વિજ્ઞાન જગતની 'લેડી એડિસન' બ્યૂલા લૂઇસ હેનરી
- વિશ્વના વિજ્ઞાનીઓ
થો મસ આલ્વા એડિસન એક સોથી વધુ શોધો કરીને વિશ્વવિખ્યાત બનેલો. તેના જ સમયગાળામાં અમેરિકામાં બ્યૂલા હેનરી નામની મહિલા વિજ્ઞાની ૧૧૦ શોધો કરીને સુપ્રસિદ્ધ થયેલી. તેણે બોબીન વિનાનું સિલાઈ મશીન, વેક્યૂમ આઈસ્ક્રીમ ફ્રિઝર જેવી ગૃહ ઉપયોગી ૧૧૦ શોધો કરી હતી.
બ્યૂલા હેનરીનો જન્મ ઈ.સ. ૧૮૮૭ના ફેબ્રુઆરીની ૧૧ તારીખે અમેરિકાના કેરોલિનામાં થયો હતો. કેરોલિનાની પ્રીસબાય ટેરિયન અને ચાર્લોટીની એલિઝાબેથ કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી ૧૯૨૪માં તેનો પરિવાર ન્યૂયોર્ક રહેવા ગયો. બ્યૂલા નિકોલસ મશીન વર્ક કંપનીમાં એન્જિનિયર તરીકે જોડાઈ. ત્યારબાદ વિવિધ કંપનીમાં એન્જિનિયર તરીકે સેવાઓ આપી. બ્યૂલા આજીવન કુંવારી રહેલી અને રોજીંદા સુવિધાના સાધનોનો અભ્યાસ કરીને તેને વધુ સુવિધાજનક બનાવવા પ્રયાસો કરતી. તેણે વેક્યૂમ આઈસ્ક્રીમ ફ્રિઝર, બોબીન વિનાનું સિલાઈ મશીન, આંખોનો રંગ બદલતી ઢીંગલી, પાણી છાંટવાનો ફુવારો, હેન્રી વાલ્વ, ટાઈપ રાઈટર માટે ડુપ્લિકેટ મશીન, ડુપ્લેક્ષ સાઉન્ડ પ્રોડયુસર વગેરે ૧૧૦ જેટલી શોધ કરેલી. આ શોધો બહુ નોંધપાત્ર કે વિજ્ઞાનના ઊંડા સિદ્ધાંતોને લગતી નહીં પરંતુ રોજિંદા જીવનમાં ઉપયોગી સાધનોને વધુ સુવિધાજનક બનાવતી હતી. તેણે ૨૦ વર્ષની ઊંમરે પ્રથમ પેટન્ટ નોંધાવેલી. તેને બાળપણથી બધી ચીજોને બદલીને કંઈક નવું કરવાની ઈચ્છા હતી. તેણે શોધેલી વિવિધ રંગની છત્રી બદલ તેને અઢળક પૈસા મળેલા જેનાથી તેણે ઘરની લેબોરેટરી ઊભી કરેલી. ૧૯૩૦થી ૪૦ના ગાળામાં તેણે સિલાઈ મશીન અને ટાઈપરાઈટર મશીનમાં વ્યાપક સુધારા કર્યા. લગભગ ૮૦ વર્ષની ઉંમર સુધી તે સંશોધનોમાં સક્રિય હતી. ૧૯૭૩માં તેનું અવસાન થયું હતું.