ચકુની ચાલાકી .
અર્જુનસિંહ કે. રાઉલજી
રઘુ ધુંઆફૂંઆ થઇ ગયો, 'અરે શેઠ! મેં પાંચસોની નોટ આપી છે, લાગે છે તમને હવે યાદ રહેતું નથી...' ભરત શેઠ કહે, 'તેં સોની નોટ જ આપી છે ભાઈ...'
રા મપુર નામે ગામ. ગામમાં દુકાનો તો પાંચ સાત, પણ તેમાં ભરત શેઠની દુકાન સૌથી વધારે ચાલે. ભરત શેઠ ભગવાનના માણસ, ભોળા માણસ તરીકે જાણીતા. પ્રામાણિકતાથી ધંધો કરનારા, ભલે નફો ઓછો મળે. માત્ર આંખની ઓળખાણ હોય તો પણ ઉધાર આપે. ગામનું કોઈ માણસ મુશ્કેલીમાં હોય, કોઈ મોટી બીમારીમાં સપડાયું હોય તો વગર માંગે મદદ કરે તેવા પરગજુ માણસ. હંમેશા સત્ય જ બોલે. પરિણામે ગામના લુચ્ચા અને લફંગા માણસો તેમની આ ભલમનસાઈનો લાભ પણ ઉઠાવે. પાછળથી ભરત શેઠને એની લુચ્ચાઈની ખબર પડે તો પણ હસીને જતું કરી દે - હશે એના નસીબનું હશે..!
એમને એક દીકરી-ચકુ. નાજુક, નમણી અને દેખાવડી. સાતમા ધોરણમાં ભણે. હોંશિયાર અને ચતુર પણ ઘણી. તે બાપાને કાયમ કહેતી કે તમે બહુ ભોળા છો. ભલમનસાઈ કરવી જોઈએ, પણ કોઈ આપણને બનાવી જાય એવી નહીં.
તે દિવસે પણ એવું જ બન્યું. ઘરાકી વધારે હતી એટલે ભરત શેઠ પૈસા લે અને નોકર માલ તોલી આપે. તેમાં રઘુએ એંસી રૂપિયાનો માલ લીધો, સો રૂપિયાની નોટ આપી. ભરત શેઠ તેને વીસ રૂપિયા પાછા આપે તે પહેલાં બે ઉતાવળા ઘરાકો પેસી ગયા. એકને મજૂરીએ જવાનું મોડું થતું હતું અને બીજાને શહેરમાં દવાખાને જવાનું હતું તેની બસ જતી હતી. ભરત શેઠ એને માલ આપવામાં વ્યસ્ત થઇ ગયા. પેલો રઘુ વચ્ચે વચ્ચે ટોકતો રહ્યો, 'મારા પૈસા આપી દો એટલે હું છુટ્ટો થાઉં...' પેલા બેય ઘરાકોથી પરવારીને ભરત શેઠ તેના તરફ ફર્યા અને બોલ્યા, 'હા ભાઈ, હવે તારા પૈસા આપું' કહી તેમણે ખિસ્સામાંથી વીસની નોટ કાઢી આપી, તો રઘુ ધુંઆફૂંઆ થઇ ગયો, 'અરે શેઠ! મેં પાંચસોની નોટ આપી છે, લાગે છે તમને હવે યાદ રહેતું નથી...' ભરત શેઠ કહે, 'તેં સોની નોટ જ આપી છે ભાઈ...' પણ તે માને જ નહીં. બસ, એક જ વાત - મેં તો પાંચસોની નોટ જ આપી છે... રકઝક વધી પડી. લોકો ભેગા થઇ ગયા, પણ રઘુએ તો એક જ વાત પકડી રાખી હતી - મેં પાંચસોની નોટ જ આપી છે. ભરત શેઠ કહે, 'મને બરાબર યાદ છે કે તેં સોની નોટ આપી છે...' પણ તે માને જ નહીં. ભેગા થયેલા લોકો પણ સમજાવે, પણ રઘુ માને જ નહીં.
એટલામાં દીકરી ચકુ આવી. તે થોડીવાર તો ઊભી રહી ને આ રકઝક સાંભળતી રહી. પછી બોલી, 'ઊભા રહો પપ્પા, મને જોવા દો, તમે બાજુ ઉપર ખસી જાવ.' તેણે ગલ્લો ખોલ્યો, અંદરના પૈસા આઘાપાછા કર્યા અને પછી રઘુ તરફ ફરીને બોલી, 'ભાઈ, તારી વાત ખોટી છે, કારણકે ગલ્લામાં પાંચસોની નોટ જ નથી. જો તેં પાંચસોની નોટ આપી હોય તો તે ગલ્લામાં હોયને? માટે તેં સોની નોટ આપી છે એ વાત નક્કી થઇ ગઈ. લે આ વીસ રૂપિયા અને ચાલતી પકડ, નહીં તો પોલીસને બોલાવી ગલ્લો બતાવીશ એટલે તું ખોટો છે એ વાત સાબિત થઇ જશે.' રઘુ ચુપચાપ ઢીલું મોં કરી ચાલ્યો ગયો. તેના ગયા પછી ભરત શેઠે ચકુને ગલ્લો બતાવી કહ્યું, 'બેટા,ગલ્લામાં તો પાંચસોની ઘણી બધી નોટો છે, પછી તું જુઠ્ઠું કેમ બોલી ?'
'પપ્પા, ક્યારેક ક્યારેક એક જુઠ્ઠાણું ઉઘાડું પાડવા આપણે પણ જુઠ્ઠું બોલવું પડે તો તેમાં કંઈ ખોટું નથી...' 'વાહ બેટા, તારી ચાલાકી...' કહી શેઠે દીકરીને ઉંચકી લીધી.