Get The App

ભલાના લાગ્યા ભોગ .

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
ભલાના લાગ્યા ભોગ                                                    . 1 - image


- 'કોઈ પતિ પોતાની સ્ત્રી પાછળ મરી જતો નથી. પછી શા માટે સ્ત્રીઓએ પોતાના પતિ પાછળ જવું જોઈએ? સ્ત્રીઓએ તો જીવીને પોતાનાં બાળકોને મોટાં કરી તેમને સારા માનવી બનાવવા જોઈએ...'

- 'તમે ગુનો કબૂલ કરો છો કે નહીં?'

- 'મહારાણીબા, પ્રધાનજી મને મરવા દેતા નથી.'

રાણીનું રાજ્ય સુખચેનથી ચાલે, કોઈ જાતની ફરિયાદ નહીં. કોઈ જાતની ચિંતા નહીં. મોટેભાગે એનો યશ પ્રધાનજીને ફાળે જતો હતો.

પ્રધાન ન્યાયી હતા, પણ જરા કડક હતા. કંઈક નવા નવા સુધારા પણ કરતા હતા.

લોકો જૂની રીતે રહેવા ટેવાયેલા હતા એટલે આ સુધારાઓથી ગભરાઈ જતા.

ધીરે ધીરે પ્રધાન સામે ફરિયાદ ઊઠવા લાગી. ફરિયાદો વધતી ગઈ તો મહારાણીને પણ એ તરફ ધ્યાન આપવાની ફરજ પડી.

દરબારીઓ કહેવા લાગ્યા: 'મહારાણી! અમે કંઈ અમસ્તા કહેતા નથી. લોકો પ્રધાનજીથી હેરાન-પરેશાન થઈ ગયા છે. તમે છૂટ આપો તો હમણાં ફરિયાદ રજૂ કરીએ.'

રાણી કોઈના પણ ન્યાય કરતાં અચકાતી નહીં. તે કહે: 'જો ફરિયાદ સાચી હશે તો હું પ્રધાનને સજા કરીશ. ન્યાયના ત્રાજવા આગળ નાના મોટા સૌ સરખા છે.'

એક નહીંપણ ત્રણ ફરિયાદો રજૂ થઈ. સૌથી પહેલી એક શાકવાળી હતી. તેણે ફરિયાદ કરતાં કહ્યું: 'મહારાણીબા! મેં હંમેશાં લોકોને આ પથ્થરથી જ શાક જોખીને આપ્યું છે. આ પથ્થરને લોકો ઓળખે છે. હું પણ ઓળખું છું. પણ આજકાલ પ્રધાનજીએ કોઈક જુદાં જ માપ નક્કી કર્યાં છે. એ માપ ઉપર આંકડાઓ લખેલા છે અને એ આંક ધાતુના બનેલા છે. હવે અમે તે એવાં કાટલાં લેવા ક્યાં જઈએ? અમને તો જે પથ્થર મળે તેના વડે શાક જોખી નાખીએ.'

મહારાણીએ પ્રધાનજીને પૂછ્યું: 'શાકવાળી કહે છે તે વાત સાચી છે?'

પ્રધાનજી કહે: 'મહારાણીજી, વાત એવી છે કે બધી શાકવાળી પોતપોતાની મરજી મુજબના પથ્થરો રાખે છે, એથી એકસરખા વજનનું શાક લોકોને મળતું નથી. તેને બદલે મેં ચોક્કસ વજનનાં કાટલાં નક્કી કર્યાં છે કે જેથી બધાંને એકસરખાં જ કાટલાં રાખવાં પડે. એકસરખું જ વજન આપવું પડે.'

રાણીએ એક જ સવાલ પૂછ્યો: 'તમે ગુનો કબૂલ કરો છો કે નહીં?'

પ્રધાનજી આગળ બોલતા અટકી ગયા. તેઓ કહે: 'મહારાણીજી, મારી વાત હજી અધૂરી છે. પણ તે છતાં તમે આને જો ગુનો ગણતાં હો તો તે મને કબૂલ છે.'

મહારણીએ હુકમ કર્યો: 'બીજી ફરિયાદ રજૂ કરવામાં આવે.'

એક સુધરાઈનો કારકુન આવ્યો. તે કહે: 'મહારાણીબા, પ્રધાનજીએ એક આખી ને આખી ઇમારત તોડી પાડી છે.'

મહારાણી કહે: 'વિગતો આપો.'

બગલમાંનો ચોપડો ઉઘાડી, કાનમા ખોસેલી પેન્સિલ ખેંચી કારકુને વિગત આપવા માંડી. તે કહેઃ 'મહારાણીબા, આ રહ્યું આ નકશામાં બતાવેલું મકાન. એ મકાન સોથી વધુ વરસથી પોતાની જગાએ ઊભું હતું. મકાન જેમ જૂનાં બને તેમ ઐતિહાસિક બની જાય છે. એવા ઐતિહાસિક મકાનને પ્રધાનજીએ જબરજસ્તીથી તોડી

પડાવ્યું છે.'

મહારાણીએ પૂછ્યું: 'પ્રધાનજી, ગુનો કબૂલ કરો છો?'

પ્રધાનજી કહે: 'વાત એવી છે મહારાણીજી, કે એ મકાન અત્યંત જરીપુરાણું બની ગયું હતું. તે પડું પડું થઈ રહ્યું હતું. એ મકાન ગમે ત્યારે તૂટી પડે તો નિર્દોષ રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તેમ હતું એટલે મેં જ એ મકાન....'

મહારાણીએ આ વિગતો સાંભળી નહીં અને પૂછી માર્યું: 'મકાન પાડવાનો ગુનો કબૂલ કરો છો કે નહીં?'

પ્રધાનજીએ પાછી એ જ વાત કહી. તેઓ કહે: 'મહારાણીજી, જો એ ગુનો થતો હોય તો હું ગુનો કબૂલ કરું છું.'

'ત્રીજી ફરિયાદ રજૂ કરો.' મહારાણીએ દરબારને હૂકમ કર્યો.

અને રડતી કકળતી એક સ્ત્રી હાજર થઈ. તે કહેવા લાગી: 'મહારાણીબા, પ્રધાનજી મને મરવા દેતા નથી.'

મહારાણીને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું: 'અરે બાઈ! તારી ઉંમર ઘણી નાની છે. તારે મરવું શા માટે પડે છે?'

એ સ્ત્રીએ વિગતો આપવા માંડી. તે કહે: 'મહારાણીબા, મારા પતિનું અવસાન થઈ ગયું છે. પતિ પાછળ સતી થવાનો આપણે ત્યાં ઘણો જૂનો રિવાજ છે. હું સતી થઈને મારા પતિ પાસે જતી રહીશ. મારા સગાઓ મને ચિતામાં હોમવા તત્પર હતા. પણ પ્રધાનજીએ વચમાં પડી મને જીવતી રાખી છે. મને સતી બનતી અટકાવીને મને પાપમાં નાખી છે.'

મહારાણીએ પ્રધાનજીને પૂછ્યું: 'તમે આ સ્ત્રીને મરતી અટકાવી છે ખરી?'

પ્રધાનજી કહે: 'સતી થવાનો રિવાજ જૂનો અને જોરજુલમનો છે. પતિ પાછળ મરી જવું એ ઘણું વધારે પડતું છે. કોઈ પતિ પોતાની સ્ત્રી પાછળ મરી જતો નથી. પછી શા માટે સ્ત્રીઓએ પોતાના પતિ પાછળ જવું જોઈએ? સ્ત્રીઓએ તો જીવીને પોતાનાં બાળકોને મોટાં કરી તેમને સારા માનવી બનાવવા જોઈએ...'

આટલી લાંબી વાત મહારાણી શાનાં સાંભળે? તેમણે તો ફરીથી પ્રશ્ન પૂછ્યો: 'તમે આ સ્ત્રીને સતી થતી અટકાવી કે નહીં? એ ગુનો કબૂલ કરો છો

કે નહીં?'

ફરીથી પ્રધાને અગાઉની જેમ જ કહ્યું: 'જો એ ગુનો થતો હોય તો મહારાણીજી એ ગુનો કબૂલ કરવા હું તૈયાર છું.'

મહારાણીએ એક વખત રાજસભા તરફ જોયું. ન્યાય ઉચ્ચારતાં તેમણે કહ્યું: 'પ્રધાનજી આ રાજ્યના સૌથી મોટા માનવી છે. તે છતાં તેઓ ગુનેગાર છે, કેમ કે તેમણે પોતાના ત્રણ ત્રણ ગુના કબૂલ કર્યા છે, માટે હું તેમને હદપારની સજા કરું છું. '

લોકો રાજી રાજી થઈ ગયા.

એ બધા કોલાહલની વચમાંથી પ્રધાનજી કહે: 'મહારાણીજી, મેં ન્યાયને હંમેશાં વંદન કર્યા છે. તમારો હુકમ મને માન્ય છે, છતાં ગુનેગારને છેલ્લી અરજ ગુજારવાની તક આપવામાં આવે છે. તો મારી એટલી જ વિનંતી છે કે મને હું કહું ત્યાં હદપાર કરવામાં આવે.'

મહારાણીએ લોકો સામે જોયું. લોકો કહે: 'હદપાર એટલે હદપાર. ભલે આપણે પ્રધાનજીને એ કહેશે ત્યાં મોકલી આપીશું.'

પ્રધાનજી કહે: 'મારા પ્રિય નગરજનો તથા મહારાણીબા, મારી એટલી જ વિનંતિ છે કે મને આપણા રાજ્યના કોઈ ઊજડી ગયેલા શહેરમાં હદપાર કરવામાં આવે અથવા તો કોઈ ઉજ્જડ ગામમાં મને મોકલી આપવામાં આવે.'

પ્રધાનજીએ આગળ કહ્યું: 'કે પછી કોઈ ગરીબાઈથી ખદબદતા ગામડામાં પણ હું જવા તૈયાર છું.'

લોકોની સંમતિ લઈ રાણીએ કહ્યું: 'ભલે એમ જ થશે.'

રાણીએ કોઈક ઊજડી ગયેલા શહેર, ઊજડેલા ગામ કે ગરીબ ગામડાની શોધ માટે માણસો મોકલી આપ્યા.

એ માણસો દિવસો સુધી પાછા ફર્યા નહીં.

મહારાણી રાહ જોઈને થાકી એકાદ વરસ પૂરું થતાં એ માણસો આવી પહોંચ્યા. તેમણે પોતાનો અહેવાલ આપતાં કહ્યું: 'નથી.'

મહારાણીએ પૂછ્યું: 'શું નથી?'

રાજ્યના સિપાઈઓ કહે: 'આપણા રાજ્યમાં એક પણ ઊજડેલું શહેર નથી. બધાં જ શહેરો સમૃદ્ધ છે. સૂમસામ કે સૂનું સૂનું હોય એવું કોઈ ગામ પણ નથી. બધાં જ ગામો સાધન સગવડોથી ભરેલાં છે અને ગરીબાઈ તો ક્યાંય જોવા પણ મળતી નથી.'

હવે પ્રધાનજીએ આગળ આવીને કહ્યું: 'મહારાણીજી, તમારા કહેવાથી મેં ગુનાઓ કબૂલ કર્યા છે, પણ જરા કહો તો ખરાં કે મારા અમલ દરમિયાન જો શહેરો સમૃદ્ધ થયાં હોય, ગામ સાધનસંપન્ન બન્યાં હોય અને લોકોની ગરીબાઈ દૂર થઈ હોય તો પછી લોકો દુઃખી છે એમ કેમ કહેવાય? તેમને બીજી ફરિયાદ પણ શી હોવી જોઈએ? પ્રજાની સુખાકારી એ જ રાજા તથા પ્રધાનોની ફરજ નથી શું? અને એ ફરજ મેં

બજાવી છે.'

પ્રધાનજીએ વળી આગળ પણ પોતાની કેફિયત રજૂ કરી. તેઓ કહે: 'વજનમાં સમતુલા આવે, કોઈ લોકો છેતરાય નહીંઅને છતાં વેપારીઓને સરખા પૈસા મળે, માટે વેપારના વાદવિવાદ મિટાવવા મેં ચોક્કસ માપતોલ રજૂ કર્યાં છે. પેલું જૂનું ઘર કવખતે પડી જઈને કોઈને મારી નાખે તે પહેલાં મેં જ પાડી નાખીને લોકોને બચાવી લીધા છે. અને પેલી સ્ત્રીને જીવતી રાખી એમાં વળી ગુનો કયો થયો? જીવવું એ જ માનવીનો હક્ક છે. વગર મોતે મરવું એ આપઘાત છે અને એ જ ગુનો છે. મેં તો એ સ્ત્રીને મરતી અટકાવી છે.'

મહારાણી તો અગાઉથી બધી જ વાતો જાણતાં હતાં. તેમણે લોકોને કહ્યું: 'બોલો હવે તમે પ્રધાનજી વિશે શું કહેવા માગો છો?'

લોકો એકી અવાજે બોલી ઊઠયા: 'અમે જૂની ઘરેડથી ટેવાયેલા હોઈને નવીનતા અપનાવતાં ડરતા હતા. પણ હવે ખબર પડી કે પ્રધાનજી અમારા સુખ માટે જ બધું કરી રહ્યાં છે. અમારે તો આ જ પ્રધાન જોઈએ.'

તેમણે બૂમ પાડી: 'પ્રધાનજી ઝિંદાબાદ, રાણીજી ઝિંદાબાદ.'


Google NewsGoogle News