ખુશ રહો અને લાંબું જીવો! .
- દાદીમાને જિંદગીનું રહસ્ય જડી ગયું. જીવો અને હસો. હસો અને જીવો. જીવવા માટે હસો. હસતા હસતા જીવો. તંદુરસ્ત બની રહેવા હસો. જુવાન બની રહેવા હસો. લાંબું જીવવા હસો.
દાદીમા જિંદગીથી કંટાળી ગયાં હતાં. તેમાં સરકારે ફતવો કાઢ્યો : 'હવેથી જિવાઈનો દાખલો આપવો પડશે તો જ ઘડપણનું પેન્શન મળશે.'
લો, બબડયા દાદીમા, હવે જીવતા છીએ તેનોય પુરાવો આપવાનો? શી દુનિયા છે?
તે માટે છબી પડાવવી જરૂરી હતી.
ગયા છબીવાળા પાસે : 'ભાઈલા, જીવતી લાગું એવી છબી પાડી દે.'
છબીકારે માજીને કૅમેરા સામે બેસાડયા. બધી ગોઠવણ કરી. પછી કહ્યું 'દાદીમા જરા હસતું મોઢું રાખો...'
દાદીમા બબડયાં : 'મૂઆ, 'તેં મારી જિંદગીની મુસીબતો જાણી હોય તો તને ખબર પડે. હવે તો હું હસવાનું જ ભૂલી ગઈ છું. હસું કેવી રીતે?'
છબીકાર કહે : 'દાદીમા, હસવાથી માણસ વીસ વરસ નાનું લાગે છે. જુવાન જ જોઈલોને! એકદમ જીવતા હોવાનો દાખલો. હસો અને જીવો.'
'હેં!' દાદીમાને નવાઈ લાગી. 'હસવાથી વીસ વરસ જુવાન લાગીએ? જા જા ગાંડા!'
તેમણે એવું કહ્યું તો ખરું પણ હસી દીધું. જેવા દાદીમા હસ્યાં કે છબીકારે ચાંપ ઝબકારી. વીજળી ઝબકી. છબી પડી ગઈ!
એવી હસતી છબી હતી કે દાદીમા ખુશ થઈ ગયાં. ખરેખર વીસ વરસના જુવાન જ બની ગયાં!
સરકાર કહે : 'અરે દાદીમા! આ તમે જ છો કે? કેવાં હસો છો? વીસ વરસના જુવાન જ લાગો છો ને કંઈ?'
દાદીમાને જિંદગીનું રહસ્ય જડી ગયું. જીવો અને હસો. હસો અને જીવો. જીવવા માટે હસો. હસતા હસતા જીવો. તંદુરસ્ત બની રહેવા હસો. જુવાન બની રહેવા હસો. લાંબું જીવવા હસો.
દાદી હસતાં થઈ ગયાં. તેઓ દુનિયાને પણ હસાવવા લાગ્યાં.
વીસ વરસ સુધી સરકારને કૌતુક થતું રહ્યું : 'અરે દાદીમા! તમારા જીવતા હોવાનો દાખલો મેળવવા હું ઘરડો થઈ ગયો પણ તમે તો એવાં ને એવાં જ છો. રહસ્ય શું છે?'
દાદીમાને વિશ્વાસ અને ખાતરી સાથે કહી દીધું : 'હસો.'
આ વાચન છે એવું
કે ખુશખુશ હું થઈ જાઉં
ફરી ફરીને વાંચું
યાદ કરીને નાચું
બાળકોને ભેગા કરી
સહુને હું વંચાવું
વારાફરતી વારાફરતી
નવી જ મજા બતાવું.