સૌથી મોટું માંસાહારી પ્રાણી : બ્રાઉન બેર
રીં છ કદાવર પ્રાણી છે. રીંછની અનેક જાત છે પરંતુ અલાસ્કાના બર્ફીલા પ્રદેશમાં જોવા મળતાં બ્રાઉન બેર તો માંસાહારી પ્રાણીઓમાં સૌથી મોટાં છે. આ રીંછ ૭૮૦ કિલોગ્રામ વજનના હોય છે. દોઢથી બે મીટર લાંબા અને દોઢ મીટર ઉંચા આ રીંછ દેખાવમાં ભરચક વાળવાળા રીંછ જેવા જ છે. તે અલાસ્કા અને કેનેડામાં જ નહીં રશિયા, ઉત્તર આફ્રિકા, મેક્સિકો જેવા ઘણા પ્રદેશોમાં જોવા મળે છે તે તેની વિશેષતા છે.
બ્રાઉન બેર જાતજાતના નાના પશુ પક્ષીઓ અને માછલાં ખાઈને જીવે છે. બ્રાઉન બેર પોતપોતાની હદ બાંધીને ટોળામાં રહે છે. બ્રાઉન બેર તીવ્ર શિયાળાની ઋતુમાં પર્વતીય ઢોળાવમાં છવાયેલા બરફ હેઠળ સુષુપ્તાવસ્થામાં ચાલ્યા જાય છે. એ છ મહિના ખોરાક વિના પડયા રહે છે. આ દરમિયાન તે ૪૦ ટકા વજન ગુમાવે છે. બ્રાઉન બેરના પગના પંજા મોટા હોય છે. તેના પગના પંજા ૭ થઈ ૧૦ સેન્ટીમીટર લંબાઈના હોય છે. તેના પગની આંગળીમાં તીક્ષ્ણ નહોર હોય છે. તેના સાંકડા મોંમાં મજબૂત દાંત હોય છે. બ્રાઉન બેર પોતાના મજબૂત જડબાથી હાડકાં પણ ભાંગી શકે છે. બ્રાઉન બેર હુમલાખોર પ્રાણી છે. તે ૧૧ જેટલા જુદા જુદા અવાજ કાઢી શકે છે.
બ્રાઉન બેરનાં બચ્ચાના શરીર પર વાળ હોતાં નથી અને અંધ હોય છે. તે માત્ર ૪૦૦ થી ૫૦૦ ગ્રામ વજનનાં હોય છે. જન્મ પછી ઉનાળો આવે ત્યાં સુધીમાં તે મોટાં થઈને ખોરાક શોધતાં શીખે છે. યુરોપ અને અમેરિકામાં બ્રાઉન બેરના પાત્રાલેખનની અનેક બાળવાર્તાઓ પ્રચલિત છે.