Get The App

ભોલુની પતંગની દુકાન .

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
ભોલુની પતંગની દુકાન                                           . 1 - image


- ભોલુના પતંગો જોઈને તેના મિત્રો અને ગામના છોકરાઓ ખૂબ ખુશ થયા. બધાએ ભોલુને કહ્યું: દોસ્ત, વધારે પતંગ બનાવને! 

એ ક નાનકડા ગામમાં ભોલુ નામનો છોકરો રહેતો હતો. તેના પિતા ખેતમજૂર હતા. ભોલુનો પરિવાર ખૂબ ગરીબ હતો. એક ખેતરની બહાર નાનકડી ઓરડીમાં તેઓ રહેતા હતા. ભોલુને એક નાની બહેન હતી - ટીના. પોતાની ગરીબી જોઈને ભોલુ સપનું જોતો કે એક દિવસ તે મહેનત કરશે અને ધનવાન બનશે.

ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા તેના બધા મિત્રો પતંગની ખરીદી કરવા લાગ્યા. ભોલુ પાસે પતંગ ખરીદવાના પૈસા ન હતા. તેણે નક્કી કર્યું કે તે જાતે પતંગ બનાવીને ઉડાડશે. તેણે અને તેની બહેન ટીનાએ નકામા કાગળના ટુકડા ભેગા કર્યા. ખેતરમાંથી વાંસની સળીઓ એકઠી કરી. ભોલુ કાગળમાંથી અવનવી પતંગ બનાવવા લાગ્યો. તેના ખાસ મિત્ર રાહુલે આપેલા કલરોનો ઉપયોગ કરીને એણે ઘણા રંગબેરંગી પતંગો બનાવી નાખ્યા.

ભોલુના પતંગો જોઈને તેના મિત્રો અને ગામના છોકરાઓ ખૂબ ખુશ થયા. બધાએ ભોલુને કહ્યું: દોસ્ત, વધારે પતંગ બનાવને! રાહુલે એને પતંગ વેચવાનો આઈડિયા આપ્યો.

ભોલુએ વિચાર્યું : હું પતંગ વેચીને કંઈક કમાઈશ તો પિતાને મદદરૂપ થઈશ. 

ભોલુએ ઘરના આગણામાં ઓટલા ઉપર પતંગની નાનકડી દુકાન બનાવી. દુકાનનું નામ રાખ્યું - 'ભોલુની પતંગની દુકાન.' 

ભોલુના હાથની બનેલા પતંગ અનોખી અને મજબૂત હતા. આખા ગામમાં ભોલુની પતંગ પ્રસિદ્ધ થઇ ગયા.

ઉત્તરાયણ પહેલાં ભોલુએ ઘણા પતંગો વેચ્યા. તે ઘણું કમાયો અને તેના પિતાને મદદરૂપ બન્યો. પતંગની સાથે તે એક સુંદર સંદેશ પણ લખતો - 'પ્રગતિના આકાશમાં હંમેશા ઉડતા રહો અને સફળતા મેળવતા રહો!'  એક સફળ વેપારી જેવી આવડત ભોલુમાં આવી ગઈ. ગામનાં સરપંચ પોતાના દીકરાઓને લઈને ભોલુની દુકાને પતંગ ખરીદવા આવ્યા. ભોલુના પતંગ જોઈને તે ખૂબ ખુશ થઇ ગયા અને ભોલુને ઇનામ આપ્યું. 

ઉત્તરાયણ પછી પણ ભોલુએ પોતાની દુકાન ચાલુ રાખી. સરપંચની મંજૂરી અને મદદ લઈને પુસ્તક, પેન અને કલર વેચવાની દુકાન બનાવી. સવારે ભોલુ સ્કૂલે જતો અને બપોર પછી દુકાન સાંભળતો. આમ, તે સખત મહેનત કરતો. ભણવાની સાથે સાથે તે થોડું કમાઈ પણ લેતો. આવી રીતે ભોલુએ પોતાની મહેનતથી પરિવારની ગરીબી દૂર કરી. ભોલુ ગામનાં બાળકો માટે પ્રેરણાોત બની ગયો.

બાળમિત્રો, આ વાર્તા શીખવે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, જો મહેનત અને ઉત્સાહ હોય તો બધા કાર્ય શક્ય બની શકે છે. સખત મહેનતથી સફળતા મળે જ છે.

- કિરણબેન પુરોહિત 


Google NewsGoogle News