આપણું રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ .
રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું ચિત્ર તો તમે જોયું જ હશે. ચલણી નોટો, સિક્કા અને રાષ્ટ્રીય દસ્તાવેજોમાં તે અચૂક જોવા મળે. અશોક સ્તંભમાં એક સ્તંભ ઉપર ચારે દિશા તરફ મોં રાખીને બેઠેલા ચાર સિંહનું શિલ્પ છે. દરેક સિંહની નીચે ૨૪ આરાવાળું અશોકચક્ર છે. ચારે ચક્રની વચ્ચે વૃષભ (આખલો), અશ્વ (ઘોડો), હાથી અને સિંહનું એમ ચાર શિલ્પો છે. ભગવાન બુદ્ધનો જન્મ થયો ત્યારે તેમની માતાને સ્વપ્નમાં હાથી દેખાયેલો એટલે હાથી, તેમનો જન્મ વૃષભ રાશિમાં થયેલો. તેનું પ્રતીક વૃષભ, બુદ્ધે ગૃહત્યાગ વખતે કંથક નામના ઘોડા ઉપર સવારી કરેલી તેનું પ્રતીક અશ્વ અને છેલ્લે સિંહ એટલે જ્ઞાન અને શક્તિનું પ્રતીક છે. આમ, આપણું રાષ્ટ્રીય પ્રતીક જ્ઞાન અને શક્તિનો સંદેશ આપે છે.
અશોક સ્તંભ બીજી સદીમાં થઇ ગયેલા મૌર્ય સમ્રાટ અશોકે બંધાવેલા. દેશમાં ઘણા સ્થળોએ આવા સ્તંભ બંધાવેલા. હાલમાં ૧૪ સ્તંભોના અવશેષો જોવા મળે છે. બધા જ સ્તંભો પથ્થરના શિલ્પ છે. બધા જ સ્થંભો સરેરાશ ૪૦થી ૫૦ ફૂટ ઉંચા છે અને ૫૦ ટન વજનના છે. મોટા ભાગના સ્તંભો બિહારના સારનાથ, સાંચી, છપરા, ચંપારણમાં છે. એક સ્તંભ પાકિસ્તાનના ખૈબર વિસ્તારના રાણી ગેટમાં જોવા મળે છે.