રામનામ જપના... .
- 'બેટા, શ્રદ્ધાના ફૂલ લઈને મંદિરમાં પ્રવેશતાં ભક્તોને તે લૂંટયા. દુઃખ થાય છે. જેની વસ્તુ ચોરાઈ હશે તે કેવા નિસાસા નાખતા હશે!'
- ભારતી પી. શાહ
ના મ તેનું રતન, પણ રતન જેવો એક પણ ઊંચો ગુણ તેનામાં ન હતો. આખો દિવસ અહીંથી તહીં રખડતો અને તક મળતા ક્યાંક હાથ મારી લેતો. તેના મગજમાં ઊંચા ઊંચા સ્વપ્નો હતાં, પરંતુ તે બધું પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવાની ભાવના ન હતી.
રતન હાથ મારવા માટે મંદિર જેવા ધાર્મિક સ્થળોને પ્રથમ પસંદગી આપતો. મંદિરનાં પગથિયા ચડતાં ચડતાં તે મુખેથી જોરજોરથી 'રામનામ' બોલતો, ત્યારે લોકો માની લેતાં કે આ રામનો મોટો ભક્ત છે. લોકો તેને બે હાથ જોડી 'જય રામજીકી' બોલતાં, ત્યારે તે મનોમન ખુશ થતો. મંદિરમાં આરતી થતી હોય કે ભજનકિર્તન ચાલતાં હોય ત્યારે તક જોઈને કોઈનું ખિસ્સું કાતરી લેતો, અથવા ભક્તની વસ્તુ લઈને પલાયન થઈ જતો.
રતન દર વેળાએ જુદા જુદા મંદિરની મુલાકાત લેતો, અને પોતાનું કામ પાર પાડતો. ધીરે ધીરે મંદિરના ભક્તોમાંથી વસ્તુઓ ગુમ થવાની ફરિયાદો ઊઠવા લાગી. હવે રતન થોડો સાવધ બની ગયો અને તેણે પોતાનું ચોરીનું કામ થોડા દિવસ માટે બંધ કર્યું. વાતાવરણ શાંત પડતાં, રતન ફરી પોતાના કામે લાગી ગયો.
એકવાર નગરના શ્રીરામ મંદિરમાં કથા સપ્તાહ બેઠી હતી. રતનને મનભાવતી તક મળી ગઈ. મંદિરના પ્રાંગણમાં કથા સપ્તાહ હતી અને ઘણા ભક્તો કથા સાંભળવા આવતા હતા. મંદિરથી થોડેક દૂર ઘણા ભિખારીઓ પણ દાનદક્ષિણા મળશે એ આશાએ બેસવા લાગ્યા.
કથા પૂરી થાય એટલે ભક્તો બહાર નીકળી ભિખારીઓને દાનદક્ષિણા આપી પુણ્ય કમાયાનો સંતોષ લઈને ઘેર જાય. આ ભિખારીઓમાં એક બુઝુર્ગ ભિખારી પણ હતો, તેનું નામ જીવણલાલ હતું. એકવાર જીવણલાલે રતનને મંદિરમાં જતાં જોયો. લગભગ અડધા કલાક બાદ રતન બહાર આવ્યો. રતનને જોઈને જીવણલાલ વિચારમાં પડયો અને મનોમન બબડયોઃ
આ માણસ મંદિરમાં ખાલી હાથે ગયો હતો અને અત્યારે તેના હાથમાં એક મોટી થેલી છે. વળી તે ખુલ્લા પગે આવ્યો હતો અને અત્યારે તેના પગમાં નવાનકોર બૂટ પહેરેલાં છે. જરૃર દાળમાં કંઈક કાળુ છે, મારે તપાસ કરવી પડશે.
