Get The App

ચોકલેટનાં ઝાડ .

Updated: Apr 7th, 2023


Google NewsGoogle News
ચોકલેટનાં ઝાડ                                                  . 1 - image


- ચતુરભાઈ શિયોળે પહેલી વાર ચોકલેટ જોઈ હતી.  કેવી હશે? કેવો સ્વાદ હશે? કંઈ પણ વિચાર્યા વગર એમણે ચોકલેટ ખાધી. ચોકલેટના સ્વાદથી નાચી ઊઠયા. શું મીઠી ચોકલેટ!  

- 'તમે આજ સુધી હાડ-માંસ જ ખાધાં છે , ચામડાં જ ચુથ્યાં છે. આજે તમને હું એક નવી વસ્તુ ખવડાવવા આવ્યો છું, પણ જો એ તમને બહુ પસંદ પડે તો મને વચન આપો કે...'

કનુજી કેશાજી ઠાકોર 'કનકસિંહ' 

એ ક મોટું જંગલ હતું.જંગલમા ઘણાં બધાં પશુપંખીઓ રહેતાં હતાં. જંગલનો રાજા સિંહ બધાં પ્રાણીઓને ખૂબ હેરાન કરતો. જે સામે મળે એને ખાઈ જતો. આમ બધાં પ્રાણીઓ ખૂબ જ સિંહથી ભયભીત હતા.જંગલમા એક ચતુર શિયાળ રહેતું હતું.આખુ જંગલ તેને ચતુરિયા શિયાળ તરીકે ઓળખતુ હતું.શિયાળ બહુ જ ચતુર અને નીડર હતું અને એ આ સિંહના ત્રાસમાંથી બધાં પ્રાણીઓને છોડાવાનો ઉપાય શોધતું હતું, પણ કોઇ ઉપાય સુઝતો નહોતો. એક દિવસ ચતુરભાઇ ખોરાકની શોધમાં જંગલમાં ફરતા હતા. ફરતાં ફરતાં તે જંગલ વટાવીને એક શહેરમાં પહોંચી ગયા. શહેરની એક દુકાને જોયું તો એક પ્લાસ્ટિકના કવરમા કંઇક હતુ. એક કૂતરાભાઇ ખાતા હતા. કૂતરાએ શિયાળને પાસે બોલાવી પૂછયું, 'ભાઈ, જંગલમાંથી આવ્યો છો? ડરશો નહીં ,ભૂખ લાગી હોય તો આ ચોકલેટ આપું છું, ખાઈ લો.'

ચતુરભાઇ તો કૂતરાની મહેમાન નવાજીથી ખુશ થયા. એમને ભૂખ તો કકડીને લાગી હતી. ભૂખથી પેટમાં બિલાડા બોલતા હતા. તેમણે પહેલી વાર આ ચોકલેટ જોઈ હતી.  કેવી હશે? કેવો સ્વાદ હશે? કંઈ પણ વિચાર્યા વગર એમણે ચોકલેટ ખાધી. ચોકલેટના સ્વાદથી નાચી ઊઠયા. શું મીઠી ચોકલેટ! વાહ! કૂતરાભાઈનો આભાર માની, વધુ એક ચોકલેટ લઇને ચતુર શિયાળ જંગલ તરફ ચાલી નીકળ્યો.

રસ્તામાં ચતુરભાઇને મનમાં વિચાર આવ્યો કે જો હું આ ચોકલેટ વાવું તો ચોકલેટનું ઝાડ ઊગે અને ઘણી બધી ચોકલેટ મળે. પછી જો બધા જંગલવાસીઓને ચોકલેટ ખવડાવું તો બધા કેવા ખુશ થાય! આ સાથે ચતુરભાઇને સિંહના ત્રાસમાથી કાયમ મુક્તિ મળે તેનો ઉપાય પણ મળી ગયો. તેમણે તો જંગલમાં આવેલી નદીના તટે ચોકલેટ વાવી. દરરોજ નિયમિત પાણી પીવડાવે અને ચોકલેટની રખેવાળી કરે અને ગીત ગાતાં જાય-

 'ચોકલેટનુ ઝાડ આતો ચોકલેટનુ ઝાડ 

 શિયાળભાઈએ વાવ્યું ચોકલેટનું ઝાડ...' 

