ટાલ ચળકી, નસીબ ચળક્યું .
- તે શેઠ હતા, પણ એક વ્રતે તેમને સાચા ભક્ત બનાવી દીધા
- વ્રત લેતાં લેવાઈ ગયું,
પાળતાં પળાઈ ગયું,
ભાળતાં ભળાઈ ગયું,
ભગવાનને મળાઈ ગયું.
એ ક શેઠને ભગવાનના નામમાં રસ નહિ. 'એમાં શું મળવાનું છે ?' જેવો એમનો ભાવ.
તેમાંય ભગવાનને ખાતર વ્રત-નિયમમાં તો તેમને જરાય શ્રદ્ધા નહિ. એમાં કંઇ મળે બળે નહિ, એવી તેમની માન્યતા.
એક વખત ગામમાં ભાગવત સપ્તાહ બેઠું. પંડિતજીએ પૂર્ણાહુતિ પ્રસંગે બધા પાસે કોઇ ને કોઇ વ્રતો લેવડાવ્યાં.
આ શેઠ તો ઊઠીને સરકી જતા હતા પણ પકડાઈ ગયા. મહારાજ કહે : 'તમે કોઇક નિયમ લો શેઠ !'
શેઠ કહે : 'મને એમાં શ્રદ્ધા નથી.'
મહારાજ કહે : 'ભલે શ્રદ્ધા ન હોય. ભગવાન જેવું કાંઇક છે એની ખાતરી કરવા એકાદ નિયમ લો. ચાલો તમને ફાવે તે નિયમ લેવાની છુટ.'
શેઠ આમ ઉસ્તાદ તો હતો જ. તે કહે : 'મારી સામે એક કુંભાર રહે છે. આખો દિવસ તે ચાક પર માટીનાં વાસણો ઉતારે છે. તેની ટાલ તડકામાં ચળક્યા કરે છે. એ ક્યાંય જતો નથી. તમે કહો તો તેની ટાલ જોઈ ભોજન કરવાનો નિયમ લઉં.'
મહારાજે કહી દીધું : 'તથાસ્તુ, પણ નિયમ લીધો છે તો એને પાળજો જરૂર.'
શેઠ કહે : 'એમાં પાળવાનું વળી શું છે ? નિયમ જ એવો છે કે એની મેળે પળાવાનો જ છે.'
તેણે તો નિયમ શરૂ કર્યો. રોજ સામે કુંભારની ટાલ ચળકતી જ હોય. પછી ભોજનમાં વાર શી ?
એમ દિવસો સુધી ચાલ્યું. એનો નિયમ કદી તૂટયો નહિ. તૂટવાની કોઇ શક્યતા જ ન હતી.
પણ એક દિવસ કુંભાર ન દેખાયો. ભોજનનો સમય થયો તો પણ કુંભારની ટાલ ન ચળકી. સૂરજ માથે આવ્યો. હવે...? આજે તો આ કુંભારે ભૂખ્યા માર્યા ! અ ર ર ર !
ભાઈ તો કદી ભૂખ્યા રહેલા નહિ. તેમના પેટમાં તો બિલાડાં બોલવા લાગ્યાં.
એ તો અંદર જાય અને બહાર આવે. બહાર આવે અને અંદર જાય.
પણ કુંભાર ન દેખાયો. અલ્યા આજે ભૂખ્યા રહેવું પડશે કે શું ?
પણ શેઠ એમ ભૂખ્યા રહેવામાં માનતા ન હતા. તે તો કુંભાર આટલામાં જ ક્યાંક હશે એમ માનીને તેને શોધવા નીકળી પડયા.
શોધતાં શોધતાં શેઠ તો પાદરે અને ત્યાંથી કોતરે.
ત્યાં એકદમ તેની નજર કુંભારની ટાલ પર પડી. કુંભાર માટી મેળવવા આવ્યો હતો. તેણે પાવડો માટીમાં ખૂંપાવ્યો હતો. પણ પાવડો ઝટ બહાર આવતો ન હતો. આવે ક્યાંથી ? જ્યાં પાવડો હતો ત્યાં તો સરસ મજાનો ચરુ હતો અને માંહી વજનદાર સોનુંરૂપું અને હીરામાણેક હતાં.
શેઠને તો આ વાતની ખબર નહિ. તેમણે તો કુંભારની ટાલ ચળકતી જોઇ એટલે તે તો બોલી ઊઠયા : 'દીઠી-દીઠી.'
એટલું કહી તે તો જમવા માટે ઝટ પાછા દોડવા લાગ્યા.
કુંભારના મનમાં શેઠ મને ધન સાથે જોઇ ગયા છે. એ મિલકતને ઉદ્દેશીને જ તેઓ 'દીઠી-દીઠી' કરે છે અને બધાંને કહેવા ગામ ભણી દોડે છે. એટલે તેણે તો બૂમ પાડી : અરે શેઠ ! દીઠી તો ભલે દીઠી. પણ ગામમાં શું કામ જાવ છો ? અહીં આવો અને મદદ કરો. જે મળેતે અડધું અડધું વહેંચી લઇશું.
શેઠ થોભ્યા. પાછા ફર્યા. જોયું તો ન માની શકાય તેટલું ધન ! ચરુ આવતાં જ બંને જણાનાં નસીબ ફરી ગયાં.
શેઠ તો પછી એટલા ધાર્મિક બની ગયા કે વાત ન પૂછો. તેમને થયું કે એક માત્ર મજાકમાં લીધેલ નિયમનું જો આટલું મોટું ફળ મળતું હોય તો ભગવાનનું સાચેસાચ નામ લઇએ અને જિંદગીમાં વ્રત-નિયમ પાળીએ તો તો શું નું શુંય મળે !
ત્યારથી શેઠ ખરેખરા ભક્ત બની ગયા.
- હરીશ નાયક