ડૂડૂનો દાંત .
- કિરીટ ગોસ્વામી
એક હતી ખિસકોલી. એનું નામ ડૂડૂ. એનો આગળનો એક દાંત થોડો લાંબો! આથી બધાંય ફ્રેન્ડ તેને ખીજવે -
'ડૂડૂ લાંબા દાંતવાળી! ડૂડૂ લાંબા દાંતવાળી!'
આ સાંભળીને ડૂડૂને ખૂબ દુઃખ થાય. લાગી આવે. ને એ તો રડવા જેવી પણ થઈ જાય! પણ આ લાંબા દાંતનું શું કરવું?
ડૂડૂ ઘણીવાર એમ વિચારે- 'આ લાંબો દાંત પડી જાય તો કેવું સારું!' ...પણ ડૂડૂનો દાંત એમ પડે નહીં! ને એની પરેશાની ઓછી થાય નહીં. બધાં એને ખીજવતાં રહે પણ ડૂડૂ તો કંઇ બોલી ન શકે.
ઘણાય મિત્રોને તેણે આ વાત કહી તો બધાંએ તેને જાતજાતની સલાહ આપી.
વનુ વાંદરાએ કહ્યું- 'ડૂડૂ, તું આ દાંત પડાવી નાખ!'
કલ્લુ કાચીંડો કહે- ' તારે ઘરની બહાર જ ન નીકળાય! એટલે કોઇ તને જુએ નહીં તને ખીજવે નહીં.'
શીનુ સસલીએ કહ્યું- 'થોડોક દાંત તું કપાવી નાખ. તો બરાબર થઈ જાય.'
...પણ આમાંથી એકેય સલાહ ડૂડૂને ન તો યોગ્ય લાગી કે ના અમલમાં મૂકવા જેવી લાગી.
એ તો આ સમસ્યાનો કોઇ સારો ઉપાય મળે એની રાહ જોવા લાગી. એવામાં એક દિવસ તેની ફ્રેન્ડ કાબર ડૂડૂને મળવા આવી. કાબરે તેને પૂછયું- 'ડૂડૂ, હમણાંથી તું મારા ઘર બાજુ રમવા કેમ નથી આવતી?'
ડૂડૂએ જવાબમાં કાબરને પોતાની સમસ્યા વિશે વાત કરી- 'આ જોને! મારો લાંબો દાંત જોઇને બધાય મને ખીજવે છે. તેથી રમવા જવાનું મન જ નથી થતું.'
આ સાંભળીને કાબર બોલી - ' તો તારે દાંત લાંબો છે એ વાતનું દુઃખ છે, એમને?'
ડૂડૂએ કહ્યું- ' હા,યાર. કોઇ સારો ઉપાય જણાવને! જેથી મારો દાંત કોઇને લાંબો પણ ન લાગે ને એને મારે કપાવવો કે પડાવવો પણ ન પડે.'
'હમ્મ્...' કાબર વિચારવા લાગી. થોડીક વાર પછી એ બોલી- 'એેક સરસ ઉપાય છે!'
'હા, તો બોલ ને!' ડૂડૂએ કહ્યું.
કાબર કહે- ' હું એક સારા ડાક્ટરને ઓળખું છું. ડાકટર ચૂંચૂં! એ તારા લાંબા દાંતનો કોઇ સરસ ઉપાય કરી આપશે. ચાલો આપણે તેની પાસે જઈએ.'
'હા,ઠીક છે... ચાલો!' ડૂડૂએ કહ્યું.
કાબર ડૂડૂને ડાકટર ચૂંચૂં પાસે લઈ ગઈ. ડૂડૂએ ડાક્ટરને પોતાની સમસ્યા જણાવી- 'આ લાંબા દાંતને લીધે બધાંય મને ખીજવે છે. હું દોસ્તો સાથે રમવા જઇ શકતી નથી. સ્કૂલે જાઉં તો પણ બધાંય મારી મજાક કરે છે. મારા આ લાંબા દાંતની સમસ્યાનો કોઇ એવો ઉપાય કરી આપશો કે જેથી મને દુઃખે પણ નહીં અને કોઇ મને ખીજવે પણ નહીં!'
ડૂડૂની સમસ્યા સાંભળીને ડાકટર ચૂંચૂં વિચારમાં પડી ગયા! થોડીવાર વિચારીને તેઓ બોલ્યા- 'હા, એક ઉપાય છે, ડૂડૂ, જેનાથો તારા આ લાંબા દાંતની સમસ્યામાંથી સહેલાઇથી છૂટકારો મળી શકે તેમ છે.'
'કયો ઉપાય? જલદી બોલોને ડાકટર!' ડૂડૂએ પૂછયું.
ડાકટર ચૂંચૂંએ કહ્યું- 'આપણે તારા લાંબા દાંતને સોને મઢી દઇએ! જેથી બધાંયને એ સુંદર લાગશે અને તારે દાંત કપાવવો કે પડાવવો પણ નહીં પડે! ને પછી તને ખીજવશે પણ નહીં!'
'ખરેખર?' ડૂડૂએ થોડી નવાઇ અને થોડા રાજીપા સાથે પૂછયું.
'હા, હા ડૂડૂ! ખરેખર!' ડાકટર ચૂંચૂંએ કહ્યું.
પછી ડાક્ટર ચૂંચૂંએ ડૂડૂનો દાંત સોનાથી મઢી આપ્યો. ડાક્ટરને તેણે 'થેન્ક યુ' કહ્યું. એ કાબરની બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ.
દાંત તો ખૂબ સુંદર લાગવા માંડયો! હવે તે બહાર રમવા જાય કે સ્કૂલે જાય તો કોઇ તેને ખીજવે નહીં. કોઇ તેની મસ્તી કરે નહીં. હવે તો બધાય તેના સોનેરી દાંતના વખાણ કરવા લાગ્યા-
'સોનેરી દાંતવાળી,
ડૂડૂ લાગે રૂપાળી!'