દિવસે દેખાય નહીં. એક દિવસ દિવસના સમયે જોરદાર આંધી આવી. વૃક્ષ ઊખડી પડયું. નદીમાં વૃક્ષ તણાવા લાગ્યું. સાથે ઘુવડ પણ ખેંચાતું હતું.
એટલામાં એક હાથીની નજર પડી. હાથી વૃક્ષને કિનારે લઈ આવ્યો. ઘુવડના પ્રાણ બચી ગયા.
ઘુવડ અને હાથી ત્યારથી મિત્ર બની ગયા.
એક દિવસ બન્યું એવું કે પાર્વતીજીના વાઘને સપનું આવ્યું. તે તો શિવજી પાસે ગયો. કહેવા લાગ્યો: 'ભગવાન! મને સપનું આવ્યું છે. સપનામાં મને આખો હાથી ખાવા મળ્યો. એનો શો અર્થ?'
શિવજી તો ભોળા. શંભુ કહે : 'હાથી ખાવા મળ્યો છે તો ખાઈ જા. સપનું છે તે સાચું બની જશે.'
વાઘ તો હાથી પાસે આવીને કહેવા લાગ્યો : 'મને ભગવાન શિવે તને ખાવા કહ્યું છે, તને ખાઈ જઈશ. તારે છેલ્લી પ્રાર્થના કરવી હોય તો કરી લે.'
હાથીએ પ્રાર્થના કરી, પણ તે ઘુવડને. ઘુવડ વાઘને કહે : 'ભાઈ, તું એને જરૂર ખાજે. પણ હું જરા શિવ-શંકરને મળી આવું. ભગવાન પાસે ખાત્રી કરી આવું. એટલી વાર થોભી જા.'
વાઘને ક્યાં વાંધો હતો? બીજી બાજુ ઘુવડ તો ભોળા શંભુ પાસે ગયું. કહેવા લાગ્યું : 'ભગવાન! કાલે રાતના એક ભયંકર સપનું આવ્યું છે. એ સપનાથી હું ગભરાઈ રહ્યો છું. મને એમ થાય છે કે એવું સપનું કેમ આવ્યું હશે?'
ભોળા શંભુ કહે : 'શું હતું એ સપનું?'
ઘુવડ કહે : 'સપનામાં મને દેખાયું કે મારાં લગ્ન પાર્વતી સાથે થઈ રહ્યાં છે.'
ઘુવડની આ વાત સાંભળી શિવજી છેડાઈ પડયા. ઘુવડે બેવડી યુક્તિ અજમાવી હતી. એક તો સપનાં સામે સપનું લડાવ્યું હતું, ઉપરથી શિવજીને જ ઘુવડ કહી દીધા હતા.
શિવજી કહે : 'જા જા ગાંડા, સપનાં તે કંઈ સાચાં હોતાં હશે? જા જઈને તારૂં કામ કર.'
તરત ઘુવડ કહે : 'સપનાં સાચાં ન હોય તો પછી તમે વાઘને શા માટે હાથીને ખાઈ જવાનું કહ્યું?'
શિવજીને ભૂલ સમજાઈ. ભોળા ભગવાન ભોળપણમાં ફસાઈ ગયા હતા.
તેમણે વાઘને પાછો બોલાવી લીધો.
હાથીના પ્રાણ બચી ગયા.
હાથીએ ઘુવડનો આભાર માન્યો, ત્યારે ઘુવડ કહે: 'એમાં શું? એક વાર તેં મારો જીવ બચાવ્યો હતો તો એક વાર મેં તારો જીવ બચાવ્યો. એ તો અરસપરસની વાત છે.'
ઘુવડને બુદ્ધિમાં પક્ષીઓનો રાજા માનવામાં આવ્યો છે. એ કેટલી સાચી વાત છે, નહીં?