પાયાની સુગંધ .

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
પાયાની સુગંધ                               . 1 - image


- 'હા, કેસર ત્યાં જ ઠીક છે. ત્યાં પડયું પડયું સુગંધ ફેલાવ્યા કરશે. કાશ્મીરી શેઠની વાત યાદ આપ્યા કરશે. કાલે ઊઠીને જ્યારે મારામાં ઘમંડ અને ગુમાન ઘર કરી જાય, ત્યારે એ સુગંધ જ મને ઠેકાણે લાવશે.'

- હરીશ નાયક

તે જમાનાની વાત, જ્યારે કાશ્મીર કેસરનું કેન્દ્રસ્થાન હતું. ઉમદામાં ઉમદા કેસર. મધમધતું કેસર. સુગંધથી આજુબાજુના પ્રદેશો તર થઇ જા એવું કેસર.

એ કેસરનો એક શેઠ વેપાર કરે. કેસરના વેપારમાં ખૂબ કમાણી કરે. પૈસા તો એટલા ભેગા થયેલા કે વાત ન પૂછો.

ઝાડ પર ફળો આવે છે તો ઝાડ નમે છે, નમ્ર બને છે, ઝુકે છે. આ શેઠજીનું એથી ઊંધું જ થયું. પૈસા આવતાં જ તેમનામાં ગર્વ આવ્યો. ગુમાન આવ્યું.

એક વાર તેઓ પોતાનાં સાત જહાજોમાં કેસર ભરીને વેપાર કરવા નીકળી પડયા.

આવ્યા ખંભાત બંદરે. ખંભાત બંદરની ત્યારે દોમદોમ સાહ્યબી. ત્યાં બધા લક્ષાધિપતિઓ નહિ, કરોડપતિઓ જ રહે.

કાશ્મીરી શેઠ જ્યારે ખંભાર આવે ત્યારે તેમનું બધું કેસર અહીં ખપી જાય. મ્હોં માગ્યો ભાવ ઊપજે.

આ વખતે કાશ્મીરી શેઠે નવી જ વાત છેડી. બંદરે જેવા ખંભાતી વેપારીઓ આવ્યા કે તેમણે ચોખ્ખી વાત કરી, 'કેસર, ઉમદા લાવ્યો છું. પણ ભાવ વધારે લઇશ અને નાણાં સોનામાં જ લઇશ. સોના સિવાય બીજી કોઇ ચીજ મને ન ખપે.'

ખંભાતના વેપારીઓ સાંભળી રહ્યા.  સાત જહાજનું કેસર ખરીદાય એટલું સોનું લાવવું ક્યાંથી ? અને તે પણ એક સાથે...?

વાત એક સાધારણ માનવી પાસે પહોંચી. એ પણ વેપારી હતો પણ સાદોસીધો વેપારી. ભગવાનનું માણસ જ સમજો ને !

તે પોતાનું મકાન બાંધતો હતો. સાદાં વસ્ત્રોમાં તે પણ મજૂર જેવો લાગતો હતો. કોઇ એમ ન સમજે કે આ વેપારી હશે.

વાત તેને કાને આવી. તે ઊપડયો બંદરે. જહાજમાંના કેસરનું પારખું કર્યું. ભાવ નક્કી કરી ચોખ્ખું ચટ સોનું આપ્યું. ચોવીસ કેરેટનું ચોખ્ખું સોનું.

લોકો તો આભા જ બની ગયા. આ વેપારી પાસે આટલું સોનું ?

એથી પણ વધુ નવાઇની વાત તો પછીથી બની.

પેલા સીધાસાદા વેપારીએ કેસર ખરીદ્યું. પોતાના મકાનનો પાયો ખોદાયો હતો, બધું કેસર એ પાયામાં નાખી દીધું અને ઉપર મકાન તૈયાર કરવા માડયું.

લોકો તો સ્તબ્ધ થઇ ગયા. આભા જ બની ગયા.

તેમણે પૂછ્યું : 'અરે, પણ આનો શો અર્થ...? કેસર પાયામાં ?'

પેલા ભલા વેપારી કહે : 'હા, કેસર ત્યાં જ ઠીક છે. ત્યાં પડયું પડયું સુગંધ ફેલાવ્યા કરશે. કાશ્મીરી શેઠની વાત યાદ આપ્યા કરશે. કાલે ઊઠીને જ્યારે મારામાં ઘમંડ અને ગુમાન ઘર કરી જાય, ત્યારે એ સુગંધ જ મને ઠેકાણે લાવશે.'

પણ તમને લાગે છે કે કેસરની એ સુગંધ ગુમાનને નજીક ફરકવા પણ દે! 


Google NewsGoogle News