Get The App

પતંગિયા જેવી સુંદર માછલી બટરફ્લાય ફિશ

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
પતંગિયા જેવી સુંદર માછલી બટરફ્લાય ફિશ 1 - image


માછલી જોવી ગમે તેવો સુંદર જીવ છે. એક્વેરિયમમાં તરતી નાની રંગબેરંગી માછલી સુશોભન બને છે. માછલીની જાતમાં બટરફ્લાય  ફિશ સૌથી સુંદર ગણાય છે. શરીર પર વિવિધ તેજસ્વી રંગોની પેટર્નવાળી આ માછલી હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગરમાં જોવા મળે છે. બટરફ્લાય ફિશ પણ વિવિધ રંગ અને આકારની ૧૦૦ જેટલી જાત છે.  આ માછલી ચારથી પાંચ ઈંચ લાંબી હોય છે. તેના મોં અને આંખોની આસપાસ રિંગ હોય છે. તે ટોળામાં રહે છે. દિવસે ખોરાક શોધે છે અને રાત્રે ખડકો વચ્ચે છુપાઈ રહે છે. બટરફ્લાય ફિશ તરવામાં ઝડપી અને ચપળ છે. એક્વેરિયમમાં બટરફ્લાય માછલી આકર્ષણનું કેન્દ્ર છે. સાચવીને રખાય તો ૧૦ વર્ષ જીવે છે.

પતંગિયા જેવી સુંદર માછલી બટરફ્લાય ફિશ 2 - image

કેમિસ્ટ્રીમાં સાદો અને સરળ ટેસ્ટ 'લિટમસ'

ઘણી વખત વ્યવહારમાં અઘરી કસોટીને 'લિટમસ ટેસ્ટ' કહેવાનો રિવાજ છે. લિટમસ ટેસ્ટ ખરેખર તો કેમિસ્ટ્રીમાં કોઈપણ પદાર્થ એસિડિક છે કે કેમ તે જાણવા માટેનો સૌથી જૂનો અને સરળ ટેસ્ટ છે. ૧૩મી સદીમાં સ્પેનના એમેલ્ડસ ડી વિલા નોવા નામના વિજ્ઞાાનીએ પ્રથમવાર લિટમસ ટેસ્ટ કરેલો. લિટમસ પેપર નેધરલેન્ડમાં થતા લિશન્સ નામના છોડના રસામાંથી બને છે. આ છોડના રસમાં ઘણા બધા રંગો હોય છે.

ભૂરા લિટમસ પેપરને એસિડિક પ્રવાહીમાં બોળતાં લાલ થઈ જાય છે અને લાલ લિટમસને બોળતાં તે ભૂરો થઈ જાય છે. કોઈપણ પ્રવાહીમાં લિટમસ પેપર બોળીને તે એસિડિક છે કે આલ્કલી તે તરત જ જાણવા મળે છે. કેમિસ્ટ્રીમાં પ્રવાહી એસિડિક છે કે આલ્કલી તે મહત્ત્વપૂર્ણ છે એટલે આ ટેસ્ટ આજે પણ વ્યાપક રીતે ઉપયોગી થાય છે. હવે તો ઘણા બધા છોડના રસમાં લિટમસ જેવા ગુણ હોવાનું જાણવા મળ્યું છે. લાલ કોબીજના રસામાંથી પણ લિટમસ પેપર બનાવી શકાય છે. પીવાના પાણીમાં એસિડિક દ્રવ્યો છે કે કેમ તે જાણવા પણ લિટમસ ટેસ્ટ થાય છે.

પતંગિયા જેવી સુંદર માછલી બટરફ્લાય ફિશ 3 - image

આપણા નખ અને તેનો ઉપયોગ

આપણી આંગળી અને અંગુઠા ઉપરના નખ  ટેરવાને રક્ષણ આપે છે. નખ કેરાટીન નામના સખત પદાર્થના બનેલા છે.  નખ ચામડીના ઉપલા આવરણમાંથી મૃત કોશોમાંથી બને છે. નખનું નિરીક્ષણ કરશો તો તેના મૂળમાં ચંદ્રાકાર ભાગ દેખાય છે તેને લુનુલા કહે છે તે નખનું મૂળ છે અને સજીવ કોષોનું બનેલું છે. તેમાં કેરાટીન એકઠું થઈને નખનો વિકાસ થાય છે. નવા કોષો ઉમેરાય તેમ જૂના કોષો આગળ વધીને નખનો વિકાસ થાય છે. નખ ટેરવાની ચામડી સાથે જ્ઞાાનતંતુઓથી જોડાયેલ છે. ટેરવાની બહાર વધેલા નખ નિર્જીવ હોય છે તે કાપવાથી પીડા થતી નથી.

