Get The App

ઉંદરભાઈ બચી ગયા .

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
ઉંદરભાઈ બચી ગયા                                                . 1 - image


- ફુદી ચકલી, કાળુ કાગડો, કોકિલ કોયલ, મેઘધનુષ મોર, બટકી તેતર અને તેમની સાથે બીજાં ઘણાં પક્ષીઓએ હરીફાઈમાં નામ નોંધાવ્યાં.

- લુચ્ચો કાગડો એમ તેને છોડે તેમ નહોતો. તે ફરીથી તેને ચાંચ મારવા ગયો ત્યાં જ તેને ડોકમાંથી લઈને કોઈ ઉડયું.તે બચવા માટે બૂમો પાડવા લાગ્યો.

- પીના પટેલ 'પિન્કી'

મયુર વનમાં ઘણાં બધાં પશુ-પક્ષીઓ રહેતાં હતાં. તેમાં રોકી કૂતરો, ઝમકુ બિલાડી અને ચું ચું ઉંદર પાક્કા મિત્રો હતાં.

 તે ત્રણેય જ્યાં જાય ત્યાં સાથે ને સાથે હોય. એક વાર મયુરવનમાં રમત ગમતની હરીફાઈ યોજાવાની વાતો થવા લાગી.

  મયુર વનના રાજા શેર સિંહે રમત ગમતની હરીફાઈની જવાબદારી ગલબાભાઈ શિયાળને સોંપી.

ગલબાભાઈ ચતુર અને શાણા. તેમને રમતગમતમાં બહુ રસ. તેમણે આ જવાબદારી હરખથી ઉપાડી લીધી.

 તેમને તો રમતગમતની જાહેરાત છપાવીને તેનાં પોસ્ટર  અમુક ઝાડવે લટકાવી દીધાં, જેથી કોઈ પશુ કે પ્રાણી  આ હરીફાઈથી વંચિત રહી ન જાય. આ જાહેરાત વાંચીને તો ફુદી ચકલી, કાળુ કાગડો, કોકિલ કોયલ, મેઘધનુષ મોર, બટકી તેતર અને તેમની સાથે બીજાં ઘણાં પક્ષીઓએ હરીફાઈમાં નામ નોંધાવ્યાં.

 ઝમકુ બિલાડીએ જાહેરાત વાંચી  એટલે તે તેના બંને મિત્રોને લઈને નામ નોંધાવવા આવી પહોંચી. ગોલી હાથી અને ટપુ વાંદરો નામ નોંધતા હતા. ઝમકુએ ઊંચી કૂદ અને ગોળા ફેંકમાં નામ લખાવ્યું, તો ગલબાએ  લાંબી કૂદ અને ખો -ખોમાં નામ લખાવ્યું. ચુંચુંએ  દોડ અને સ્લો  સાઈકલ માં નામ લખાવ્યું.

બધાં પ્રાણી અને પક્ષીઓને શર્ટ પર ભરાવવાના સિક્કા આપવામાં આવ્યા. રમતગમતનો દિવસ આવી ગયો. મયુર વનમાં ખૂબ મોટો ઉત્સવ યોજાઈ રહ્યો હતો. વનના  મોટા મેદાનમાં હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે પશુ-પંખીઓએ ભાગ લીધો હતો તે હાજર થઈ ગયાં હતાં અને જેમને ભાગ નહોતો લીધો તે હરીફાઈ જોવા માટે આવ્યાં હતાં. 

હરીફાઈ શરૂ થઈ. સૌ પ્રથમ દોડ હતી. કાળુ કાગડાએ દોડમાં ભાગ લીધો હતો. ચું ચું ઉંદર અને બીજાં પશુપક્ષીઓ પણ હતાં. કાળુ કાગડાના મનમાં લુચ્ચાઈ હતી. નિયમ પ્રમાણે તેમને ઉડવાનું નહોતું એટલે તેમની પાંખો પર પટ્ટી મારી હતી. ચુંચું તેની મસ્તીમાં દોડતો હતો. ત્યાં કાળુએ તેને ચાંચ મારીને ઊભો રાખતાં કહ્યું, 'તું જલદીથી મારી પાંખ ખોલી દે, તો હું ઊડીને આગળ પહોંચીને નંબર લઈ આવું. હું તને સ્લો સાયકલમાં મદદ કરીશ.'

'ના હોં કાળુ, નિયમ પ્રમાણે જ ચાલવાનું છે.'

કાળુ કાગડાને આ સાંભળતાં રીસ ચઢી એટલે તેણે ચુંચુંને ચાંચ મારી દીધી. ચુંચું દર્દથી કણસતો હતો તોયે દોડવાનું ના છોડયું. ચતુર સસલુ તેની આગળ થઈ ગયું. તે આગળ જઈને ઊભું રહ્યું. તેને ચુંચુંને લોહી આવતું જોઈને માટી લઈને તેના પર દાબી દીધી. ચુંચુંને રાહત થઈ એટલે થોડુંક ઝડપી દોડવા લાગ્યો, પણ કાળુ કાગડાથી આ જોવાયું નહીં એટલે તેને ફરી ચાંચ મારવા ગયો, પણ આ વખતે ચુંચું રેતીમાં પેસી ગયો એટલે બચી ગયો.

આ તો લુચ્ચો કાગડો એમ તેને છોડે તેમ નહોતો. તે ફરીથી તેને ચાંચ મારવા ગયો ત્યાં જ તેને ડોકમાંથી લઈને કોઈ ઉડયું.તે બચવા માટે બૂમો પાડવા લાગ્યો.

હવે સામે છેડે પહોંચવાની તૈયારી હતી. સૌ પ્રથમ ચતુર સસલો પહોંચ્યો, બીજા નંબરે દીપુ દીપડો પહોંચ્યો, ત્રીજા નંબરે છમકુ હરણ જીતી ગયું અને ઉંદર ચોથા નંબરે પહોંચ્યો.

 ત્યાં જ ગરૂડ રાજા કાગડાને લઈને આકાશમાંથી નીચે ઉતર્યા . કાગડાને તેમની ચાંચમાં જોઈને બધા નવાઈ પામ્યા. ગરૂડ રાજ બોલ્યા, 'આપણે આ રમતોત્સવનો કાર્યક્રમ બધાને મજા પડે તે માટે રાખ્યો છે. તેમાં ભાગ લે તે બધા જીતેલા જ કહેવાય, પણ આ લુચ્ચા કાળુ જેવા પ્રાણીઓ રંગમાં ભંગ કરે છે. તેઓ જીતવા માટે ગમે તે કરે છે.' 

ગરુડે સૌને બધી વાત કરી.બધાં પ્રાણીઓ બોલ્યાં, 'રમત ગમત તો મનોરંજન માટે જ છે. આપણે બધાએ મનોરંજન કરવાનું છે. એમાં લુચ્ચાઈ કરવાની ના હોય.'

કાગડાએ બે હાથ જોડીને બધાની માફી માગી. ઉંદરભાઈના મિત્રો બોલ્યા, 'ઉંદરભાઈ કેવા જીતી ગયાં.'

'અરે , ના ભાઈ ના... ઉંદરભાઈ તો

બચી ગયાં.'

બધાં ખડખડાટ હસી પડયાં.


Google NewsGoogle News