બહાદુર શનિ .
- ગામમાં લોકવાયકા ફેલાઈ ગઈ કે ગામમાં ખૂંખાર રાક્ષસ આવી ગયો છે અને એકલ-દોકલ માણસને મારી નાખે છે, નાનાં પ્રાણીઓને ઉપાડી જાય છે.
- સલીમભાઈ ચણાવાળા ડાકોર
રૂ પનગર ગામની વાત છે. જેવું ગામનું નામ તેવું જ સુંદર હતું. અહી ગામના બધા જ લોકોનું જીવન ફક્ત ખેતી પર નિર્ભર હતું. ગામમાં સૌ કોઈ ઓછી-વધારે જમીન ધરાવતા હતા. લોકો ખૂબ જ આનંદમાં રહે! સુંદર મોટા પર્વતો અને ઘટાદાર વૃક્ષો... જાણે જંગલ જોઈ લો. દરમિયાન ગામમાં લોકવાયકા ફેલાઈ ગઈ કે ગામમાં ખૂંખાર રાક્ષસ આવી ગયો છે અને એક દોકલ માણસને મારી નાખે છે. નાનાં પ્રાણીઓને ઉપાડી જાય છે. તેણે ખૂબ જ આતંક મચાવી દીધો હતો. બીકના લીધે હવે ખેતી પણ ઓછી થવા લાગી હતી. અનાજના ભાવ આસમાને થઈ ગયા.
આ જ ગામમાં કાનજીભાઈ નામનો કુંભાર રહેતો હતો. માટીની દરેક વસ્તુ કલાત્મક રીતે બનાવતો હતો. તેની બધી જ વસ્તુઓ બાજુના ગામના લોકો પણ લઈ જતા. કાનજીભાઈનો દીકરો શનિ પોતાના ગધેડા લઈને રોજ જંગલ તરફ માટી ખોદવા જતો અને ગધેડા પર માટી લઈને આવતો. એક દિવસની વાત છે. તે જંગલમાં માટી ખોદી રહ્યો હતો ત્યાં અચાનક એક સોના જેવી રાજવી ડબ્બી મળી. પહેલા તો શનિ ખૂબ જ ડરી ગયો. તેણે હિમ્મત એકઠી કરીને ડબ્બીને ખોલી. અંદરથી એટલો તેજસ્વી પ્રકાશ પડયો કે માણસની આંખો અંજાઈ જાય. તે જલ્દી જલ્દી માટી ભરીને ગધેડા હાંકીને ઘરે આવી ગયો. શનિએ પિતાને બધી વાત કરી તેમણે કહ્યું: પેટીમાં મુકી દે! હમણાં કોઈને તું વાત કરતો નહી.
આ બાજુ રાક્ષસનો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો. ગામ અડધું ખાલી થઈ ગયું. રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે રાક્ષસને મારશે તેને યોગ્ય ઈનામ આપીશું. શનિ આમ તો બહાદુર હતો. તેણે ગામના લોકો સાથે બેઠક કરી. તેણે કહ્યું, 'હું એ રાક્ષસને ખતમ કરી નાખીશ. મને ગામના બે છોકરાઓની મદદ જોઈએ!' તેના મિત્રો તૈયાર થઈ ગયા!
હવે શનિએ એક-બે રાત્રી બેટરીઓ લઈને રાક્ષસની વૉચ ગોઠવી અને અને જે પર્વતોમાંથી આવતો હતો તેનો રાસ્તો નક્કી કરી લીધો! બીજા દિવસે શનિ અને તેના મિત્રો ત્રિકમ-પાવડા લઈ ગયા અને મોટો ખાડો ખોદી નાખ્યો. ઉપર ઝાડનાં મોટાં પાન અને લાકડા ગોઠવી દીધા. રાત પડતા જ શનિ પેલી તેજવાળા હીરાની ડબ્બી લઈને જંગલમાં ગયો અને જેવો રાક્ષસ આવ્યો કે શનિએ પેલી જાદુઈ ડબ્બી ખોલીને. તીવ્ર પ્રકાશથી રાક્ષસ અંજાઈ ગયો અને ખાડામાં ફસડાઈ પડયો! સવારે ગામના લોકો રાક્ષસને મરેલો જોઈને ખુશ થયા... અને રાજાએ શનિને સોનામોહરો ભેટ આપી!