દેરું અને દીકરો .
- વિમળશા ગડમથલમાં પડયા. શું માગવું? મંદિર કે પુત્ર? કંઈ નક્કી કરી શક્યા નહીં. ખળભળીને જાગી ઊઠયા તો માતા અદ્રશ્ય થઈ ગયાં. તેમણે તો વાત પોતાની સ્ત્રીને કરી.
રાજા વિમળશા.
આબુના મોટા શાહ છે. દોમ દોમ સાહ્યબી છે ધનભંડારનો પાર નથી. કીર્તિના કળશ ચારે દિશામાં ઝળહળે છે. પાણી માગતાં દૂધ મળે એવી રિદ્ધિ છે.
એવા વિમળશીને જૈન સાધુઓની મંડળી મળી. સાધુ-સંતો કહે છે: 'મંદિરો બંધાવો. મંદિરોથી વધી જાય તેવું પુણ્ય બીજું નથી. એવી કીર્તિ પણ બીજી નથી.'
વિમળશાના મનમાં પુત્રની ઝંખના છે. મંદિરની વાત તેઓ પછી વિચારે છે. સંતોએ તેને સલાહ આપી: 'મંદિર બનાવો. પુત્રની ઈચ્છા પ્રભુ જરૂર પૂરી કરશે.' વિમળશા મંદિરનું આયોજન કરે છે પણ પુત્રની ઈચ્છા વધુ બળવાન છે. તેઓ પૂરા ભક્તિભાવવાળા છે. અંબાજી માતાની નિયમિત સ્તુતિ કરે છે. એક દિવસ અંબે માએ સ્વપ્નમાં દર્શન દીધાં કહ્યું: 'જે ઈચ્છા હોય તે માગી લે.' વિમળશાએ સ્વપ્નમાં જ માગ્યું: 'આબુ ઉપર મંદિરો અને પુત્ર.'
માતાજીએ ચોખ્ખું કહ્યું: 'બે વરદાન નહીં મળે. એક જ માગ.'
વિમળશા ગડમથલમાં પડયા. શું માગવું? મંદિર કે પુત્ર? કંઈ નક્કી કરી શક્યા નહીં. ખળભળીને જાગી ઊઠયા તો માતા અદ્રશ્ય થઈ ગયાં. તેમણે તો વાત પોતાની સ્ત્રીને કરી.
સ્ત્રીએ જે વાત ઉચ્ચારી એ સાંભળી તેઓ આભા જ બની ગયા.
સ્ત્રી કહે છે: 'મંદિરો જ બનાવો. પુત્ર કે મંદિર બેમાંથી એક વસ્તુ મળતી હોય તે મંદિર બહેતર છે. પુત્ર તો કેવોય નીવડે અને પુત્રનું તો ગમે ત્યારે મૃત્યુ થશે જ્યારે મંદિરો તો સદાકાળ સુધી સહુને પ્રેરણા આપ્યા કરશે. મંદિરમાં પ્રભુ વિરાજશે અને એ જ આપણો પુત્ર બની રહેશે.'
વિમળશાને પુત્રની લાલસા વધુ હતી પણ ઘડપણના પુત્ર કરતાં ઘડપણનું મંદિર તેમણે વધુ યોગ્ય લાગ્યું. પત્નીની વાત શાણી, સાચી અને સમજવાળી હતી.
તેઓ ફરીથી માતાજીના સ્વપ્નની રાહ જોવા લાગ્યા. માતાજીએ સ્વપ્નમાં દેખા દીધી જ. તરત જ વિમળશાએ માગી લીધું: 'મને મંદિરો બાંધવાની અનુકૂળતા કરી આપો.'
કહે છે કે પછી વિમળશાને એટલી કુદરતી સગવડ મળતી રહી કે એક પછી એક મંદિરો બંધાતાં જ ગયાં.
પુત્ર જેટલી કીર્તિગાથા ન ફેલાવે એટલી ખ્યાતિ આજે વિમળશાનાં દેરાંઓ ફેલાવી રહ્યાં છે. સેંકડો વર્ષોમાં પુત્રો તો જન્મીને મરી પણ જાત જ્યારે આબુનાં મંદિરો તો આજેય અડીખમ ઊભાં છે અને પ્રવાસી તથા પ્રાર્થીઓની સેવા કરી રહ્યાં છે.
ખરેખર, મંદિર એ ચડિયાતો પુત્ર છે. વિમળશાની વનિતાની એ વાત કેટલી સાચી અને સુઝવાળી હતી!