Get The App

ભૂષણની ભૂખ .

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
ભૂષણની ભૂખ                                                             . 1 - image


- ભૂષણના શરીર પર એટલી ચરબી હતી કે 15 દિવસ પ્રવાહી પર રહ્યો હોવા છતાં શરીર પરથી 200 ગ્રામ વજન પણ ઓછું થયું નહોતું! હવે માએ હવે કડક પગલાં ભરવાનું 

નક્કી કર્યું

નિધિ મહેતા

ભૂ ષણ સાતમા ધોરણમાં ભણતો હતો, પણ એની કદ ને કાઠી જાણે ૧૮ વર્ષના અદોદળા યુવાન જેવી. બેડોળ બાંધો અને આળસુનો પીર. હલનચલન કરવાની ખૂબ આળસ, બેઠાડું જીવન. નાનપણથી જ ખાધોડકો. કોઈનંુ માને નહીં ને પછી એને વારંવાર પેટમાં ગડબડ થાય. પણ તોય સુધરે તો તો ભૂષણ શેનો? આમને આમ એણે પોતાના શરીરની દશા બગાડી દીધી હતી.

સ્કૂલ, શેરી-મહોલ્લે બધે જ તે જાડિયાના નામથી જાણીતો. ઘરમાં બધા એને ભુખ્ખડભાઈ કહી બોલાવે. આ ભૂષણનું મોઢું લગભગ ખાલી જોવા ન મળે. કંઈક ને કંઈક ગલોફે દબાવેલું જ હોય. જોકે નાનો હતો ત્યાં સુધી તકલીફો ઓછી હતી, પરંતુ ઉંમર કરતાં વજન વધારે થવાથી શરીરમાં બીમારી ઘૂસવાની શક્યતાઓ વધવા લાગી. ડોક્ટરો પણ તેને વજન ઉતારવાની સલાહ આપવા લાગ્યા, પણ ભૂષણને ખાતો અટકાવવો એટલે અશક્ય કામ.

ઘરના બધા જ સભ્યો જુદીજુદી કેટકેટલી કોશિશ કરીને થાકી ગયેલા, પણ ભૂષણની પાવલી ભાર જેટલી ભૂખ પણ ઓછી થતી નહોતી. મા-બાપની ચિંતા દિવસે ને દિવસે વધવા લાગી.  તેમણે ભૂષણને જીમમાં મોકલવાનું શરૂ કર્યું, પણ આ ભાઈ તો જીમમાં જઈને આવે પછી જેટલું પચાવ્યું એના કરતાં ચાર ગણું ખાય. એટલે જિમ પણ પાછું બંધ કરાવ્યું. કંઈકેટલાય અખતરા કરી જોયા પણ કોઈ જ સફળતા મળી નહીં.

એક દિવસ ભૂષણ સ્કૂલથી આવ્યો અને એના પેટમાં દુખાવો ઉપડયો.  તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. લગભગ ૧૫  દિવસની લાંબી સારવાર પછી તેને માંડ રજા મળી. હોસ્પિટલમાં એને માત્ર પ્રવાહી પર રાખવામાં આવ્યો હતો. માને ચિંતા દૂર થઈ  કે મારો દીકરો સાજો નહીં થાય તો શું થશે? ભૂષણના શરીર પર એટલી ચરબી હતી કે ૧૫ દિવસ પ્રવાહી પર રહ્યો હોવા છતાં ૨૦૦ ગ્રામ વજન પણ ઓછું થયું નહોતું! હવે માએ હવે કડક પગલાં ભરવાનું નક્કી કર્યું.

આજે બરાબર એક વાગે કકડીને ભૂખ લાગતાં ભૂષણ પાગલની જેમ બરાડા પાડવા લાગ્યો, 'મમ્મી, બહુ ભૂખ લાગી છે, જલ્દી કંઈક આપી દે.'

'જો બેટા, તને જે ખાવાનું કહ્યું છે એ મિક્સરમાં ક્રશ કરવાનું બાકી છે અને મારા હાથ ખરાબ છે. તું જ તારી જાતે કરી લે.'

'સારું, મમ્મી.'

ભૂષણ રસોડામાં આવ્યો. તેણે બધાં  ફળો મિક્સરમાં નાખી માને પૂછયું, 'બસ આટલું?' મમ્મીએ કહ્યું, 'ના, આખું છેક સુધી ભરી દે.'

ભૂષણે જારને ફ્રુટ્સથી ભરી દીધું. પછી માને પૂછયું, 'બસ હવે બરાબર?'

'હા, હવે ફેરવી દે એને મિક્સરમાં.' 

ભૂષણે જારને મિક્સર પર મૂકી ચાંપ દબાવી, પણ એ ફર્યું જ નહીં. તે બોલ્યો, 'મમ્મી આ ફરતું નથી.'

માએ વળતો જવાબ આપ્યો, 'ફરીથી કર.' ભૂષણે કોશિશ કરી, પછી એકદમ ભડક્યો, 'અરે મમ્મી, તું પણ ખરી છે! તેં આ આખો જાર છલોછલ કરાવી નાખ્યો છે. ફળોના ટુકડાઓ માટે  હરવાફરવાની જગ્યા જ નથી છોડી, તો એ ક્યાંથી ફરશે? વિજ્ઞાાન મુજબ જારને થોડું અધૂરું રાખીએ તો તે ફરી શકે ને? તો જ મિક્સ 

થાય ને?'

મમ્મીએ પૂછયું, 'એમ? એવું હોય? તને એવી સમજ પડે છે?'

'હાસ્તો વળી. પડે જ ને, મમ્મી. હું વિજ્ઞાાન ભણું છું.'

'તો પછી ભૂખ્ખડભાઈ, આ વિજ્ઞાાનનું જ્ઞાાન આપણા પેટ માટે પણ એટલું જ ઉપયોગી છે, હોં!  પેટને પણ જરા ખાલી રાખવું પડે, તો જ એમાં ખોરાકનું હલનચલન થાય ને પાચન  થઈ શકે... અને તો પછી ચરબી ન ચડે, દવાખાનામાં દિવસો ન કાઢવા પડે. સમજ્યો?'

ભૂષણના દિમાગમાં એકદમ બત્તી થઈ. એ કહે, 'અરે વાહ! મમ્મી, જે વાત મને કોઈ ન સમજાવી શક્યું એ વાત તેં મને કેટલી સરળતાથી સમજાવી દીધી! મમ્મી, હવે હું જે-તે નહીં ખાઉં, મારી હેલ્થનું ધ્યાન રાખીશ.'

'ખરેખર, બેટા?'

'હા મમ્મી, કેમ કે સ્વસ્થ શરીર એ જ પહેલું સુખ છે એ મને હવે સમજાઈ ગયું છે. હવે મારે દવાખાને નથી જવું એટલે હું આજથી જ મારી ભૂખ પર કાબુ રાખીશ.'

સૌ ભૂખ્ખડભાઈ ભૂષણની વાતથી રાજીના રેડ થઈ ગયા. 

 તરત દાદા બોલ્યા, 'બસ તો આજથી હવે ભૂખ્ખડભાઈ કહેવાનું બંધ, ભૂષણભાઈ કહેવાનું ચાલુ... બરાબર ને?'

 ભૂષણ દાદાને તાલી આપી બોલ્યો,

    'દાદા, જોજો હું કસરત કરીને,

       ચરબી બધી ભગાવું,

       ગમે ત્યારે ગમે તે હું

         મોઢે નહીં લગાવું.'

સૌ તાળી પાડી ઉઠયા.  


Google NewsGoogle News