ચાંદામામા રિસાણા! .
- ચાંદામામા તો દેખાયા નહીં. હવે કૃપાબેન અને પાર્થભાઈ બંને ચિંતામાં પડી ગયાં! પથારીમાં સૂતા સૂતા દાદાજી બંનેની વાત સાંભળી ખડખડાટ હસવા લાગ્યા
બિરેન પટેલ
કૃ પા અને પાર્થ રાત્રે અગાશીમાં બા-દાદા પાસે નિયમિત વાર્તા સાંભળવા માટે જાય.સાથે આકાશદર્શન પણ કરે.નિશાચર પક્ષીઓ, તારલા,નરીઆંખે દેખાતા ગ્રહો સાથે મનગમતા ચાંદામામાને જુએ. બા અને દાદા આકાશદર્શન કરતાં ભાઈ-બહેનને વિગતે સમજાવતા જાય.
એકવાર કૃપાબેનને મનગમતા ચાંદામામા દેખાયા નહીં! એટલે તેણે પ્રશ્ન કર્યો કે આજે તો આકાશમાં ચાંદામામા કેમ દેખાતા નથી?
પાર્થ કહે, અમાસમાં થોડા ચાંદામામા દેખાય? દાદાએ થોડા દિવસ તો પહેલા પૂનમ અને અમાસની સમજ આપી હતી.
કૃપા કહે, અરે! બુધ્ધુ ભઈલા, અત્યારે તો અજવાળાના દિવસો છે.
પાર્થ કહે, હા, હા... ભૂલ થઇ ગઈ.
કૃપા તો ગીતડું ગણગણવા લાગી:
ચાંદામામા ચાંદામામા,
રિસાણા છો કે શું?
જલ્દી જલ્દી આવો બહાર
ચાંદની ફેલાવો અપાર!
પણ ચાંદામામા તો દેખાયા નહીં. હવે તો કૃપાબેન અને પાર્થભાઈ બંને ચિંતામાં પડી ગયાં! પથારીમાં સૂતા સૂતા દાદાજી બંનેની વાત સાંભળી ખડખડાટ હસવા લાગ્યા. દાદાજી પણ ગીતડું ગાવા લાગ્યા:
ચાંદામામા મળ્યો ઠપકો,
લાગે લેસનમાં મૂક્યો લપકો.
વાદળનો લીધો આધાર,
સંતાયા ને થયો અંધાર.
પાર્થ કહે, દાદાજી શું ચાંદામામા સ્કૂલ જાય છે? બિચારા! જાય છે અને પાછા લેસન નથી કરતાં? ખોટું હોં! ચાંદામામા આ તો બહુ મોટી ભૂલ! પાછા તમનેય મમ્મી વઢે, ઠપકો આપે. આ તો બહુ જ મોટું ખોટું હો! ચાંદામામા, સંતાઈ જ જાવ, સંતાઈ જ રહેજો. ક્યારેક કયારેક આપણેય આવું જ થાય!
બધા ખડખડા હસવા લાગ્યાં.
કૃપા કહે, સાવ બુધ્ધુ છે, સાવ બુધ્ધુ ભઈલો!
પાર્થ કહે, કેમ તે બુધ્ધુ?
દાદાજી હસતાં હસતાં કહે, ચાલો ચાંદામામા ક્યાં છે એ બતાવું. દાદાજી ગીતડું ગાતા ગાતા જણાવે છે કે,
નથી ચાંદામામા રિસાણા,
નથી કોઠી પાછળ સંતાણા.
નથી મમ્મીએ આપ્યો ઠપકો,
નથી લેસનમાં માર્યો લપકો.
પાર્થ કહે, તો પછી ગયા ક્યાં? કૃપા કહે, શાંતિ રાખ, દાદાજી સમજાવે છે.
દાદાજી કહે, પાર્થ... ચાંદામામા તો આ આકાશમાં જે વાદળો આવેને તેની પાછળ જ છે.
એટલામાં તો વાદળ હટયા ને ચાંદામામા આકાશમાં ઝળહળ ઝળહળ થવા લગ્યા. સહેજ વારમાં પાછા વાદળ પાછળ સંતાયા, પાછા દેખાયા!
પાર્થ કહે, અહો! મારા ચાંદામામા આવી રીતે રિસાય છે! સમજ્યો હું સમજ્યો...!