સમજદાર ભેંશ .

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
સમજદાર ભેંશ                                     . 1 - image


- ભગાને તરતા આવડે. પણ જગાને ન આવડે. જગો પાણીથી પણ ખૂબ બીએ. ભગાએ કહ્યું, 'જગા, મને તરતા આવડે છે. તું શું કરીશ?'

- દીપ્તિ પી. રાવલ

એ ક હતો જગો ને એક હતો ભગો. બંને પાક્કા દોસ્તાર. બંને જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જ હોય. આખા ગામને ખબર કે આ એવી જોડી છે કે બંને સાથે જ હોય છે. સવારે બંને મળે. પછી જમવા ટાઈમે જ છૂટા પડે.

જગાએ સરસ મજાની ભેંશ રાખી હતી. એટલે એ સીમમાં ભેંશ ચરાવવા જાય. ભગો પણ તેની સાથે સાથે જાય.

ચોમાસાની ઋતુ હતી. વરસાદ ખૂબ પડયો હતો. ચારે તરફ લીલું લીલું ઘાસ ઊગી ગયું હતું. જગો ને ભગો ભેશને લઈને નદીની સામે પાર ચરાવવા લઈ જતા, કારણ કે ત્યાં ખૂબ ઘાસ હતું. જગાની બા રોજ બંને માટે રોટલા શાકનું ભાથું બાંધી દેતા. બપોર થાય ત્યારે બંને ખાઈ લેતા.

એક દિવસ એવું થયું કે જગો અને ભગો ભેંશને લઈને નદી પાર દૂર નીકળી ગયા. ચોમાસાનો સમય હતો જ. અચાનક વાદળો ઘેરાયાં. ગાજવીજ થવા લાગી. વરસાદ તૂટી પડયો. ઉપરવાસમાં તો ખૂબ વરસાદ પડયો. નદીમાં પૂર આવ્યું. જગો, ભગો ને ભેંશ સામે કાંઠે રહી ગયાં.

ભગાને તરતા આવડે. પણ જગાને ન આવડે. જગો પાણીથી પણ ખૂબ બીએ.

ભગાએ કહ્યું, 'જગા, મને તરતા આવડે છે. તું શું કરીશ ?' જગો ચિંતામાં પડી ગયો, કારણ કે સાંજ પડવા આવી હતી. પૂર વધવામાં હતું. ઘેર કેમ કરીને જવું ?  ભેંશ પણ ઘડીક પાણી જોઈને ઉભી રહી ગઈ. ભગો બોલ્યો, 'જગા, હું તરીને સામે નીકળી જાઉં?'

'તો હું શું કરીશ ભગલા ? મારી મા રાહ જોતી હશે, ચિંતા કરતી હશે.'

ત્યાં ભેંશ તેની પાસે આવીને ઊભી રહી ગઈ. જગાની સામે આવીને માથું હલાવવા લાગી.

ભગો સમજી ગયો. એ બોલ્યો, 'જગલા, તું ભેંશ માથે બેસી જા. ભેંશને તરતા આવડે જ.'

'એમ ?'

વરસાદ ચાલુ હતો. જગો ભેંશ માથે બેસી ગયો. ભગો આગળ આવીને નદીના પૂરમાં પડયો. ભેંશ પણ જગાને માથે બેસાડીને પૂરમાં પડી.

આમ ત્રણે જણા પૂરની બહાર સામે કાંઠે નીકળી ગયા. 

કેવી સમજદાર ભેંશ! 


Google NewsGoogle News