વડ અને વાંદરું .
- વડે પોતાની ત્રણ ચાર ડાળીને નમાવી. ડાળ વાંકી કરીને વાંદરાને ગલીપચી કરવા માંડી. પછી વડ જેમ જેમ ગલી પચી કરે તેમ તેમ વાંદરું એવું હસે... એવું હસે... કે વાત જ ન પૂછો!
- હરીશ નાયક
ધરમપુર નામે એક ગામ. ગામમાં સૌ લોકો સંપીને રહે. ગામને પાદરે વડનું ઝાડ. સૌ કહેતા : 'વડ પાદરની શોભા છે.'
વડની છાયામાં બાળકો મસ્તી કરે. વાંદરાઓનું એક ટોળું પણ વડ ઉપર રહે. ક્યારેક તો આ વાનરો કૂદાકૂદ કરીને પાદરને ગજવી મૂકે. વાંદરાઓ વડના કૂણા ટેટા ખાય. વડનાં કૂણાં પાન ખાવાની મજા લૂંટે. થડને આ બધું જોવાની મજા પડતી. આમ એમની દોસ્તી જામતી.
એક વખત એક વાંદરાએ વડનું પાન તોડીને નીચે નાખી દીધું. વડને વનસ્પતિનો બગાડ થાય તે ન ગમે. એને વાંદરાના આ વર્તન પર ગુસ્સો આવ્યો. ગુસ્સાને કાબૂમાં રાખી બહુ વિવેકથી વાંદરાને કહ્યું : 'વાંદરાભાઈ! મારા પાન તોડીને નીચે ન નાખશો. ખાવાં હો તો ખાવ. પણ બગાડ ન કરો.'
વડ નીચે રમતાં બાળકો, આ જોઈ ગયાં, વડ અને વાંદરા વચ્ચે બોલાચાલી થઇ તો બાળકોને મજા પડી ગઈ. બાળકો તો ગાવા લાગ્યા :
'એક હતું વાંદરું,
એણે તોડયું પાંદડું.
ઝાડ કહે, લ્યા વાંદરાભાઈ!
પાંદડું ના તોડો ભાઈ!'
છતાં વાંદરું તો મસ્તીમાં કૂદાકૂદ કરે. એણે બીજું પાંદડું પણ તોડીને નીચે નાખ્યું. હવે ઝાડથી ન રહેવાયું. એણે વાંદરાને જરા કડકાઈથી કહ્યું : 'વાંદરાભાઈ! તમને ખબર છે? આ મારાં પાંદડાં વડે હું જગતને પ્રાણવાયુ આપું છું. પૃથ્વીના જીવોને આ પ્રાણવાયું કેટલો ઉપયોગી છે?' આટલું કહીને વડ તો ગાવા લાગ્યો :
'ડાળી મારી લીલીછમ્મ
તને પડે ના ગતાગમ,
તું આવે છે રોજ રોજ
આવીને કરતો મસ્તી મોજ.'
હવે તો વાંદરું પણ ખીજાયું, એણે વડની સામે ડોળા કાઢીને કહી દીધું : 'તારી ટણી તારી પાસે રાખ! તું શું સમજે છે શું? હું તારી ચોકી કરું છું. તારી રક્ષા કરું છું. લોકો તને કાપીને નાશ કરવા માંગે છે. હું જ તેમને ભગાડીને તને બચાવું છું...સમજ્યો?'
એટલું કહી વાંદરું મૂડમાં આવી ગાવા લાગ્યું :
'હું તારો છું ચોકીદાર,
સાચવું તને ભારોભાર,
એક તોડયું પાંદડું,
એમાં ગજવ્યું ગોંદરું?'
એમ કહીને વાંદરું તો વડથી રીસાઈ ગયું. એણે વડની સામે જોઇને કિટ્ટા કરી દીધી. વડને અને વાંદરાને દિલથી દોસ્તી હતી. એટલે વડને વાંદરું રીસાય તે ન ગમે.
વડ વિચાર કરે છે. શું કરું? આ વાંદરાને કેવી રીતે મનાવું?
વડે પોતાની ત્રણ ચાર ડાળીને નમાવી. ડાળ વાંકી કરીને વાંદરાને ગલીપચી કરવા માંડી. પછી વડ જેમ જેમ ગલી પચી કરે તેમ તેમ વાંદરું એવું હસે... એવું હસે... કે વાત જ ન પૂછો!
પછી તો વાંદરું વડને વળગી પડયું, વડ અને વાંદરું બંને ભેટીને ખૂબ હસવા લાગ્યાં.
આ જોઇને નીચે રમતાં બાળકો ગાવા લાગ્યાં :
'એક હતું વાંદરું,
એણે તોડયું પાંદડું :
ઝાડે કરી ગલીપચી,
વાંદરું હસી પડયું પછી.'