Get The App

ફરજ નિષ્ઠા .

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
ફરજ નિષ્ઠા                                                     . 1 - image


- ચોકિયાત દોડતો આવ્યો અને મુકેશને કહ્યું, 'ભાઈ, તારા બળદને પગમાં કંઈક વાગ્યું લાગે છે, જો આ રસ્તા ઉપર લોહીની ધાર થઈ છે.'

ભૂપેન્દ્ર ત્રિવેદી 'સ્વયંભૂ'

રામપર ગામે મનજીભાઈ નાના ખાતેદાર ખેડુત હતા. વીસ વીઘા જમીનમાં બાજરી, મકાઈની સાથોસાથ મોસમ મુજબના શાકભાજી તેમજ ઢોર માટે રજકો ઉગાડતા હતા. બે દીકરા પૈકી મોટો દીકરો અજય ગામમાં અનાજ-કરિયાણા અને અન્ય ઘર વપરાશની વસ્તુઓની દુકાન સંભાળતો હતો, જ્યારે નાનો દીકરો મુકેશ ખેતીકામમાં મદદ કરાવતો હતો. દુઝાણામાં બે ભેંશ અને એક ગાય હતા. ઘર પૂરતું દૂધ રાખી, બાકીનું દૂધ ગામની દૂધ મંડળીમાં રોજ સવારે જમા કરાવી દેવાતું હતું. સાતવર્ષ અગાઉ ગાયે બબ્બે વર્ષના ગાળામાં બે વાછડાને જન્મ આપેલો. બન્ને તંદુરસ્ત અને હૃષ્ટપૃષ્ટ હતાં તેથી મનજીભાઈએ તે બન્ને વાછડા પુખ્ત ઉંમરના થતાં, તેમને બળદ તરીકે પલોટી, નાકમાં સુતરની દોરીની નથ પહેરાવી, ધૂંસરી સાથે ગાડે જોતર્યા હતા. બન્ને જાતવંત અબોલ પ્રાણી હતા. મનજીભાઈ માટે ઘણા ઉપયોગી સાબિત થયા હતા. મનજીભાઈ બન્ને બળદો સહિત પાળેલા દુઝાણા ઢોરની વ્યવસ્થિત સાર-સંભાળ રાખતા હતા. રજકો, મકાઈ, સૂકું ઘાસ, ખોળ અને ગોળ વગેરે ખોરાક ખવડાવતા. શિયાળા તથા ચોમાસામાં દરેક પશુની વિશેષ સંભાળ રાખતા. 

ખેતરમાં મોસમ પ્રમાણે ઉગતાં શાકભાજીનેમુકેશ ખેતરના કામે રાખેલા સાથીની મદદ લઈ, દરરોજ સાંજે ઉતારી, કંતાનના કોથળામાં ભરી, ગાડામાં ઘરે લાવતો અને સવારમાં વહેલો ઊઠી, સ્નાનાદિ કર્મ અને શિરામણ કરી, ગામથી પંદરેક કિલોમીટર દૂર આવેલા શહેરના કૃષિ બજારમાં વેચવા જતો. કૃષિ બજારમાં આજુબાજુના ગામડાઓના અનેક  ખેડૂ તો ગાડામાં કે ટ્રેક્ટરમાં શાકભાજી ભરી, વેચવા આવતા. જથ્થાબંધ બજારમાં દસ વાગ્યા સુધીમાં દરેક ખેડૂતનો માલ વેંચાઈ જતો અને રોકડી રકમ મળી જતાં બધા ખુશ રહેતા. જોકે કૃષિ બજારનો એક કડક નિયમ હતો કે કોઈ પણ ખેડૂતને સવારના આઠ વાગ્યા સુધી જ અંદર પ્રવેશ મળતો હતો. ત્યાર બાદ રૂપિયા પાંચસોના દંડ સાથે જ પ્રવેશ કરી શકાતો. આથી દરેક ખેડૂત દંડથી બચવા સમયસર આવી જતા. મુકેશ પણ દરરોજ પોણા આઠ પહેલા આવી જતો હતો. દસ વાગ્યા બાદ તે શહેરમાં જઈ, દુકાન માટે જરૂરિયાત મુજબના અનાજ-કરિયાણું તેમજ અન્ય વસ્તુઓ ખરીદી, ગાડામાં મૂકી, બપોરે બાર વાગ્યા સુધીમાં ઘર પરત આવી જતો. 

