Get The App

બુલબુલની સમાધિ .

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
બુલબુલની સમાધિ                                   . 1 - image


- બુલબુલની ચાંચ ખૂલી ખૂલી જતી હતી. તેના શ્વાસ ફૂલી ફૂલી જતા હતા. કોઈ રીતે તે આંખ ખોલતું ન હતું. તેની સામે લોટની કણ, પૂરી, ભાખરી, ભાતના દાણા મુકવામાં આવ્યા પણ મરતાં બુલબુલને ખાવામાં શો રસ હોય?

- ઝટ કાઢો એને, હજી એ જીવે છે...

- બાળકો કેમે કરીને તેને શાંત ન પાડી શક્યાં

ઉનાળાનો તાપ. મે મહિનો બેસે તે પહેલાં જ સૂરજ પુરા તાપે તપવા લાગ્યા. માનવીઓ તો માથે પાણીનાં પોતાં મુકી ઘરમાં ભરાઈ જતા કે દફતરોમાં ખસની ટટ્ટી નાખી પંખો ચલાવી ઠંડી લિજ્જત માણતાં. પણ પશુઓની ખરેખરી વલે થતી. અને પંખીઓના તરફડાટની તો વાત જ ન કરો.

અમારી કૂંડીનું પાણી ઊંડું અને ઊંડું જવા લાગ્યું. તેમ છતાં એ પાણીનું આકર્ષણ પંખીઓને મન ઘણું હતું, કહો કે એટલું એ પાણી જ તેમનું જીવન હતું.

કૂંડીની ઉપર બારી હતી. ત્યાં ચકલીએ માળો બાંધ્યો હતો. એક દિવસ ઊડતાં શીખતું એક બચ્ચું તેમાં પડયું અને મરી ગયું.

બીજી વખત ચકલી જાતે જ પાણીમાં ચાંચ બોળવા ગઈ અને જાતે જ બોળાઈ ગઈ.

જતે દિવસે એક ખિસકોલીએ એ પાણીમાં પ્રાણ ગુમાવ્યા અને કાગડો આટલો નિપુણ હોવા છતાં એક કાગડો પણ એમાં ડૂબી મર્યો.

છોકરાંઓને માટે આ મરતાં પંખીઓની વેદના અસહ્ય થઈ પડી. તેઓ એ કૂંડીના પાણીમાં કદીક દેડકાં મુકતાં, એક વખત કાચબો પણ અંદર મુક્યો હતો. તેમ છતાં નાનાં મોટાં પંખીઓનું મૃત્યુ તેઓ જીરવી શકતાં નહિ.

એવામાં એક બુલબુલ પાણીમાં ડૂબ્યું.

બાળકોએ તે જોયું. કદાચ મોડું જોયું હશે. ઘરનું કોઈક સગું મર્યું હોય એટલી કાગારોળ તેમણે મચાવી. ભેગાં થયેલાં બાળકો ચીસ પાડીને કહેતાં હતાં કે, 'ઝટ કાઢો એને. હજી એ જીવે છે.'

ભોલી દોડતી જઈને જૂનું ટેનિસનું રૅકેટ લઈ આવી. એ રૅકેટ પાણીમાં નાખીને તેમણે ડૂબેલા બુલબુલને બહાર કાઢ્યું.

પાણી બહાર આવેલી માછલી કૂદે એમ તે જિંદગી માટે વલવલતું હતું. છોકરાંઓના જીવ કપાઈ જતા હતા.

આવા મરતાં પંખીને જોઈ કૂતરી ચમકી દોડી આવી. તેનાં બે બચ્ચાં ટીલડું અને ગટ્ટો જીભ લસલસાવવા લાગ્યા. ટીલડું બહુ નાનું છે પણ પંખી પકડવામાં એક્કું છે. એક ચકલીના બચ્ચાને વગર માર્યે જ તે ગળી ગયું હતું ત્યારથી તેનો પંખીઓ માટેનો સ્વાદ વધી ગયો હતો.

