ઝાડની ફરિયાદ .
- કિરીટ ગોસ્વામી
ઉનાળો નહોતો તોય એ દિવસે બહુ ગરમી હતી. ચીન્ટુ તેના દોસ્તને ઘેર જવા નીકળ્યો. સાઇકલ ચલાવીને તે થાકી ગયો. એવામાં રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું. ચીન્ટુ એ ઝાડ નીચે બેઠો. ઝાડનો સરસ મજાનો છાંયો તેને ગમ્યો.
થોડીવારમાં ઠંડક થઇ ગઇ.
ચીન્ટુ ઉઠીને ચાલવા જતો હતો ત્યાં ઝાડ પરથી એક પાન ખરીને ઉડતું-ઉડતું નીચે પડયું. ચીન્ટુએ એ પાન હાથમાં લીધું અને પોતાના ગાલને અડાડયું. તેને ખૂબ મજા આવી!
એવામાં ઝાડ બોલ્યું- 'ચીન્ટુ! તું મારાથી ખુશ?'
ચીન્ટુ તો ઝાડને બોલતું જોઇને ખૂબ નવાઇ પામ્યો. સાથે જ તેને ખૂબ આનંદ પણ થયો!
ઝાડ ફરી બોલ્યું- 'ચીન્ટુ, તું મારાથી ખુશ ને? મારે તારી સાથે વાત કરવી છે! બોલને!'
'હા, હું ખૂબ જ ખુશ! ખૂબ જ! તારો છાંયડો, તારું મસ્ત પાન અને લીલોછમ રંગ... બધું મને ખૂબ ગમે છે! હું તો ખૂબ જ ખુશ હો!' ચીન્ટુએ કહ્યું.
ઝાડ કહે - 'હા, તો હું પણ ખુશ! ને સાંભળ, મારે તને કંઇક કહેવું છે!'
ચીન્ટુ બોલ્યો- 'હા, હા, તું પણ બોલ અને મારે પણ કેટલાક સવાલ કરવા છે તને!'
'તો પહેલાં તું જ પૂછ! શું સવાલ છે?' ઝાડ બોલ્યું.
ચીન્ટુએ તરત જ ઝાડને પૂછયું- 'ઝાડ! તું કાયમ ઊભું જ રહે છે તો તને આમ સતત ઊભા-ઊભા થાક ન લાગે ?'
ઝાડ કહે - 'ના, મારી પાસે લીલોછમ જાદુ છે, એટલે ન થાકું!'
ચીન્ટુએ સવાલ બદલ્યો- 'ઝાડ! તારો બેસ્ટ ફ્રેન્ડ કોણ?'
ઝાડ બોલ્યું - 'આ બધાંય પંખીઓ મારાં બેસ્ટ ફ્રેન્ડ!'
ચીન્ટુએ નવો સવાલ કર્યો- 'ઝાડ! તને પણ આ પંખીઓની જેમ કદી ઊડવાનું મન થાય?'
ઝાડ કહે - 'આપણાં ફ્રેન્ડ ઊડે છે, તો આપણે ઊડીએ છીએ એમ જ મનાય ને!'
ચીન્ટુએ જરાક વિચાર્યું ને પછી પૂછયું - 'ઝાડ! આ તારો છાંયડો, લાકડાં, ફળ.. એમ બધું ખૂબ કિંમતી છે. તો પણ તું એ બધું બધાંયને કેમ મફતમાં જ આપી દે છે?'
ઝાડ હસીને કહે - 'એ બધું તો તમારા સહુ માટે જ છે! એને હું શું કરું? એ તો બધાને આપીને જ હું ખુશ છું!'
ચીન્ટુએ કહ્યું- 'વાહ! કમાલ છે હો! તું તો અમારું બેસ્ટમાં પણ બેસ્ટ ફ્રેન્ડ કહેવાય!'
'હા, પણ એક વાતનું દુ:ખ છે! એક ફરિયાદ છે મારી!' ઝાડ બોલ્યું.
'કેવું દુ:ખ? શી ફરિયાદ? બોલ,બોલ!' ચીન્ટુએ પૂછયું.
ઝાડ બોલ્યું - 'હું અને મારો પરિવાર; અમે સહુ, તમને બધું મફતમાં જ આપીએ છીએ, તો પણ તમે અમને બરાબર સાચવતા નથી! દિવસે ને દિવસે જંગલો કપાય રહ્યાં છે! એ જોઇને ખૂબ દુ:ખ થાય છે!'
ચીન્ટુ કહે - 'સૉરી! તને દુ:ખ થાય એવું હવે અમે નહીં કરીએ!'
ઝાડ કહે - 'સૉરીથી કામ ન ચાલે! તમે અમને કાપો એમ તમારે નવાં ઝાડ વાવવા પણ જોઇએ! જો એમ નહીં કરો તો એક દિવસ એવો આવશે કે આ દુનિયામાં અમે હોઇશું જ નહીં! ને એવી દુનિયા કેવી હશે? કલ્પના કરી છે?'
'હું સમજી ગયો, યાર! અમારા સહુની આ ભૂલ સુધારી લેશું! પ્રૉમિસ, યાર! હું અને મારા બધા ફ્રેન્ડસ કેટલાંય નવાં ઝાડ વાવીશું! તમારી ફરિયાદ દૂર થઇ જાય એટલાં ઝાડ! બસ?'
ઝાડ કહે - 'તો મને ખૂબ-ખૂબ આનંદ થશે!'
'ને અમને પણ !' એમ કહીને ચીન્ટુ ઝાડની રજા લઈ ચાલતો થયો.