બાળમિત્રો...સાવધાન! .
- 'તમે સ્કૂલે ભણવા જાઓ છો તેમાં ઘણા લોકોનું યોગદાન રહેલું છે. જેમ કે રિક્ષા કે વૅન અંકલ, પ્યુનઅંકલ, સફાઈનું કામ કરતા અંકલ...'
- ભારતી પી. શાહ
શાળાએથી ઘરે આવેલો અમન જોરજોરથી હાંફી રહ્યો હતો. અમન થોડો ગભરાયેલો પણ લાગતો હતો. તેનું મુખ સાવ ફિક્કું પડી ગયું હતું. અમન ચૂપચાપ સોફા પર બેસી રહ્યો. થોડીવાર પછી તેના મિત્રો અર્શ, તનય, ઉજ્જવલ, શિવમ્, પાર્થ અને આનંદ ત્યાં આવી પહોંચ્યા. મિત્રમંડળ આવી ગયું હોવા છતાં પણ અમન ગુમસુમ બેસી રહ્યો. અર્શે અમનને પૂછ્યું: 'શું થયું છે તને? તારી તબિયત તો સારી છે ને?'
'તારી મમ્મી દેખાતી નથી, શું તેઓ બહાર ગયાં છે? તું જમ્યો કે નહીં?' ઉજ્જવલે પૂછ્યું એટલામાં અમનનાં મમ્મી કાશ્મીરાબેન બહારથી આવી ગયાં. રોજ કૂદાકૂદ કરતો અમન આજે એકદમ શાંત જણાતા કાશ્મીરાબેન બોલ્યાં, 'શું થયું, બેટા? તારી તબિયત તો સારી છેને?'
'મમ્મી, આજે હું શાળાએથી ચાલતો ચાલતો આવ્યો એટલે જરા...' અમન બોલ્યો.
'કેમ, રિક્ષાવાળો નહોતો આવ્યો?' મમ્મી બોલી.
'રિક્ષાવાળા અંકલ આવ્યા હતા, પણ તેમની તબિયત સારી ન હતી, એટલે એટલે શાળા પાસે રિક્ષા ઊભી રાખી, રિક્ષામાં જ સૂઈ ગયા હતા.'
'પછી તેં રિક્ષાવાળા અંકલની હેલ્પ કરી કે નહીં?'
'મમ્મી, હું જઇને પ્યુન અંકલને બોલાવી લાવ્યો. પ્યુન અંકલને પણ રિક્ષા ચલાવતા આવડે છે, એટલે તેઓ રિક્ષાઅંકલને તેમની જ રિક્ષામાં ઘરે મૂકી આવ્યા.'
'બેટા, આ તો બહુ સારું કામ કર્યું. તમે બધા શાળામાં અભ્યાસ કરવા જાઓ છો તેની પાછળ ઘણા બધાનું યોગદાન રહેલું છે. જેમ કે રિક્ષા કે વૅન અંકલ, પ્યુનઅંકલ, સફાઈનું કામ કરતા અંકલ... આ બધાને તકલીફના સમયે મદદ કરવી એ તો તમારા બધાની ફરજ છે,' કાશ્મીરાબેન બોલ્યાં.
'આન્ટી, તમે અમને બધાને કેટલું સારું માર્ગદર્શન આપ્યું!' પાર્થ બોલ્યો.
'પણ અમન, તું મને એ કહે કે તું ઘરે કેવી રીતે આવ્યો?' કાશ્મીરાબેન બોલ્યાં.
'મમ્મી, હું તો ચાલતાં ચાલતાં આવ્યો,
પણ પણ...'
'પણ પણ શું? ચિંતિત ભાવે કાશ્મીરાબેન બોલ્યાં.
'હું જ્યારે ચાલતાં ચાલતાં આવતો હતો ત્યારે બાઈક પર એક અંકલ મારી પાસે આવ્યા અને બોલ્યા: બેટા ચાલ, હું તને મારી બાઈક ઉપર બેસાડીને તારા ઘરે ઉતારી દઉં. મેં જવાબ ના આપ્યો અને ચાલતો જ રહ્યો. તે ફરીથી બોલ્યા: હું તારા ક્લાસમાં તારા મિત્ર આર્યન છે એનો મોટોભાઈ છું. ડર નહીં. આટલું બધું ચાલીશ તો થાકી જઈશ. આટલું બોલીને તેમણે મારો હાથ પકડયો. મેં જોરથી બૂમ પાડી મારો હાથ ખેંચી લીધો અને દોડતો દોડતો ઘરે
આવી ગયો.