 ગઈ કાલ રાત્રે ગામના ચોરામાં સંતવાણીનો કાર્યક્રમ હતો. મોડી રાત સુધી ભજનિકોના ઘેઘૂર અને મીઠા અવાજે ગવાતાં ભજનો સાંભળી ઘરે આવેલો તેથી સવારમાં ઊઠવામાં થોડું મોડું થયું. તેમ છતાં ઝટપટ તૈયાર થઈ, ગાડું લઈ નીકળ્યો. સમયસર કૃષિ બજારમાં પહોંચી જવાનો આશય હતો. દશેક કિલોમીટર પસાર થઈ ગયા. સાડા સાત વાગ્યા હતા. દંડથી બચવા આઠ વાગ્યા પહેલાં પહોંચવાનું હતું. એક હાથમાં રાશ અને એક હાથમાં લાકડી રાખી બળદોને બચકારા બોલાવતો ગાડાને ચલાવતો હતો. થોડીવારે તેણે જોયું કે ડાબી બાજુનો બળદ ધીમે ચાલે છે, તેણે તેની પીઠ લાકડી ઉપર ફટકારી. તેથી થોડું ઝડપે ચાલ્યો પણ ફરી ધીમો પડેલ જોઈ ફરી લાકડી ફટકારી. હવે તો દસ મિનિટ જ બાકી હતી, પ્રવેશ બંધ થશે તો દંડ ભરવો પડશે, એ ભયે બન્ને બળદને લાકડી ફટકારી, દોડાવ્યા. અંતે આઠમાં પાંચ મિનિટ અગાઉ પ્રવેશ થઈ ગયો. આગળ ગાડાંની લાઈન હતી તેથી ગાડા ઉપરથી નીચે ઉતર્યો. દરવાજે રહેલો ચોકિયાત દોડતો આવ્યો અને મુકેશને કહ્યું, 'ભાઈ, તારા બળદને પગમાં કંઈક વાગ્યું લાગે છે, જો આ રસ્તા ઉપર લોહીની ધાર થઈ છે.'

  મુકેશે બન્ને બળદને ગાડાથી છૂટા કર્યા. જોયું તો ડાબી બાજુના બળદના પગેથી લોહી વહેતું હતું. તેણે આગલો એક પગ ઊંચો રાખ્યો હતો અને પીડાથી કણસતો હતો. તેને બચકારી, માથે હાથ ફેરવી નીચે સૂવડાવ્યો. ત્યાર બાદ તાત્કાલિક તે કૃષિબજારમાં આવેલ પશુદવાખાને દોડયો. બે હાથ જોડીપશુ ચિકિત્સકને વાત કરી અને બળદને તપાસવા ત્યાં આવવા વિનંતિ કરી. દાક્તર જરૂરી દવા અને  કમ્પાઉન્ડરને સાથે રાખી બળદની પાસે આવ્યા. તેણે બળદનો દુખતો પગ બરાબર તપાસી, બળદને એનેસ્થેસિયાનો જરૂરી માત્રામાં ડોઝ આપ્યો. થોડીવારેતેની અસરે ચેતનાતંતુઓ નિષ્ક્રિય થતાં, બળદ બેશુદ્ધ થઈ ગયો. કમ્પાઉન્ડરે ચિપીયાથી પગમાં ઊંડે સુધી ખૂંપેલ કાચને બહાર ખેંચી કાઢયો. લોહીનો ફૂવારો ઉડયો. કોટનથી ઘા સાફ કરી, ત્યાં એન્ટીસેપ્ટિક મલમ અને કોટન લગાડી, પાટો બાંધ્યો. દાક્તરે પ્રવાહી દવા બળદને મોં મા રેડી. દાક્તરે મુકેશને બળદ પાસે થોડા દિવસ ભાર વહન ન કરાવવા અને આરામ કરવા દેવાની સલાહ આપી. જરૂરી દવા આપી તેઓ દવાખાને પરત ગયા. 

 વાત એમ બની હતી કે રસ્તામાં કોઈ વાહનને એક્સિડન્ટ થતાં, અહીં-તહીં કાચ વેરાયેલા હતા. એમાંનો એક અણીદાર કાચ બળદના આગલા પગે ખૂંચી ગયેલો. તેમાં વળી, સમયસર પહોંચવાની લાહ્યમાં મુકેશ એને લાકડીઓ ફટકારતો હતો પરિણામે અસહ્ય પીડા થતી હોવા છતાં બળદે પોતાની માલિક પ્રત્યેની ફરજ નિા સમજી દુખતા પગે પણ ઝડપથી ચાલીને ગાડાને આઠ વાગ્યા પહેલાં કૃષિ બજારમાં પ્રવેશ કરાવી દીધો હતો. આજે કપરા સમયે અબોલ પ્રાણીની નિમકહલાલી નિહાળી, મુકેશની આંખો ભરાઈ આવી. તે ક્યાંય સુધી બળદના માથે અને પીઠે સ્નેહભર્યો હાથ પ્રસારતો રહ્યો.


Google NewsGoogle News