બાળકો આ શ્વાન-ટોળકીને દૂર રાખવા લાગ્યાં તો ઉપર કાગડાઓ ચકરાવા લાગ્યા. એક પછી એક આવીને ટોડલે, છજા પર, અગાશીમાં બેસવા લાગ્યા. કા-કા કરીને એ કાગડાઓ કહેતા હતા : 'અલ્યા હવે એ બુલબુલને બચાવો છો શું? અમને આપી દો. તમને મોટું પુણ્ય મળશે.'

છોકરાંઓ એ તમામ શત્રુઓને દૂર રાખી મરતાં બુલબુલને બચાવવા લાગ્યાં.

બુલબુલની ચાંચ ખૂલી ખૂલી જતી હતી. તેના શ્વાસ ફૂલી ફૂલી જતા હતા. કોઈ રીતે તે આંખ ખોલતું ન હતું. તેની સામે લોટની કણ, પૂરી, ભાખરી, ભાતના દાણા મુકવામાં આવ્યા પણ મરતાં બુલબુલને ખાવામાં શો રસ હોય?

વિજ્ઞાાનની એ શોખીન વિદ્યાર્થિનીઓને ખ્યાલ આવ્યો કે એના પેટમાંથી પાણી કાઢવું જોઈએ. બુલબુલને ઊંધું કર્યું. પાણી ન નીકળ્યું.

સમય જતો હતો અને બુલબુલ મોત તરફ ધકેલાતું હતું.

ડૂબેલા માણસને જેમ કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવામાં આવે તેમ બુલબુલને હળવે હળવે પેટ દબાવી તેને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવામાં આવ્યા.

પણ એ ક્રિયા ઘણી મોડી હતી. એક વખત પેટ દબાવવા જતા બુલબુલના મોઢામાંથી પાણીનો મોટો કોગળો જ નીકળી ગયો અને સાથે જ બુલબુલના પ્રાણ પણ નીકળી ગયા.

બાળકો તેના મૃત્યુ પર એટલું રડયા છે કે વાત ન પૂછો. મરેલા એ બુલબુલને પણ તેઓ છોડવા તૈયાર ન હતા. વખતે તેના દેહમાં જીવ પાછો આવશે, એ આશાએ તેઓ સાચવીને બેઠા હતા.

બુલબુલની એક જોડી અમારે ત્યાં નિયમિત વિહાર કરતી હતી. માથે ટોપીવાળા એ પક્ષીનાં ગીતો સાથે બાળકો પણ ગીતો લલકારતાં હતાં. જોડીમાંનો એક જીવ જતાં બીજાએ તો કલ્પાંત માંડયું.

બાળકો કેમે કરીને તેને શાંત ન પાડી શક્યાં.

છેવટે બાળકોએ નક્કી કર્યું કે આ ધોમ ધખતા તાપમાં પંખીઓ પાણી પીવાને ખાતર જ કૂંડીમાં પડે છે. તેમણે એક અડધું માટલું શોધી કાઢ્યું. ચણ ચણવા માટે એક ઝૂલતું ખોખું હતું. હવે તેની જ નીચે આ ઠંડા પાણીનું માટલું ગોઠવી દેવામાં આવ્યું છે.

પંખીઓ કૂંડી સુધી ન જાય માટે કૂંડી પર પતરું ઢાંકી દેવામાં આવ્યું છે.

પંખીઓ હવે કલરવ કરતાં ચણ ચણે છે અને પેલું ઠંડું પાણી પીએ છે. પોતાને જેટલી વખત તરસ લાગે છે એટલી વખત બાળકો એ માટલામાં પાણી રેડવાનું ભૂલતાં નથી.

એક બુલબુલના પ્રાણે આમ બીજાં તમામ પંખીઓને પાણીની સગવડ કરી આપી છે, એ માટે બાળકોએ એ બુલબુલની કાચી સમાધિ બનાવી છે. એ સમાધિને બુલબુલની સમાધિનું નામ આપ્યું છે. જો કે પેલી ચમકી કૂતરી એ સમાધિ ખોદવા જાય છે ખરી, પણ બાળકોએ તેના પર એવો મજબુત પથ્થર મુક્યો છે કે એ શિલાલેખ હવે ચમકી કદી ઉખેડી કે ખસેડી શકે તેમ નથી.

Tags :