'શાબાશ... આ ગઠિયાઓ પહેલાં બધી માહિતી એકઠી કરી લે છે પછી તમને છેતરે છે. બાળકો, તમારે રસ્તામાં કોઈ પણ અજાણ્યા માણસની સાથે વાતચીત કરવા ઊભા ન રહેવું. કોઈ તમારી સાથે બળજબરી કરે તો બૂમાબૂમ કરી મૂકવી એટલે તે ગભરાઈને ભાગી જશે. બેટા, તેં તેના બાઈકનો નંબર નોંધ્યો નહીં?'
'ના મમ્મી, મને એવો આઇડિયા આવ્યો જ નહીં,' અમન બોલ્યો.
'આવા અજાણ્યા માણસના વાહનના નંબર અવશ્ય નોંધી લેવા જોઇએ.' મમ્મીએ અમનને સમજાવ્યું.
એટલામાં પાડોશમાં રહેતાં અલ્પાબેન અને તેમની દિકરી ક્વીન્સી આવી પહોંચ્યાં. અલ્પાબેને કાશ્મીરાબેનને સંબોધીને કહ્યું, 'જુઓને, અમારી ક્વીન્સી જાતે આ નોટ અને બિસ્કિટ લાવી છે તે બરાબર છે? મેં કહ્યું હતું કે હું લાવી આપીશ પણ તે માની જ નહીં.'
કાશ્મીરાબેને નોટ હાથમાં લીધી, અને નોટના પાછળના પૂંઠા પર કંઇક વાંચવા લાગ્યાં. પછી તેમણે બિસ્કિટના પેકેટને ફેરવી ફેરવીને જોયું અને બોલ્યાં, 'ક્વીન્સી, તેં નોટ અને બિસ્કિટના પેકેટના કેટલા ચૂકવ્યા?
'આન્ટી, નોટના ૮૦ રૂપિયા અને બિસ્કિટના ૫૦ રૂપિયા.'
'શું કહ્યું? તું પૂરેપૂરી છેતરાઈ ગઈ!' કાશ્મીરાબેને કહ્યું.
'કેવી રીતે?'
'જો બેટા, કોઈપણ વસ્તુ ખરીદતાં પહેલાં તેની કિંમતની અને એક્સપાયરી તારીખની ચકાસણી કરવી જરૂરી છે. નોટની કિંમત ૬૦ રૂપિયા છે અને તેં ૮૦ રૂપિયા ચૂકવ્યા અને આ બિસ્કિટ તું ખાઈ શકીશ નહીં, કેમ કે તેની એક્સપાયરી ડેટ તો ક્યારની જતી રહી છે. આવી વસ્તુઓ ખાવાથી નુક્સાન થાય.'
'આ બાળકો ઘણીવાર ધાર્યું કરે છે તેનું આ પરિણામ છે,' અલ્પાબેન અકળાઈને બોલ્યા.
'અલ્પાબેન, કાલે હું તમારી સાથે આવીશ અને બાળકોને છેતરનાર દુકાનદારને બરાબર પાઠ ભણાવીશ,' કાશ્મીરાબેન બોલ્યાં. કાશ્મીરાબેન અને અલ્પાબેનની વાતચીત સાંભળી રહેલો અમન બોલ્યો, 'મમ્મી, તને આ બધું કેવી રીતે આવડે છે?'
'તારા પપ્પાએ મને શીખવ્યું છે કે કોઈપણ વસ્તુની ખરીદી કરતાં પહેલા તેનું બધું બરાબર ચેક કરવું જરૂરી છે. તારા પપ્પાએ કહ્યું છે કે આંગણે આવેલી અજાણી વ્યક્તિ, સેલ્સમેન-સેલ્સગર્લની વાતોમાં ફસાવું નહીં. તેમની સાથે વાતચીત કરતી વખતે સાવધાની રાખવી. ઘરનું બારણું ખુલ્લું રાખી તેમના માટે પાણી લેવા જવું નહીં. વળી, રસ્તામાં કોઈ વ્યક્તિ કાગળ પર લખેલું એડ્રેસ વાંચીને મદદ માગે ત્યારે પણ સતર્ક રહેવું.'
'કેમ? એડ્રેસ વાંચીને રસ્તો દેખાડવામાં શું વાંધો છે?' ઉજ્જવલ, ક્વીન્સી અને શિવમ્ બોલ્યાં.
