Get The App

ભાવતું ભોજન .

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
ભાવતું ભોજન                                                 . 1 - image


- વાહ વાહ... સુંદર સપનુ!ં જીવતે જીવ તેં રામચંદ્રના દર્શન કરી લીધાં. ભાગ્યશાળી કહેવાય. ચાલ હરસુખ, હવે તારા સપનાની વાત કર.'

એ ક ગામ હતું. એ ગામમાં ત્રણ મિત્રો રહે. ત્રણેય પાક્કા ભાઈબંધ. એકબીજા વગર ઘડીયે ન ચાલે એવી મિત્રતા. એક વખત ત્રણેય મિત્રોએ ગામથી દશેક કિલોમીટર અવાવરૂ જગ્યાએ આવેલા શંકર ભગવાનના મંદિરે ફરવા જવાનું નક્કી કર્યું. ઘરેથી જમવાનો સામાન સાથે લીધો. દૂધપાક, પૂરી ને શાક બનાવવાનું નક્કી કર્યું. ત્રણેયને દૂધપાક બહુ ભાવે એટલે દૂધ વધારે લીધું! મંદિરે દર્શન કરી, આસપાસની હરિયાળીમાં ચક્કર લગાવી ત્રણે મિત્રો રસાઈ બનાવવા બેઠા. થોડી વારમાં રસોઈ થઇ ગઈ. જાયફળ અને એલચી મિશ્રિત મસાલાથી દૂધપાક મહંેકી ઉઠયો. દૂધપાક ઘણો થઈ ગયો હતો. કોઈને ઓછોવતો પાલવે નહીં. ક્યાંક મનદુ:ખ થાય તો ? એટલે નક્કી કર્યું કે બધા સુઈ જઈએ જેને સારું સપનું આવે એ વધારાનો દૂધપાક પી જાય. 

ત્રણેય  સુઈ ગયા. કલાકેક પછી બધાની ઊંધ ઉડી.  ધનસુખે કહ્યું, 'ચાલ, મનસુખ! તું તારા સપનાની વાત કર.' મનસુખે કહ્યું, 'ભાઈ! મને આડે પડખે પડયા ભેગી નીંદર આવી ને સપનામાં રામ દરબાર જોયો. અહાહા! શું સુંદર દરબાર હતો! સુંદર મજાના સિહાસન પર રામ-લક્ષ્મણ-જાનકી બિરાજમાન હતાં. હું તો તેમના પગમાં પડી ગયો. રામચંદ્રજીએ પૂછ્યું, હે વત્સ! તું ક્યાથી આવે છે? મેં કહ્યું, ભગવાન! હું પૃથ્વી ઉપરથી આવું છું. રામ કહે, સારું સારું, બેટા! રસોડે જઈને ભોજન લઈ લે. ભૂખ્યો હોઈશ. મને ભાતભાતનું ભોજન પીરસવામાં આવ્યું. મને ભોજનનું ઘેન ચડયું ને નીંદર આવી ગઈ. હમણાં જ ઉઠયો.' 

'વાહ વાહ... સુંદર સપનુ! જીવતે જીવ તેં રામચંદ્રના દર્શન કરી લીધાં. ભાગ્યશાળી કહેવાય. ચાલ હરસુખ, હવે તારા સપનાની વાત કર.' 

હરસુખે કહ્યું, 'મને પણ સુતા ભેગી ઊંધ આવી ગઈ. બસ, આંખ મળીને સપનું આવ્યું. કૈલાશ પર્વતના દર્શન થયાં. શંકર-પાર્વતી-કાર્તિક સ્વામી-ગણેશના સાક્ષાત દર્શન કર્યા. શંકર ભગવાને પૃથ્વીના ક્ષેમકુશળ પૂછ્યા. હું હિમાલયની બર્ફીલી હવાથી થરથરતો હતો એટલે ભગવાને મને ભાંગની પ્રસાદી આપી. શંકર ભગવાનના હાથની ભાંગ પીને હું ધન્ય થઈ ગયો. ભાંગનું ઘેન ચડવાથી સુઈ ગયો. બસ, હમણાં જ ઉઠયો.' 

'સરસ! સરસ!' ધનસુખે કહ્યું, 'તમે બંને સદભાગી છો. બંનેને પરમાત્માના દર્શન થયાં.' 

'ધનસુખ! હવે તારા સપનાની વાત કર.' ધનસુખે કહ્યું, 'મને પણ સુંદર મજાની મીઠી નીંદર આવી ગઈ ને સપનામાં સાક્ષાત્ હનુમાનજી આવ્યા. પવનસુત અંજનીપુત્ર રામદૂત મેં દંડવત પ્રણામ કર્યા.  હનુમાને કહ્યું, બેટા! મારી સાથે ચાલ. મને ભૂખ લાગી છે. આપણે સાથે ભોજન લઈએ. હું સાથે ચાલ્યો. અમે પૃથ્વી ઉપર આ શંકર મંદિરે આવ્યા. હનુમાનને દૂધપાકની ખુશ્બુ આવી. કહે, અહાહા... શું સરસ ખુશ્બુ છે! ચાલ બેટા, આપણે બંને દૂધપાક પી જઈએ. મેં કહ્યું, હે પવનસુત! આ દૂધપાક અમે ત્રણે મિત્રો માટે બનાવ્યો છે. હનુમાનજી કહે,  દૂધપાક તો ફરીવાર પણ બને. આ દૂધપાક તો આપણે બંનેને અર્ધો અર્ધો પીવાનો છે. નહીં પી તો આ ગદા તારી સગી નહીં થાય!... ને હું લાચાર થઈ ગયો. ગદાથી બી ગયો ને મારે હનુમાન ભેગો અર્ધો દૂધપાક પીવો પડયો!' 

'પણ તેં અમને ઉઠાડયા કેમ નહીં?' મનસુખે પૂછ્યું. 'તમે ઉઠો તો ઉઠાડંુને? તું રામ દરબારમાં ભાતભાતના ભોજન ખાઈને ઊંધતો હતો ને હરસુખ કૈલાશ શિખર ઉપર ભાંગના નશામાં સૂતો હતો. બોલો! મારો કઈ વાંક છે?'

મિત્રોને ધનસુખનો વાંક ન લાગ્યો. હનુમાનની ગદાથી ભલભલા ડરી જાય તો ધનસુખ તો પામર ગણાય. પછી ત્રણે મિત્રોએ પૂરી શાકનું ભોજન કર્યું ને ઘર તરફ પ્રણાય કર્યું. ધનસુખે છેલ્લે સુધી ફોડ ન  પાડયો કે એ સૂતો જ નહોતો અને દૂધપાક ખૂબ ભાવતો હતો એટલે બધો દૂધપાક પોતે ગટગટાવી ગયો હતો! 


Google NewsGoogle News