ધીમે ધીમે ચોકલેટ ફૂટવા લાગી, મોટી થવા લાગી. જોતજોતામાં તો ચોકલેટનુ ઝાડ વિશાળ બની ગયું. તેના પર ફૂલ અને ધીરે ધીરે ચોકલેટનાં ફળ આવવા લાગ્યાં. તે ખાવા જંગલનાં બધાં પશુપંખીઓ આવવા લાગ્યાં. ચતુરભાઈ બધાં પશુપંખીઓને કહેતા, 'ચોકલેટ હજુ પાકી નથી. થોડી રાહ જોશો?' બધાએ હા પાડી અને રાજી થઈને ગાવા લાગ્યાં-

'ચોકલેટનુ ઝાડ આતો ચોકલેટનુ ઝાડ 

 શિયાળભાઈએ વાવ્યું ચોકલેટનું ઝાડ... 

ચોકલેટનુ ઝાડ આતો ચોકલેટનુ ઝાડ 

 શિયાળભાઈએ કરી છે ફરતી કાંટાળી વાડ...'  દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ ચોકલેટ પાકી થઈ ગઈ. શિયાળભાઈએ પેટભરી ચોકલેટ ખાધી. પછી જંગલનાં બધાં પશુપંખીઓને ચોકલેટ ખવડાવી, એક વનના રાજા સિંહ સિવાય. સૌ જનાવરો ચોકલેટના વખાણ કરતા થાકતા નહોતા. ચતુરભાઇને મનમાં વિચાર આવ્યો કે જંગલના રાજાને ચોકલેટ ખવડાવવી છે, પણ કઈ રીતે...થોડુ વિચારી ચતુરભાઇ મનમાં ને મનમાં મલકાતાં મલકાતાં સિંહ પાસે પહોંચી ગયાં. શિયાળને જોતા જ સિંહે ગુસ્સાથી બોલ્યો, 'આવ્યો શિયાળીયો... અહીં શું મરવા આવ્યો છે? સામે ચાલીને મોત માગે છે?'

શિયાળભાઈ જરાય ડર વિના સિંહને સલામ કરી બોલ્યા, 'વનના રાજા, તમને આજે એક વાત કહેવી છે.'

 સિંહ કહે, 'બોલ, જે કહેવું હોય તે કહી દે. પછી તારું માંસ ખાઉં. બધા તને ચતુર કહે છે તો તારું માંસ ખાઈ હું પણ ચતુર થઈ જાઉં.'

 શિયાળ કહે, 'હે જંગલના રાજા, તમે આજ સુધી હાડ-માંસ જ ખાધાં છે ,આખી જિંદગીમાં ચામડાં જ ચુથ્યાં છે. આજે તમને હું એક નવી વસ્તુ ખવડાવવા આવ્યો છું, પણ જો એ તમને બહુ પસંદ પડે તો મને વચન આપો કે તે પછી કોઈ નિર્દોષ પશુઓનો શિકાર તમે નહીં કરો.'

 સિંહ કહે, 'કંઇ વાંધો નહીં. લાવ, એ ખાવાની વસ્તુ.'

 શિયાળ કહે, 'લો, આ ચોકલેટ અને એક વાર ખાઈ જુઓ.' 

સિંહ કહે, 'ચોકલેટો ખાધીને ખુશ થઇ ગયો. વાહ, શું મીઠી છે! મધ કરતા પણ સ્વાદિષ્ટ! શું સ્વાદ છે! અલ્યા ચતુર, તને વચન આપ્યું હતું એ પાળું છું. જા, હવે હું શિકાર નહીં કરું, પણ મને તારે આ ચોકલેટો આપવી પડશે.'

 શિયાળ કહે, 'બિલકુલ. કિનારે ચોકલેટનુ આખું ઝાડ છે. તમે ત્યાં બીજાં ઘણાં ઝાડ ઉગાડો. હું તેની માવજાત કરીશ.'

સિંહ કહે, 'હા, હાલ જ હું મારા સેવકોને ત્યાં મોકલું છું. તું ઝાડ ઊગાડવામાં એમની મદદ કરજે.' 

 શિયાળભાઈની આવી ચતુરાઈથી સૌ પશુપંખીઓ ખુબ રાજી થયાં. સૌએ શિયાળભાઈના ખૂબ વખાણ કર્યા. પોતાની બુદ્ધિથી એણે વનનાં રાજાને હાડમાંસ મુકાવી દીધા.  


Google NewsGoogle News