રતન આજુબાજુ જોઈને સડસડાટ ચાલવા લાગ્યો. જીવણલાલે પણ તેનો પીછો કર્યો. રતનને શંકા ના પડે તે રીતે જીવણલાલ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. થોડે દૂર તેમણે રતનને છાપરાવાળી ચાલીની એક ઓરડીમાં જતાં જોયો. રતને ઓરડીમાં પ્રવેશી, ઓરડીનું બારણું આડું કર્યું. જીવણલાલે ધીમેથી ઓરડીમાં નજર નાખી. રતન થેલીમાંથી ચોરેલો સામાન કાઢતો હતો. રતને થેલીમાંથી નવાં કપડાં, પૈસાનું પાકીટ અને પૂજાનાં વાસણ કાઢ્યાં અને તેને સગેવગે કરવા લાગ્યો.
જીવણલાલ ઓરડીના બારણાને ધક્કો મારી ઓરડીમાં પ્રવેશ્યો. જીવણલાલને જોઈને રતન સહેજ ગભરાયો. જીવણલાલે રતનના ખભે હાથ મૂકી તેને બેસાડયો અને પછી બોલ્યો, 'બેટા, હું તને એક વાત સમજાવવા માંગુ છું. વરસો પહેલાં હું પણ તારા માર્ગે જ ચાલતો હતો. રાત્રે લોકોના ઘરમાં ઘૂસીને મોટી મોટી ચોરીઓ કરતો હતો, પરંતુ કમનસીબે એકવાર પકડાઈ ગયો. પોલીસે મને ઢોરમાર માર્યો, અને મને એક વર્ષ માટે જેલમાં પૂરી દીધો. જેલના રોટલાં અને સજાના રૃપે કરવી પડતી મજુરી તથા મને ફટકારેલો દંડ, આ બધી વસ્તુઓએ અને સજાએ મને તોડી નાંખ્યો અને મને અશક્ત અને બીમાર બનાવી દીધો અને 'ચોરનો' ટીકો લાગ્યો અને કામ ન મળવાથી બેરોજગાર બનાવી દીધો. આજે મને મારાં ખોટાં કામોનો પસ્તાવો છે. અને મંદિરની બહાર બેસીને ભિક્ષા માગું છું. ઘણીવાર ભિક્ષા મળે, અને ઘણીવાર ના મળે. દરિદ્રતાને કારણે હું મારી દવા પણ બરાબર નથી કરી શકતો. બેટા, તું મારા દીકરા જેવો છે, અને તને વિનંતી કરું છું કે તું જે માર્ગે ચાલે છે તે માર્ગ છોડી દે. આજે હું કોઈ ખોટું કામ નથી કરતો, ભલે મારે ભૂખ્યાં રહેવું પડે. હવે મને પોલિસ કે પકડાવાનો ડર નથી. બેટા, શ્રદ્ધાના ફૂલ લઈને મંદિરમાં પ્રવેશતાં ભક્તોને તે લૂંટયા... દુઃખ થાય છે. જેની વસ્તુ ચોરાઈ હશે તે કેવા નિસાસા નાંખતા હશે! તું આ માર્ગ છોડી દે બેટા...'
જીવણલાલની વાત રતનને ગળે ઉતરી ગઈ, તેની આંખમાં આંસુ આવી ગયાં. જીવણલાલે કહ્યું, 'બેટા, તું જવાન છે. નાની મોટી મજુરી કરી શકે તેમ છે. ચોરી કરીને ડરતાં ડરતાં જીવવું તેના કરતાં મજુરી કરવી સારી. બેટા, પ્રભુ રામની સાચા દિલથી માફી માંગી નવેસરથી જીવન શરૃ કરજે.'
રતને આ ખરાબ કામ છોડી દેવાની ખાતરી આપી એટલે જીવણલાલ ત્યાંથી વિદાય થયા. અડધી રાત્રે અંધારામાં મંદિરમાં ચોરેલો સામાન રતન મંદિરમાં મૂકી આવ્યો અને નવેસરથી ઉત્તમ માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો, ત્યારે રતને અનુભવ્યું કે જાણે માથા પરથી કેટલો બધો બોજ ઉતરી ગયો છે.
રામનવમીના પવિત્ર દિવસથી રતનનું જીવન બદલાઈ ગયું. અને તે એક આદર્શ વ્યક્તિ બની ગયો. રતન જીવણલાલને મળ્યો, 'સાચા પથદર્શક' બનવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો.