અંધારિયું પાંજરું .
- શીનુ ડૂસકાં ભરવા લાગી. ટપક-ટપક આંસુ પડવા લાગ્યાં. નીચું મોં કરીને તે વિચારવા લાગી- 'આ કેદમાંથી ક્યારે છૂટાશે? છૂટાશે કે નહીં?'
- કિરીટ ગોસ્વામી
શીનુ સસલી મનમોજી ને મસ્તીખોર. જંગલ આખામાં મોજથી હરેફરે, લીલું ઘાસ ચરે ને મજા કરે! એક દિવસ શીનુ પોતાની મસ્તીમાં દોડતી જતી હતી ત્યાં અચાનક તેનું માથું કોઇ જાળમાં ફસાયું હોય એમ તેને લાગ્યું. તેણે કાન ફફડાવ્યાં તો ફડ્ ફડ્ અવાજ આવ્યો અને બીજું કંઇ તે વિચારે એ પહેલાં તો જરીક વારમાં શીનુ જાણે કોઇ પાંજરે પૂરાઇ ગઇ! ને એનો દરવાજો બંધ થઈ ગયો!
અચાનક આ શું થયું?
શીનુ ખૂબ જ ગભરાઈ ગઇ. તેને આ પાંજરુ જરા નવીન જાતનું લાગ્યું. એમાંથી બહાર કશું દેખાતું નહોતું! અંદર આછેરું અંધારું હતું. જાણે આવડા મોટા જંગલની મસ્ત દુનિયામાંથી તે સાવ નાનકડી, સાવ સાંકડી અંધારી દુનિયામાં આવી ગઇ!
થોડીવાર બહાર નીકળવા માટે શીનુએ પ્રયાસ કર્યો પણ ફડ્ ફડ્ અવાજ સિવાય કંઇ ન થયું. આખરે થાકીને તે બેસી ગઇ. અંદર મૂંઝારો ચડતો હતો. તેણે દોડવા માટે પગ ઉપાડયા પણ એક-બે ડગલાં તો માંડ ખસી શકાતું હતું. વળી, તેના પગ લપસતા હતા!
આ નાનકડું, અંધારાવાળું અને લપસણું પાંજરું શીનુએ પહેલીવાર જોયું-અનુભવ્યું. અગાઉ એકાદ-બે વખત શિકારીના પાંજરે તે પૂરાઇ ગઇ હતી. એમાં તો સળિયા હતા, પ્રકાશ આવતો હતો, બહાર બધું જોઈ શકાતું હતું અને દરેક વખતે ગમે તેમ કરીને તે એમાંથી બહાર નીકળી ગઈ હતી! પણ આ પાંજરું નવીન હતું, અલગ પ્રકારનું હતું. આ કોઇ શિકારીએ મૂક્યું હોય એવું ન લાગ્યું. આ તો જાણે કેદ હતી... અંધારી કેદ!
એક કલાક... બે કલાક... ત્રણ કલાક... એમ ઘણો સમય થયો. બહાર નીકળી શકાતું નહોતું ને અંદર મૂંઝારો વધતો જતો હતો. જરા જરા વારે શીનુ પ્રયાસ કરતી હતી પણ તેના પગ લપસી જતા હતા. કોઇ બારી ખૂલતી નહોતી. અંધારું ઘટ્ટ થતું જતું હતું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી.
આ તે કયાં ફસાયા?
શીનુની આંખે આંસુ આવ્યાં. બધાં સાથીઓની યાદ આવી ગઇ. ટુનકી ખિસકોલી, વનુ વાંદરો, હિમ્બુ હાથી... બધાં સાથે કેવા મોજથી જીવતાં હતાં... ને ઘડીકમાં આ કઇ નવી દુનિયામાં ફસાઇ જવાનું થયું?
શીનુ ડૂસકાં ભરવા લાગી. ટપક-ટપક આંસુ પડવા લાગ્યાં! નીચું મોં કરીને તે વિચારવા લાગી- 'આ કેદમાંથી ક્યારે છૂટાશે? છૂટાશે કે નહીં?'
એવામાં જરાક વાર પછી અચાનક ચરરર.. એવો અવાજ આવ્યો. શીનુ જે પાંજરામાં કેદ હતી એની ચીકણી, લપસણી દીવાલ ફટ્ દઇને તૂટી! શીનુએ આંખો પટપટાવી!
હવે ખરેખર તે પાંજરાની બહાર હતી! ને સામે વનુ વાંદરો ઊભો હતો. એ બોલ્યો- 'અહીંથી નીકળતો હતો ત્યાં આમાંથી તારા ડૂસકાં સંભળાયા! ને તરત જ મેં નખથી આ પ્લાસ્ટિકની કોથળીને તોડી... ત્યાં તું જ હતી!'
'પ્લાસ્ટિકની કોથળી?' શીનુએ નવાઇભેર પૂછયું.
વનુએ કહ્યું- 'હા, આ માણસો જંગલમાં આવતા-જતાં પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકી જાય છે!'
'ઓહ... તો આ માણસોએ મૂકેલા પાંજરાને પ્લાસ્ટિક કહેવાય એમને!' શીનુએ કહ્યું.
'પાંજરું નથી... આ પ્લાસ્ટિક એ કચરો છે! ને આપણા માટે તો એ મોટો ખતરો પણ છે!'વનુએ કહ્યું.
'હા, એ ખતરામાંથી હું માંડ બચી. તેં બચાવી ન હોત તો...' શીનુ ગળગળી થઈને વનુનો આભાર માનવા લાગી.
વનુ કહે- 'આપણે તો એકબીજાને બચાવી લઈશું! પણ આ માણસની કુટેવોથી આપણે કેવી રીતે બચી શકીશું?'
વનુનો આ પ્રશ્ન હવામાં ફેલાઇ ગયો અને શીનુ તેનો આભાર માનીને કૂદાકૂદ કરતી જંગલમાં અદ્રશ્ય થઇ ગઇ!