નખનો રંગ અને સ્થિતિ તબીયતના સૂચક છે. વૈદ્યો અને ડોક્ટરો દર્દીના નખ પણ તપાસતા હોય છે. નખ રક્ષણ ઉપરાંત પકડ પણ મજબૂત કરે છે. નખ ન હોય તો તમે પેન કે પેન્સિલ વડે લખી શકો નહીં. ફેશન જગતમાં પણ નખની ભૂમિકા છે. ઈ.સ. પૂર્વે ૩૦૦૦ના સમયમાં પણ નખ રંગવાની પરંપરા હતી. રંગવા સાથે નખ વધારવાની પણ ફેશન છે. એક ચીની સાધુએ પોતાના નખ ૫૭.૭૯ સેન્ટીમીટર સુધી વધારીને વિશ્વવિક્રમ સ્થાપેલો. ૧૯૯૮માં શ્રીધર પિલ્લાઈ નામના યુવાને ડાબા હાથની આંગળીના નખ ૬૧૫.૩૨ સેન્ટીમીટર સુધી જાળવી વિક્રમ સર્જેલો.

પતંગિયા જેવી સુંદર માછલી બટરફ્લાય ફિશ 4 - image

અલ્ટ્રાવાયોલેટ કિરણો શું છે? તે ક્યાંથી આવે?

સૂર્ય પ્રકાશમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા શરીરને નુકસાન કરે છે. તેવું તમે સાંભળ્યું હશે. સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે તે જાણીતી વાત છે. પરંતુ આ સાતરંગો તો માણસ જોઈ શકે તે છે તે સિવાય પણ સૂર્યપ્રકાશમાં બીજા રંગ હોય છે. કિરણોની બાબતમાં રંગ એટલે કિરણની વિવિધ તરંગ લંબાઈ. સૂર્યપ્રકાશમાં આપણને દેખાતી પ્રથમ રંગ જાંબલી કે વાયોલેટ છે. પરંતુ તેની પહેલાં પણ એક રંગ હોય છે જે આપણને દેખાતો નથી. વિજ્ઞાાનીઓએ તેને પારજાંબલી કે અલ્ટ્રાવાયોલેટ નામ આપ્યું છે. મધમાખીઓ અને કેટલાક પશુપક્ષીઓ અલ્ટ્રાવાયોલેટ રંગ જોઈ શકે છે. સૂર્યપ્રકાશ અને કેટલાક તારાઓના પ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો તીવ્ર હોય છે તે આપણી ચામડીને દઝાડે છે અને આંખોને નુકસાન કરે છે. પરંતુ સૂર્યમાંથી આવતાં બધા જ અલ્ટ્રવાયોલેટ કિરણો પૃથ્વી સુધી પહોંચતા નથી. તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઓઝોનનું સ્તર બને છે. તેમાં શોષાઈ જાય છે. એટલે ઓઝોન સ્તર આપણું રક્ષણ કરે છે તેમ કહેવાય છે. આપણા શરીરને થોડા અલ્ટ્રાવાયોલેટ કિરણોની જરૂર પણ છે. આપણી ચામડી સૂર્યપ્રકાશમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી વિટામિન 'ડી' બનાવે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો તીવ્ર હોવાથી કેટલાક રોગજનક બેકટેરિયાનો નાશ કરવામાં ઉપયોગી થાય છે. વિજ્ઞાાનીઓએ અલ્ટ્રાવાયોલેટ કિરણો પેદા કરવાના લેમ્પ પણ વિકસાવ્યા છે.


Google NewsGoogle News