'બાળકો, ઘણીવાર એ કાગળ પર દવા લગાડીને એવી રીતે તૈયાર કર્યો હોય કે આપણે ભાન ભૂલી જઇએ અને લૂંટાઈ જઈએ. ઘણી વાર આ રીતે બાળકોને ઉપાડી પણ જાય.'
'બાપરે... આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. હું મારા આખા મિત્રમંડળને આ વાતની જાણ કરીશ,' અર્શ બોલ્યો.
'મમ્મી, મારી ફ્રેન્ડ અનાયાના પપ્પા જતીનભાઈ ફોન પર વાતો કરતાં કરતાં જતા હતા. ત્યારે એક ગઠિયાએ તેમનો ફોન ખેંચવા પ્રયત્ન કર્યો હતો, પણ જતીનભાઈએ ગઠિયાને માર્યો એટલે તે ભાગી ગયો,' ક્વીન્સી બોલી.
'રસ્તા પર ચાલતાં ચાલતાં કે ટુ-વ્હીલર ચલાવતી વખતે ફોન પર વાત કરવી ઠીક નહીં. ગઠિયાઓ આવા મોકાની રાહ જોતાં હોય છે. વળી, અકસ્માત થવાનો ડર રહે છે. સાચી વાત છેને, આન્ટી?' આનંદ બોલ્યો.
'બેટા, ફોન એ સિક્રેટ ડાયરી જ કહેવાય. ફોન જાય એટલે તમારી બધી વ્યક્તિગત માહિતી પણ જતી રહે, માટે સાવધાન રહો.'
'મમ્મી... મમ્મી, આ ઓનલાઈન શોપિંગ એટલે શું?' અમન ે પૂછ્યું.
'ઘણીવાર ખરીદી કરવા બહાર જવું ન હોય તો મોબાઈલની મદદથી ઘરેબેઠાં વસ્તુ મગાવી લેવી તેને ઓનલાઈન શોપિંગકહે છે.'
'પણ આન્ટી, ઘણીવાર ઓનલાઈન ખરીદીથી નુકશાન પણ થાય છે. ઘણા લોકો ખાવાપીવાની ચીજો ઓનલાઇન મગાવે છે. આ ચીજો ખાવાલાયક યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કોણ કરે? લોકો તે ચીજો વાસી હોય તો પણ હોંશે હોંશે ખાય છે. ઘણી વાર ઓનલાઈન મંગાવેલી વસ્તુ ખરાબ પણ નીકળે છે. તેનું કારણ છે, અમુક કંપનીઓ કોઈ પણ હિસાબે પોતાની ચીજવસ્તુઓ ગ્રાહકોને પધરાવી દેવા માગતા હોય છે. કેઓ સેલ ગોઠવશે, ડિસ્કાઉન્ટ આપશે, કંઈ પણ કરશે ને લોકોને શોપીંગ કરવા માટે પાનો ચડાવશે. ઘણી વાર કેટલીઓ કંપનીઓ વસ્તુઓનું ઉત્પાદન જ એવી રીતે કરે છે કે વસ્તુ જલ્દી બગડી જાય, તેને ફેંકી દેવી પડે ને પછી નવી વસ્તુ ખરીદવા સિવાય ગ્રાહક પાસે વિકલ્પ ના રહે. ઘણીવાર કંપનીઓ નફો વધારવા માટે ગરીબ દેશોને, ગરીબ લોકોને લલચાવે. કંપનીઓ માટે આ બધા જાણે કચરાપેટી... આ કચરાપેટીમાં કપડાં, જુનાં ઓટોમોબાઈલ્સ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, પ્લાસ્ટિક કચરો... આ કચરાનો નિકાલ કરવામાં નાગરિકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણનો કચ્ચરઘાણ નીકળે તેની પરવા આ કંપનીઓ કરતી નથી... આ બધી વાત મારા પપ્પાએ મને સમજાવી હતી,' ઉજ્જવલ બોલ્યો.
'આન્ટી, આજે તમે અમને ઘણી જાણકારી આપી છે. અમે હવે દરેક વસ્તુની ખરીદીમાં, પ્રત્યેક બાબતમાં સાવધાન રહીશું,' આનંદ બોલ્યો.
'અમે બધા પણ સાવધાન રહીશું...' તનય, શિવમ્ અને પાર્થ બોલ્યા.
સાવધાનીના પાઠ શીખી બધાં બાળકો વિખરાયાં.